કેનેડાએ ફરી તોડી આંતરરાષ્ટ્રીય મર્યાદા : ટ્રુડોએ કહ્યું- ખેડૂતોને પ્રદર્શન કરવાના અધિકારને સમર્થન, શું ભારત-કેનેડા સંબંધોનો ચડશે બલિ?

0
5

કેનેડાએ ફરી એક વખત ભારતના અંગત મુદ્દાઓમાં દખલગીરી કરી છે. કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોએ એકવાર ફરી કહ્યું છે કે કેનેડા ભારતમાં પ્રદર્શન કરતા ખેડૂતોનું સમર્થન કરે છે. કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોએ બીજી વખત કહ્યું છે કે તેઓ પોતાના અધિકારો માટે શાંતિપૂર્વક પ્રદર્શન કરતા ખેડૂતોને સમર્થન કરે છે.

થોડા દિવસો પહેલાં પણ જસ્ટિન ટ્રુડોએ આવું જ નિવેદન આપ્યું હતું. ત્યારે ભારતના વિદેશ મંત્રાલયે ટ્રુડોના આ નિવેદનનો સખત વિરોધ કર્યો હતો અને આ નિવેદન માટે વિદેશ મંત્રાલયે ભારતમાં કેનેડાના ઉચ્ચા અધિકાર નાદિર પટેલની ટ્રાન્સફર કરી હતી.

ભારત-કેનેડા સંબંધો પર અસર પડશે: વિદેશ મંત્રાલય

મંત્રાલયે ઉચ્ચાયુક્તને કહ્યું હતું કે ભારતીય ખેડૂતોના સંબંધે કેનેડાના વડાપ્રધાન, કેટલાક કેબિનેટ મંત્રીઓ અને સંસદસભ્યોની ટિપ્પણી અમારા આંતરિક મામલાઓમાં હસ્તક્ષેપ છે, જેને કોઈપણ રીતે સ્વીકારી ન શકાય.

વિદેશ મંત્રાલયે કહ્યું હતું, જો આ પ્રકારની ટિપ્પણી યથાવત્ રહેશે તો એનો ભારત અને કેનેડાના સંબંધો પર ગંભીર રીતે હાનિકારક પ્રભાવ પડી શકે છે. આ ટિપ્પણીઓએ કેનેડામાં અમારા હાઈ કમિશન અને કોન્સ્યુલેટ્સની સામે ચરમપંથીઓની પ્રવૃત્તિઓને પ્રોત્સાહિત કર્યા છે, જે સુરક્ષાના મુદ્દે અનેક સવાલો ઊભા કરે છે. વિદેશ મંત્રાલયે વધુમાં કહ્યું હતું કે અમે કેનેડાની સરકાર સમક્ષ અપેક્ષા રાખીએ છીએ કે તેઓ ભારતીય એમ્બેસીમાં કામ કરતા કર્મચારીઓની સુરક્ષા સુનિશ્ચિત કરે.

ગુરુનાનક જયંતીના દિવસે ટ્રુડોએ પહેલીવાર આપ્યું હતું નિવેદન

ગુરુનાનક દેવની 551 મી જન્મજયંતીના ઉપક્રમે એક ઓનલાઈન કાર્યક્રમ દરમિયાન ટ્રુડોએ કહ્યું હતું કે ખેડૂતો દ્વારા કરવામાં આવતાં પ્રદર્શનો અંગે ભારતથી સમાચારો આવી રહ્યા છે. સ્થિતિ ચિંતાજનક છે અને અમે બધા અમારા પરિવાર અને મિત્રોને લઈને ઘણા જ ચિંતિત છીએ. મને ખ્યાલ છે કે તમારામાંથી અનેક લોકો માટે આ એક વાસ્તવિકતા છે. હું તમને યાદ અપાવી દઉં કે શાંતિપૂર્ણ પ્રદર્શનોના અધિકારોની રક્ષા માટે કેનેડા હંમેશાંથી સાથે જ છે.

ખેડૂત આંદોલન ભારત-કેનેડાના સંબંધોનો બલિ તો નહીં લેને?

આજની વર્તમાન સ્થિતિમાં ભારત-કેનેડા વચ્ચે મજબૂત રાજકીય સંબંધો દેખાઈ રહ્યા છે. આ માત્ર છેલ્લાં 4-5 વર્ષથી છે, કારણ કે આ પહેલાં બંને દેશોના સંબંધો ઘણા ખરાબ સમયમાંથી પણ પસાર થયા છે. ભારતે જ્યારે પરમાણુ પરીક્ષણ કર્યું ત્યારે બંને દેશો વચ્ચેના સંબંધોમાં ખટાશ આવી ગઈ હતી. એ ઉપરાંત ખાલિસ્તાની સમર્થક આતંકીઓએ એર ઈન્ડિયાની ફ્લાઈટ 182માં વિસ્ફોટ કર્યો હતો તેમાં મોટી સંખ્યામાં કેનેડિયન્સ નાગરિકોનાં મોત થયાં પછી બંને દેશોના સંબંધો પર તેની 20 વર્ષ અસર થઈ હતી. કેનેડા અને ભારત વચ્ચે સમૃદ્ધ વેપારી સંબંધો રહ્યા છે.
બંને દેશોના સંબંધો વધારે સારા થવાની ક્ષમતા છે અને બંને દેશો તે તરફ આગળ વધી રહ્યા છે, પરંતુ આશંકા છે કે ખેડૂત આંદોલનને કારણે બંને દેશોના સંબંધોમાં ફરી કોઈ ખાઈ ઊભી થઈ શકે છે.

ભારત અને કેનેડાના સંબંધો કેમ મહત્ત્વના?

ભારત અને કેનેડા વચ્ચે વિદેશ નીતિ, વેપાર, રોકાણ, નાણાં અને ઊર્જા મામલે મંત્રીસ્તરીય ચર્ચા-વિચારણા દ્વારા રાજકીય ભાગીદારી કરવામાં આવી રહી છે.

કેનેડા માટે ભારત 10મું સૌથી મોટું ટ્રેડ પાર્ટનર છે.

ભારત અને કેનેડા વચ્ચે વર્ષ 2017માં 7.23 અબજ ડોલરનો વેપાર થયો હતો. આ દરમિયાન ભારતે કેનેડામાં 2.51 અબજ ડોલરની નિકાસ કરી હતી.

કેનેડામાંથી વર્ષ 2016માં ભારતમાં 209.35 કરોડ ડોલરની એફડીઆઈ આવી હતી.

કેનેડિયન પેન્શન ફંડમાં અત્યારસુધી ભારતમાં 22 અબજ ડોલરનું રોકાણ કરવામાં આવ્યું છે.

કેનેડાના વૈશ્વિક વેપારમાં ભારતનો હિસ્સો 2 ટકા કરતાં વધારે છે. ભારતથી કેનેડાને હીરા-ઝવેરાત, બહુમૂલ્ય રત્ન, દવાઓ, રેડીમેડ કપડાં, ઓર્ગેનિક રસાયણ, સ્મોલ એન્જિનિયરિંગ સામાન, લોખંડ અને સ્ટીલની નિકાસ કરવામાં આવે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here