સફળતા : કેડીલા ફાર્માને CSIRની સેપ્સીવેક દવામાંથી કોવિડ-19ની સારવારના બીજા તબક્કાના ટ્રાયલનાં હકારાત્મક પરિણામો મળ્યા

0
15

કેડિલા ફાર્માસ્યુટિકલ્સ અને કાઉન્સિલ ઓફ સાયન્ટિફિક એન્ડ ઈન્ડસ્ટ્રિયલ રિસર્સ (CSIR)ની સેપ્સીવેક કોવિડ-19ની સારવાર માટેના બીજા તબક્કાના ટ્રાયલનાં હકારાત્મક પરિણામો મળ્યા પછી હવે ટ્રાયલના ત્રીજા તબક્કામાં પ્રવેશ કરવા સજજ બની છે. સેપ્સીવેક એ જીવને જોખમી એવા સેપ્સિસ ઇન્ફેકશનના ઈલાજ માટે વપરાતી દવા છે. પબ્લિક પ્રાઈવેટ પાર્ટનરશિપમાં સંયુક્તપણે હાથ ધરાયેલા આ ટ્રાયલને આધારે જે ડેટા હાંસલ થયો છે તે ડેટાને ટૂંક સમયમાં તેને તાકીદની પરિસ્થિતિમાં ઉપયોગમાં લેવાની મંજૂરી મળે તે માટે દેશના ડ્રગ રેગ્યુલેટર સમક્ષ રજૂ કરવામાં આવશે.

કોરોનાથી સાજા થયેલા 500 લોકો પર ત્રીજા તબક્કાનું ટ્રાયલ થશે

CSIR-ઈન્ડીયન ઈન્સ્ટિટયુટ ઓફ ઈન્ટીગ્રેટિવ મેડિસીનના ડિરેકટર રામ એ. વિશ્વકર્મા એ જણાવ્યું કે, અમને 15 જુલાઈ સુધીમાં બીજા તબક્કાના ટ્રાયલના આવશ્યક ડેટા પ્રાપ્ત થઈ જશે અને અમે આ દવાનો કોવિડ-19 મહામારીમાં તાકીદની પરિસ્થિતિમાં ઉપયોગ કરવા માટે મંજૂરી મેળવવા માટે સંપર્ક કરીશું. અમને ત્રીજા તબક્કાના ટ્રાયલ શરૂ કરવા માટે પણ મંજૂરી મળી છે. ત્રીજા તબક્કાના ટ્રાયલમાં 500 દર્દીઓના સમૂહને તે લોકો વાયરસમાંથી સાજા થાય તે પછી આ દવા આપવાનુ આયોજન કરવામાં આવ્યુ છે, જેથી તેમનામાં ભવિષ્યમાં આ વાયરસ ફરીથી વિકસી શકે નહી.

સેપ્સેવેક દર્દીને ચેપ લાગવાથી બચાવી શકે છે

સેપ્સીવેક એ એક ઈમ્યુન-મોડ્યુલર ઔષધ છે, તે આપણે જેને સાથે લઈને જન્મ્યા છીએ તે આંતરિક ઈમ્યુનિટી સિસ્ટમ (રોગ પ્રતિકારક પ્રણાલી)ને પેથોજન સામે કાર્યકરવા સતેજ કરે છે. ચેપ લાગવાના શરૂઆતના તબક્કામાં અપાય તો સેપ્સેવેક દર્દીને ચેપ લાગવાથી બચાવી શકે છે. તે આંતરિક અંગો ઉપર હૂમલા કરતા અને બળતરા પેદા કરતા સાયટોકાઈન આઈએલ-6 (Cytokine IL-6) છૂટવાના પ્રમાણમાં પણ ઘટાડો કરે છે.

આ પાચ સ્થળોએ ટ્રાયલ કરવામાં આવશે

બીજા તબક્કાના ટ્રાયલ ચંદિગઢના પોસ્ટ ગ્રેજ્યુએટ ઈન્સ્ટિટ્યુટ ઓફ  મેડિકલ એજ્યુકેશન એન્ડ રિસર્ચ, ઑલ ઈન્ડીયા ઈન્સ્ટિટ્યુટ ઓફ મેડિકલ સાયન્સીસ (એઈમ્સ) દિલ્હી,તથા એઈમ્સ ભોપાલમાં હાથ ધરવામાં આવ્યા હતા. ત્રીજા તબક્કાના ટ્રાયલ માટે એઈમ્સ રાયપુર, અને ઈન્સ્ટિટ્યુટ ઓફ બનારસ હિન્દુ યુનિવર્સિટીનો ઉમેરો કરવામાં આવશે.