અમદાવાદ : બિલ્ડર રામાણી બ્રધર્સએ ભાગીદારી પેઢીમાં રૂ. 48 કરોડની છેતરપિંડી કરી, 10 સભ્યો સામે ગુનો નોંધાયો

0
3

અમદાવાદ. શહેરના પૂર્વ વિસ્તારમાં આવેલી ગેલેક્સી હોમ્સ, ગેલેક્સી ઇન્ટરસિટી સહિતના પ્રોજેક્ટના ભાગીદાર બિલ્ડર રામાણી બ્રધર્સ સામે તેમના ભાગીદાર હેમાંગ ભટ્ટે નિકોલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ મુજબ રામાણી બ્રધર્સએ વર્ષ 2008થી આજ દિન સુધીમાં અલગ-અલગ ફ્લેટના પ્રોજેકટ સાઈટ પર ફ્લેટોના વેચાણની કિંમત અને દસ્તાવેજની રકમ અલગ બતાવી રૂ. 48 કરોડથી વધુની છેતરપિંડી આચરી હતી.

48 કરોડની છેતરપિંડીના આક્ષેપ, હજી સુધી કોઈની ધરપકડ કરવામાં આવી નથી
પરિવારના સભ્યોને પેઢીમાં ક્લાર્ક, અધિકારી અને કર્મચારી બતાવી અને પગાર ચૂકવી પૈસાની ઉચાપત પણ કરી હતી. આરોપી ધર્મેશ મગન રામાણીએ તેમને મળેલા પાવરનો ભાગીદારી પેઢીમાં નવા બંધારણ બાદ ગેરકાયદેસર ઉપયોગ કરી જે પણ ફ્લેટ બન્યા છે તેના વેચાણ દસ્તાવેજો કરી નાખ્યા હતા. નિકોલ પોલીસે કોર્ટના આદેશ બાદ રામાણી બ્રધર્સ અને તેમના પરિવારના સભ્યો સહિત 10 લોકો સામે છેતરપિંડી અને ગુનાહિત કાવતરા અંગેનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. નિકોલ પોલીસ સ્ટેશનના પીઆઇ વી.ડી.ઝાલાએ CN24NEWS સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે કુલ 48 કરોડની છેતરપિંડીના આક્ષેપ કરવામાં આવ્યા છે. હજી સુધી કોઈની ધરપકડ કરવામાં આવી નથી. ઉદય ડેવલોપર્સ નામે ભાગીદારી પેઢી ચલાવતા હતા.

હેમાંગ ભટ્ટે નિલેશ રામાણી, ધર્મેશ રામાણી સાથે ભાગીદારી પેઢી શરૂ કરી હતી
નરોડા- દહેગામ રોડ પર નંદનબાગ બીલસીયા બંગલોઝમાં રહેતા હેમાંગ ઉદય ભટ્ટે નિકોલ પોલીસ સ્ટેશનમાં કરેલી ફરિયાદ મુજબ 2008માં હેમાંગ ભટ્ટે તેમના પિતા અને ભાઈઓએ નિલેશ રામાણી, હરેશ રામાણી, ધર્મેશ રામાણી સાથે ભાગીદારી પેઢી શરૂ કરી હતી. જેમાં નફા- નુકસાન નક્કી કરવામાં આવ્યો હતો. આરોપી ધર્મેશ રામાણીને પાવર ઓફ એટર્ની આપવામાં આવી હતી. તમામ પ્રોજેકટની સાઈટની વેચાણ અને દસ્તાવેજો વગેરેની જવાબદારી ધર્મેશ રામાણી પાસે હતી. દરમ્યાનમાં હેમાંગ ભટ્ટને હિસાબોમાં શંકા ઉપજતા પેઢીના હિસાબોમાં ગોટાળા જોવા મળ્યા હતા. ગેલેક્સી ઇન્ટરસિટી અને ગેલેક્સી હોમ્સ નામની સાઈટ પર જઈ હિસાબો તપાસ કરતા બંને પ્રોજેકટમાં વેચાણ દસ્તાવેજ કિંમત અને ખરેખર વેચાણ કિંમતમાં તફાવત જોવા મળ્યો હતો. જેમાં ગેલેક્સી હોમ્સમાં 20 કરોડનો તફાવત મળ્યો હતો અમે આ રૂપિયા અંગત વપરાશમાં લઇ લીધા હતાં

સ્ટેમ્પ સહિતના ખર્ચમાં તફાવત રાખી 30 કરોડનો અંગત વપરાશ કર્યો હતો
આરોપીઓ ગેલેક્સી હોમ્સ, ગેલેક્સી ઇન્ટરસિટી નામની બે સાઈટ, બંને સાઈટના કાનૂની અને સ્ટેમ્પ ખર્ચ સહિત અન્ય ખર્ચમાંથી તફાવત રાખી 30 કરોડ જેવી રકમ અંગત વપરાશ કરી નાખી હતી. ઉપરાંત લગ્નપ્રસંગનિયમિત અંગત ખર્ચ અને વાહનોની જાળવણીના ખર્ચના 4.53 કરોડ પણ ભાગીદારી પેઢીમાંથી જ ખર્ચ કર્યા હોવાનું બહાર આવ્યું હતું. ધર્મેશ રામાણીની પણ 14 લાખની અંગત રકમ મળી કુલ 48.67 કરોડની છેતરપિંડી કરી હોવાનું ધ્યાને આવતા હેમાંગ ભટ્ટે કોર્ટમાં ફરિયાદ કરી હતી. બાદમાં નિકોલ પોલીસે રામાણી પરિવારના 10 લોકો સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.