નવી દિલ્હી: નાણામંત્રી નિર્મલા સીતારમણે શુક્રવારે મોદી સરકારના બીજા કાર્યકાળનું પહેલુ બજેટ રજૂ કર્યું છે. તેમાં પેટ્રોલ-ડીઝલની કિંમતમાં રૂ. બે સુધીનો વધારો કરવામાં આવ્યો છે. આ સિવાય સોના ઉપર પણ કસ્ટમ ડ્યૂટી 10 ટકાથી વધારીને 12.5 ટકા કરી દીધી છે. સીતારમણે કહ્યું કે, ક્રૂડ ઓઈલના ભાવમાં થોડા સમયમાં ઘટાડો થયો છે. તેથી અમને પેટ્રોલ-ડીઝલ પર લાગતી એક્સાઈઝ ડ્યૂટી અને સેસની સમીક્ષા કરવાનો મોકો મળ્યો છે.
પેટ્રોલ-ડીઝલ રૂ. 2 સુધી મોંઘુ થશે
અત્યારે પેટ્રોલ પર 17.98 અને ડીઝલ પર 13.83 રૂપિયા લિટર દીઠ એક્સાઈઝ ડ્યૂટી લેવામાં આવે છે. હવે તેમાં એક રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. આ જ રીતે રોડ અને કન્સ્ટ્રક્શન સેસમાં પણ લિટર દીઠ એક રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. આમ, આ રીતે પેટ્રોલ અને ડીઝલમાં લિટર દીઠ રૂ. 2નો વધારો થવાની શક્યતા છે. દિલ્હીમાં પેટ્રોલ 70.51 પ્રતિ લિટરનો ભાવ છે જે વધીને 72.51 થઈ જશે. જ્યારે ડીઝલનો ભાવ 64.33 રૂપિયા પ્રતિ લિટરનો ભાવ વધીને 66.33 રૂપિયા થવાની શક્યતા છે.
પેટ્રોલ-ડીઝલ પર નથી પડી ક્રૂડ ઓઈલના કિંમતની અસર
આંતરરાષ્ટ્રીય સ્તર પર ક્રૂડ ઓઈલના ભાવ વધવા છતા સ્થાનિક સ્તર પર પેટ્રોલ-ડિઝલના ભાવમાં તેની કોઈ અસર નથી થઈ. 1 જાન્યુઆરીથી લઈને અત્યાર સુધી પેટ્રોલના ભાવમાં લિટર દીઠ 1.67 અને ડીઝલના ભાવમાં 1.86નો વધારો જોવા મળ્યો છે. જ્યારે આ દરમિયાન ક્રૂડ ઓઈલના ભાવ બેરલ દીઠ 53.6 ડોલરથી ઘટીને 9 ડોલર સુધી પહોંચી ગયો છે. એપ્રિલમાં ક્રૂડ ઓઈલની કિંમત 75 ડોલર સુધી પહોંચી ગયો હતો.
વધી શકે છે મોંઘવારી
પેટ્રોલ-ડીઝલની કિંમત વધતા મોંઘવારી વઘવાની શક્યતા છે. દેશનું મોટા ભાગનું પરિવહન ડિઝલ પર આધારિત હોય છે. ડિઝલની કિંમત વધતા પરિવહન ખર્ચ વધે છે અને તેના કારણે વસતુઓની કિંમત વધે છે. તે સિવાય નોકરિયાત લોકોને પણ પેટ્રોલનો ખર્ચ વધે છે.