દેશની સુરક્ષા અને સમુદ્રી જીવસૃષ્ટિ માટે અત્યંત મહત્ત્વપૂર્ણ એવા પીરોટન ટાપુ પર થયેલા ગેરકાયદે દબાણોને દૂર કરવા માટે તંત્ર દ્વારા નક્કર કાર્યવાહી કરવામાં આવી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં રાજ્યમાં આ પ્રકારના ગેરકાયદે દબાણો પર ઝીરો ટોલરન્સની નીતિ અપનાવી છે.
પીરોટન ટાપુ પર અંદાજે 4000 ચોરસ ફૂટમાં ફેલાયેલા ધાર્મિક સ્થળોનું અતિક્રમણ દૂર કરવામાં આવ્યું છે. ટાપુના આ દબાણો રાષ્ટ્રીય સુરક્ષા, સમુદ્રી જીવસૃષ્ટિ અને આસપાસના વિસ્તારમાં આવેલા મહત્ત્વના ઉદ્યોગો માટે ખતરારૂપ સાબિત થઈ રહ્યા હતા. તેમજ ટાપુને પુનઃ મૂળ સ્થિતિમાં લાવવા માટે રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવેલી આ કડક કાર્યવાહી દેશની સુરક્ષા અને સમુદ્રી જીવસૃષ્ટિના રક્ષણ માટે મહત્ત્વપૂર્ણ સાબિત થશે.
– સમુદ્રી જીવસૃષ્ટિ: પીરોટન મરીન નેશનલ પાર્કનો હિસ્સો છે. અહીંના કોરલ જેવા સમુદ્રી જીવોને ગેરકાયદે દબાણોને કારણે ખૂબ મોટું નુકસાન થતું હતું.
– મહત્ત્વના ઉદ્યોગો માટે ખતરો: અતિક્રમણને કારણે લોકોની અવરજવર વધી જતાં રાષ્ટ્રીય સુરક્ષા માટે પણ ગંભીર પ્રશ્નો ઊભા થઈ રહ્યા હતા. જીએસએફસી, રિલાયન્સ, ન્યારા એનર્જી, એરફોર્સ બેઝ, નેવી બેઝ જેવા મહત્ત્વના ઉદ્યોગો અને સંસ્થાઓ માટે આ અતિક્રમણને કારણે થતી ગેરકાયદે અવરજવર ગંભીર ખતરો ઊભો કરતું હતું.
– NDPS સંબંધી પ્રવૃત્તિઓ: આ સ્થળ NDPS સંબંધી પ્રવૃત્તિઓ માટે લેન્ડિંગ પોઈન્ટ બનવાનું જોખમ ધરાવતું હતું.
– સમુદ્રી વનસ્પતિને નુકસાન: અતિક્રમણને કારણે સમુદ્રી વનસ્પતિને મોટા પાયે નુકસાન થઈ રહ્યું હતું.
આ કાર્યવાહી દ્વારા પીરોટન ટાપુને ફરીથી તેની મૂળ સ્થિતિમાં લાવવાનો પ્રયાસ કરવામાં આવશે અને આ સાથે દેશની સુરક્ષા અને સમુદ્રી જીવસૃષ્ટિનું રક્ષણ કરવામાં આવશે