ઉત્તર પ્રદેશ : ઉન્નાવ દુષ્કર્મ પીડિતાની કારને ટક્કર મુદ્દે ભાજપ MLA સામે હત્યાનો કેસ

0
29

ઉન્નાવ, લખનઉ: ઉન્નાવ દુષ્કર્મ પીડિતાની કારને ટક્કર મારવાના કેસમાં પોલીસે આરોપી ભાજપ ધારાસભ્ય કુલદીપસિંહ સેંગર, તેના ભાઈ મનોજસિંહ સહિત 10 લોકો સામે એફઆઈઆર દાખલ કરાઈ છે. તેમની વિરુદ્ધ હત્યા, હત્યાનો પ્રયાસ અને ગુનાઈત ષડયંત્ર રચવા જેવી કલમો લગાવાઈ છે. પીડિતાના કાકા મહેશસિંહે સોમવારે આ ફરિયાદ કરી હતી. મહેશસિંહ રાયબરેલી જેલમાં છે. રાયબરેલીના ગુરબક્ષગંજ પોલીસ સ્ટેશનમાં દાખલ કરાયેલી ફરિયાદમાં 15થી 20 અજાણ્યા લોકો સામેલ છે.

પીડિતાની કાકી, માસી અને ડ્રાઈવરનું મોત
સપા સહિતના વિપક્ષે આ મામલે સીબીઆઈ તપાસની માંગ કરી છે. રાજ્યના ડીજીપી ઓપીસિંહે કહ્યું કે પીડિત પક્ષ તરફથી માંગ કરાશે તો રાજ્ય સરકાર સીબીઆઈ તપાસ કરાવવા તૈયાર છે. રવિવારે રાયબરેલી જેલમાં મહેશસિંહને મળવા જતા સમયે પીડિતાની કારને એક ટ્રકે ટક્કર મારી હતી તેમાં પીડિતાની કાકી, માસી અને ડ્રાઈવરનું મોત થયું હતું. પીડિતા અને તેના વકીલ ગંભીર રીતે ઘાયલ છે. તેમને લખનઉ હોસ્પિટલમાં દાખલ કરાયા છે. બંને વેન્ટિલેટર પર છે. ટક્કર મારના ટ્રકની આગળ-પાછળની નંબર પ્લેટ પર પહેલેથી જ કાળી કરી દેવાઈ હતી જેથી શંકા ઊભી થઈ છે.

પરિવાર ખતમ કરવાનું ષડયંત્ર
પીડિતાની માએ કહ્યું કે આ દુર્ઘટના નથી. આખા પરિવારને ખતમ કરવાનું ષડયંત્ર છે. સંસદમાં પણ આ મામલો ઉઠ્યો હતો. સપા, બસપા અને કોંગ્રેસે રાજ્યસભામાં આ મુદ્દો જોરશોરથી ઉઠાવ્યો હતો. દરમિયાન રાહુલે પણ ટ્વિટ કરી કહ્યું હતું કે જો ભાજપના ધારાસભ્ય દુષ્કર્મના આરોપી હોય તો સવાલ બિલકુલ કરશો નહીં.

કેસ શું છે?
ઉન્નાવના બાંગરમઉ ખાતેથી ચારવાર ધારાસભ્ય રહેલા કુલદીપસિંહ સેંગરે 2017માં પોતાના ઘરમાં એક સગીરા પર દુષ્કર્મ કર્યું હતું. આ મામલે 2018માં તેમની ધરપકડ થઈ હતી. સેંગર સીતાપુર જેલમાં બંધ છે. કેસની તપાસ CBI કરી રહી છે. ધારાસભ્ય, તેના ટેકેદારોએ પીડિતાના પિતાને બાંધીને માર માર્યો હતો. ત્યારપછી પોલીસ ચોકીમાં મોત થયું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here