પર્દાફાશ : ગાંધીનગરમાંથી 30 લાખની નકલી નોટોનો જથ્થો ઝડપાયો

0
10

ગાંધીનગરનાં ગ્રામ ભારતી પાસેથી 30 લાખની નકલી નોટો સાથે ગાંધીનગર સરગાસણમાં રહેતા સંતોષ કચરાભાઈ રાવળને માણસા પોલીસ દ્વારા ગ્રામ ભારતીથી નાકાબંધી કરીને રંગે હાથ ઝડપી લઈ નકલી નોટોના નેટવર્કનો પર્દાફાશ કરી દેવામાં આવ્યો છે. ગાંધીનગરનો યુવાન પોતાના ઘરે જ ઈલેક્ટ્રોનિક સાધનો વડે નકલી નોટો છાપીને વિજાપુરમાં સપ્લાય કરવાં નિકળ્યો હતો, તે દરમિયાન જ માણસા પોલીસની સતર્કતાથી તેને ઝડપી લેવાતા નકલી નોટોના નેટવર્કનો પર્દાફાશ થવા પામ્યો છે. માણસા પોલીસે યુવકની પાસેથી બે હજાર, 500 તેમજ 100નાં દરની નકલી નોટોનો 30 લાખનો જથ્થો ઝડપી લઈ યુવાનની ધરપકડ કરી છે.

ગાંધીનગર રેન્જ આઈજી અભય ચુડાસમા તેમજ જિલ્લા પોલીસ વડા મયુર ચાવડાએ ગાંધીનગરમાં ચાલતી ગેરકાયદેસર પ્રવૃતિઓ પર અંકુશ મેળવવા માટે તાબાના થાણા અમલદારોને કડક સૂચનાઓ આપવામાં આવેલી છે. જેનાં પગલે માણસા પોલીસ મથકના ઈન્સ્પેક્ટર જતીન પ્રજાપતિ તેમજ સર્વેલન્સ સ્કવોડના પીએસઆઈ એચ. કે. શ્રીમાળી સ્ટાફના માણસો સાથે વાહન ચેકિંગ કરી રહ્યા હતા તે દરમિયાન એક યુવાન બાઈક ઉપરથી પસાર થઈ રહ્યો હતો. જેની વર્તણૂક શંકાસ્પદ લાગતા પોલીસ કાફલાએ તેને કોર્ડન કરી લીધો હતો.

સરગાસણનો સંતોષ રાવળ હોવાનું ખુલ્યું

માણસા પોલીસે સતર્કતાથી બાઈક સવાર યુવાનને અટકાવી લઇ તેની પૂછતા કરતા તેણે પોતાનું નામ સંતોષ કચરાભાઈ રાવળ (રહે. સરગાસન સહજાનંદ સ્ટેટસ બ્લોક એ /302, મૂળ ખડાત, પંચાલપૂરા, માણસા ) હોવાનું જણાવ્યું હતું. જેની પાસે કાળા રંગનો ભારેખમ થેલો હોવાથી તે થોડો અસ્વસ્થ જણાતો હતો. જેથી પોલીસે થેલાની તપાસ કરી હતી. થેલામાં રૂપિયા ભરેલા બંડલો જોઈને પોલીસ કાફલાની આંખો પહોળી થઈ ગઈ હતી.

થેલામાં જુદા જુદા દરની નોટો જથ્થો ભરેલો હતો

બાદમાં માણસા પોલીસે નોટોના બંડલ કાઢીને જોતા એકદમ નવીન નોટો જણાઈ આવી હતી. આટલો મોટો જથ્થો બાઈક પર લઈને નીકળેલા સંતોષને પૃચ્છા કરતા તે કોઈ સંતોષકારક જવાબ આપી રહ્યો ન હતો. જેથી પોલીસે બારીકાઈથી નોટોની ચકાસણી કરતા રૂ. બે હજાર, રૂ. 500 તેમજ રૂ. 100નાં દરની ચલણી નોટોનાં બંડલ એક જ સરખા સિરિયલ નંબરના જણાઈ આવ્યા હતા.

એફએસએલ તેમજ બેંક અધિકારીની મદદ લેવાઈ

માણસા પોલીસ જુદા જુદા દરની નોટોની ખરાઈ કરવા માટે એફએસએલ તેમજ બેંકના અધિકારીઓની ટીમને બોલાવી લેવામાં આવી હતી. જે ટીમ દ્વારા બારીકાઈથી નોટોનું પુથકરણ કરવામાં આવ્યું હતું જેમાં નકલી નોટો હોવાનો ખુલાસો થયો હતો. પ્રાથમિક રીતે નોટોની સાઈઝ અને ક્વોલિટી નબળી ગુણવત્તાની મળી આવી હતી. બાદમાં તપાસ ટીમે વધુ ઝીણવટપૂર્વક નોટોની ચકાસણી કરતા નોટો પર ઈન્ટીગ્લો પ્રિન્ટ તેમજ વેરિયેબલ ઇન્ક પણ જોવા મળી ન હતી પણ સિક્યુરિટી થ્રેડની માત્ર પ્રિન્ટ નોટો પર મળી આવી હતી. જેનાં અંતે તમામ નોટો નકલી હોવાની પુષ્ટિ થઈ હતી.

માણસા પોલીસ હાથથી નોટોનો જથ્થો ગણવા બેસી ગઈ

પકડાયેલી તમામ નોટો નકલી હોવાની પુષ્ટિ થયા બાદ આટલો મોટો નોટોનો જથ્થો ગણવા માટે પોલીસ મથકનો સ્ટાફ નોટો ગણવા બેસી ગયો હતો. કલાકો સુધી પોલીસે એક પછી એક નોટોની ગણતરી શરૂ કરતાં પોલીસ પરસેવે રેબઝેબ થઈ ગઈ હતી. આખરે ગણતરીના અંતે 30 લાખની નકલી નોટો હોવાનું બહાર આવ્યું હતું. જેમાં 5CS 253014, 4AE 637701, 7EA 847705, 6EP 752959, 8FG 055799, 0DU 193890, 1DB 932637, 4BW 932204, 7QA 078023, 3EH 502349, 3EH 502348, 8TT 706244, 8SS 539733, 1FH 933389, 2FH 933392, 2FH 933393 તેમજ 2 FH 933398નાં સીરીયલ નંબરવાળી કુલ ત્રણ હજાર 581 નંગ રૂ. બે હજાર, 500 તેમજ 100ના દરની મળીને કુલ 30 લાખની નકલી નોટો હોવાનું ખુલવા પામ્યું હતું.

સરગાસણના ફલેટમાં  નોટો છપાતી હતી

માણસા પોલીસનો કાફલો સંતોષ રાવળના ઘરે સરગાસણ તેને લઈને આવી પહોંચી હતી. જ્યાં પ્રિન્ટર, સ્કેનર સહિતના ઈલેક્ટ્રોનિક સાધનોની મદદથી તે નકલી નોટોનો જથ્થો છાપતો હોવાની કબૂલાત કરી હતી. જે નકલી 30 લાખની નોટો છાપીને થેલામાં લઈ વિજાપુર લઈ જતો હતો અને પોલીસના હાથે ઝડપાઈ ગયો હતો. હાલમાં પોલીસે વિજાપુરનું કનેક્શન શોધવા માટે તેમજ તેણે અત્યાર સુધીમાં કેટલી નકલી નોટો ફરતી કરી તે દિશામાં તપાસ હાથ ધરી છે.

આરોપી ગુનાહિત ઈતિહાસ ધરાવે છે

આરોપી સંતોષ વિરુદ્ધ કલોલ અને ડભોડા પોલીસ મથકમાં ચીટિંગ ગુના નોંધાયેલા છે. જે ગુનામાં પૈસા ભરવાની શરતે જામીન પર છૂટયો હતો પણ પૈસા ભર્યા ન હોવાથી તેના જામીન ના મંજુર થયાં હતાં. જે કોર્ટના કામે નાસ્તો ફરતો આરોપી છે. તે ચીટિંગ કરવાની ટેવ ધરાવતો તેમજ બેંક સહિતનું દેવું હોવાથી શોર્ટ કટ માં રૂપિયા મેળવવા તેણે 30 લાખની નકલી નોટો છાપી નાખી હતી.

અન્ય સમાચારો પણ છે…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here