અમદાવાદ : સિંધુ ભવન રોડ પર 120 વર્ષ જૂના મંદિર પર તંત્ર દ્વારા ફેરવાયું બુલડોઝર, સ્થાનિકમાં ભારે રોષ

0
10

અમદાવાદમાં સિંધુ ભવન પાસે આવેલા મંદિરની ડિમોલિશનની કામગીરીથી વિવાદ સર્જાયો છે. સિંધુ ભવન પાસે રસ્તાની બાજુમાં આવેલા મેલડી માતા અને ઝાપડી માતાના મંદિરની અમદાવાદ મનપા દ્વારા વિવાદ અને પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે ડિમોલિશનની કામગીરી કરવામાં આવી રહી છે.

મંદિર નહીં તોડવાની જીદ સાથે અને પોતાની માગણીઓ સાથે મંદિર પરિસરમાં બેસેલા મહંતની પોલીસે અટકાયત કરી છે. ડિમોલિશન પહેલા AMCના કર્મચારીઓ અને મંદિરના મહંત વચ્ચે બેઠક યોજાઇ હતી. જોકે આ બેઠકનું પરિણામ શૂન્ય આવ્યું હતું. મંદિરના મહંતનું કહેવું છે કે આ મંદિર 120 વર્ષ જૂનું છે અને મંદિર હટાવવા માટે તેમને વૈકલ્પિક વ્યવસ્થા અને પૂરતો સમય આપવામાં આવે.

.મંદિરના મહંતે આક્ષેપ લગાવ્યો છે કે અહીં આસપાસ આવેલા બંગલાઓના માલિકોએ અધિકારીઓને પૈસા આપ્યા હોવાથી મંદિર હટાવવાની કામગીરી કરવામાં આવી રહી છે. આ સાથે જ તેમણે એવું પણ જણાવ્યું હતું કે મંદિર અન્ય જગ્યાએ ખસેડવા માટે તેમને પૂરતો સમય આપવામાં નથી આવ્યો. સાત દિવસની નોટિસમાં મંદિરને બીજે ખસેડવું શક્ય નથી. એવી પણ માહિતી મળી છે કે આ પહેલા મંદિરનો તોડવાનો ત્રણ વખત પ્રયાસ કરવામાં આવી ચૂક્યો છે.

એક તરફ ટાગોર હોલમાં આજે સવારે મેયર બીજલ પટેલની અધ્યક્ષતામાં સામાન્ય સભા મળી હતી બીજી તરફ સિંધુ ભવન રોડ પર આવેલા 120 વર્ષ જૂના મેલડી માતા અને ઝાંપડી માતાના મંદિરને તોડવા માટે એસ્ટેટ વિભાગની ટીમ જેેસીબી મશીન લઇને પહોંચી ગઇ હતી. સ્થાનિક પોલીસના ચુસ્ત બંદોબસ્ત સાથે એસ્ટેટ વિભાગની એક સદીથી પણ વધુ જૂના મંદિરને તોડવાની કામગીરી સામે સ્થાનિક લોકોમાં ભારે રોષ ફેલાયો હતો.

સ્થાનિક લોકોએ એવો આક્ષેપ કર્યો હતો કે કેટલાક માલેતુજાર લોકોની ગાડીને મંદિરના શ્રદ્ધાળુઓની ભીડથી ક્યારેક અટવાવું પડતું હોઇ તેઓએ મ્યુનિ. સત્તાવાળાઓ પર દબાણ કર્યું હતું. આ અમીર લોકોના દબાણથી તંત્રે ડિમોલેશન હાથ ધર્યું હતું. મંદિર રોડને નડતરરૂપ નહોતું. જો નડતરરૂપ હતું તો આટલાં વર્ષ સુધી તંત્ર કેમ ખામોશ રહ્યું?

દરમિયાન મંદિર માટે તંત્રે વૈકલ્પિક વ્યવસ્થા ન આપતાં તેના અખંડ દીવા અને માતાજીની મૂર્તિની પવિત્રતા જળવાશે કે કેમ? તેને લઇ શ્રદ્ધાળુુઓ ચિંતાતુર બન્યા છે. કેટલાક તો આક્રોશભેર કહે છે, અમે વર્ષોથી ભાજપને મત આપીએ છીએ, પરંતુ હવે મંદિર તોડનાર ભાજપને મત આપીને પસ્તાઇ રહ્યા છે. બીજી તરફ મંદિરના મહંત અને તેમના સમર્થકોએ મંદિર તોડવા સામે વિરોધ કરતાં પોલીસ સાથે ઘર્ષણ થયું હતું.

તો આ તરફ આસિસ્ટન્ટ મનપા કમિશનરનું કહેવું છે કે, મંદિરના કોઇ ભાગનું ડિમોલિશન નથી થતું, માત્ર મંદિર પરિસરમાં મહંતનો જે હોલ હતો તેનું ડિમોલિશન કરવામાં આવ્યું છે. આ ઉપરાંત તેમણે મહંતના વૈકલ્પિક વ્યવસ્થા અને પૂરતો સમય ન આપ્યો હોવાના આક્ષેપને પણ ફગાવ્યા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here