સુરતઃઈક્કો ગાડીમાં ચોરી કરવા માટે આવતી ચીકલીગર ગેંગના એક સાગરિતને ક્રાઇમબ્રાંચની ટીમે જીવના જોખમે ફિલ્મીઢબે પકડી પાડયો હતો. ક્રાઇમબ્રાંચની ટીમને બાતમી મળી હતી કે ચીકલીગર ગેંગને ઉધના અમન સોસાયટીમાં ચોરી, ધાડ કે લૂંટ કરવા આવવાના છે. જેના આધારે ક્રાઇમબ્રાંચની 3 ટીમો બનાવીને ત્યાં વોચમાં ગોઠવાય ગઈ હતી. આ અરસામાં ચીકલીગર ગેંગ ઈક્કો ગાડી લઈને સોસાયટીમાં દાખલ થઈ હતી અને થોડીવારમાં ગાડી લઈને બહાર નીકળતા ક્રાઇમબ્રાંચના સ્ટાફે તેને અટકાવવાની કોશિશ કરતા તેણે સ્ટાફ પર ગાડી ચઢાવી દેવાનો પ્રયાસ કર્યો હતો. જેના કારણે સ્ટાફે ઈક્કો ગાડી પર બે રાઉન્ડ ફાયરિંગ કર્યુ હતું. જેમાં એક મીસ ફાયર થયું હતું.
ફિલ્મી ઢબે પીછો કરાયો
ક્રાઇમબ્રાંચે ફિલ્મી ઢબે તેનો પીછો કરતા ઈક્કો ગાડીના ચાલકે રસ્તામાં અન્ય એક વાહનને પણ ટક્કર મારી દીધી હતી. ઈક્કો ગાડીમાં 3 ચીકલીગર ગેંગના સાગરિતો બેઠા હતા. જેમાં ચાલક નાનકસીંગ પોલીસના હાથમાં આવી ગયો હતો. પોલીસે તેની તપાસ કરતા તેના ખિસ્સામાંથી છરી મળી આવી હતી. જયારે ઈક્કો ગાડીમાં ઘાતક હથિયારોમાં લોંખડની ટોમી, તલવાર, લોંખડની પાઇપ અને નાના-મોટા પેચીયા જેવો સામાન મળી આવ્યો હતો. વધુમાં નાનકસિંગ સાથે ગાડીમાં લંબુ ઉર્ફે ઘુંઘરૂ બહાદુરસીંગ તિલપીતીયા અને રાજવીરસીંગ ઉર્ફે જોગેન્દરસીંગ હતા, જો કે બન્ને અંધારાનો લાભ લઈને ભાગી ગયા હતા. આ ટોળકીએ ઈક્કો ગાડી લઈને બંધ ઘરોમાં તાળાં તોડીને ચોરી, લૂંટ અને ઘાડ કરતા હતા, આ ટોળકી અગાઉ પણ ચોરી, લૂંટ અને ઘાડમાં પકડાયેલા છે. ક્રાઇમબ્રાંચે આ ગેંગની સામે હત્યાની કોશિષનો ગુનો પણ દાખલ કર્યો છે.