ખાનગી સ્કૂલો દ્વારા વાલીઓ પાસેથી સ્કૂલ ફી ઉઘરાવવાનો મામલો, ગુજરાત હાઈકોર્ટમાં સુનાવણી ટળી

0
5

ફી ઉઘરાવવા મામલે સ્કૂલ સંચાલકોની મનમાની સામે ગુજરાત સરકારે હાઇકોર્ટમાં અરજી કરી છે. આ અરજીના જવાબમાં સ્કૂલ સંચાલકોએ ગુરુવારે હાઇકોર્ટમાં સોંગદનામું રજૂ કર્યું હતું. આ સોગંદનામામાં રજૂઆત કરી હતી કે, વિદ્યાર્થીઓની ફી યથાવત રાખીને FRCએ સ્કૂલોને 5 થી 12 ટકા જે ફી વધારો મંજૂર કર્યો હતો તે વધારો સંચાલકો જતો કરવા તૈયાર છે. સરકારે સંચાલકો સાથે કરેલી બે બેઠકોમાં સંચાલકો સહેજ પણ નમતું જોખવા તૈયાર થયા નથી તેવી સરકારે કોર્ટમાં રજૂઆત કરી છે. આ મામલે આજે ગુજરાત હાઈકોર્ટમાં સુનાવણી ટળી છે.

હાઇકોર્ટ વચગાળાની ફોર્મ્યુલા તૈયાર કરી તેનું પાલન કરવા આદેશ કરી શકે
શાળા સંચાલકો નહી સુધરે તો હાઇકોર્ટ વચગાળાની ફોર્મ્યુલા તૈયાર કરી તેનું પાલન કરવા આદેશ કરી શકે છે. લોકડાઉનને લીધે વાલીઓના વેપાર-ધંધા પર વિપરિત અસર થઇ હોવાથી ફી ચૂકવી શકે તેમ નથી. તેવી રજૂઆત કરાઇ હતી. હાઇકોર્ટે અગાઉ સંચાલકોને ઉદ્દેશીને એવી ટકોર કરી હતી કે,5 મહિનાથી સ્કૂલો પણ બંધ છે તેથી પૂરી ફી વસૂલવી યોગ્ય નથી. ફી વસૂલીને નફાખોરી કરી શકાય નહીં.

બેફામ બનેલા સંચાલકો ફી માફી આપવા કે નમતું જોખવા તૈયાર નથી
સરકારે હાઇકોર્ટમાં કરેલી અરજીમાં એવી રજૂઆત કરી હતી કે, ફી મામલે સંચાલકો સાથે ખુલ્લા મને બે વખત વચલો રસ્તો શોધવા બેઠક કરવામાં આવી છે. સરકારે વિદ્યાર્થીઓની 25 ટકા ફી માફ કરવા દરખાસ્ત આપી હતી. જેનો સંચાલકોએ ઇન્કાર કર્યો છે. સંચાલકો ફી માફી આપવા કે નમતું જોખવા તૈયાર નથી. આ અંગે હાઇકોર્ટે સંચાલકોને જવાબ રજૂ કરવા આદેશ કર્યો હતો. સંચાલકોએ દલીલ કરી છે કે અમે FRCએ કરેલા 5 થી 12 ટકાની ફી વધારાને જતો કરવા તૈયાર છીએ પરતું જે ફી લેવાય છે તેમા કોઇ ફેરફાર નહી કરીએ.

ફી મામલે સરકારે હાઇકોર્ટની મદદ માગી છે
આ મામલે અઠવાડીયા પહેલાં શાળા-સંચાલકો દ્વારા બેફામ ફી ઉઘરાવવા મામલે હવે રાજ્ય સરકારે ગુજરાત હાઇકોર્ટની મદદ માગી હતી. સરકારે રજૂઆત કરી હતી કે શાળા-સંચાલકો ફી અંગે સમાધાન કરવા તૈયાર નથી. ગુજરાત હાઇકોર્ટ બેફામ ફી મામલે સંચાલકો સામે નિર્દેશ જારી કરે.