સાવધાન : રેડ મીટ DNA ડેમેજ કરી કોલોન કેન્સર નોતરી શકે છે

0
0

ઘણા વર્ષોથી ડૉક્ટર્સ લોકોને રેડ મીટનું સેવન ઓછું કરવાની સલાહ આપી રહ્યા છે. કારણ કે આવું ડાયટ કોલોન કેન્સરને નોતરી શકે છે. રેડ મીટ અને કેન્સર સાથેનાં કનેક્શનને અમેરિકના વૈજ્ઞાનિકોએ તેમનાં રિસર્ચમાં સમજાવ્યું છે. વૈજ્ઞાનિકોનું કહેવું છે કે, રેડ મીટ માણસના DNAને ડેમેજ કરે છે અને કેન્સરનું જોખમ વધારે છે. આ એક કાર્સિનોજેનિક ફૂડ છે અર્થાત તેનાથી કેન્સરનું જોખમ રહે છે.

કેન્સરના 900 દર્દીઓ પર રિસર્ચ
સંશોધકો અને ડાના ફાર્બર કેન્સર ઈન્સ્ટિટ્યુટના એક્સપર્ટ મારિયોઝ ગિયાનેકિસ જણાવે છે કે, ટીમ સાથે મળી કોલોન કેન્સરથી પીડિત 900 દર્દી પર રિસર્ચ કરવામાં આવ્યું. તેમના DNAની તપાસ કરવામાં આવી.

રિપોર્ટ પ્રમાણે, આ દર્દીઓના DNAમાં એવો ફેરફાર જોવા મળ્યો જે પહેલાં ક્યારેય થયો નહોતો. આ ફેરફાર સાબિત કરે છે કે DNA ડેમેજ થયા છે. શરીરની તમામ કોશિકાઓમાં તે ફેરફાર નથી થયો, પરંતુ કોલોનથી લીધેલા સેમ્પલમાં તેવું જોવા મળ્યું. વૈજ્ઞાનિકોનું કહેવું છે કે, રેડ મીટમાં નાઈટ્રેટ જેવા કેમિકલ જોવા મળે છે, જે કેન્સરનું કારણ બની શકે છે.

આ પહેલાંના રિસર્ચમાં પણ સાબિત થઈ ચૂક્યું છે કે સ્મોકિંગની આદત અને અલ્ટ્રાવાયૉલેટ કિરણો પર માણસોના જનીન પર ખરાબ અસર પાડે છે. તેને કારણે કેન્સરનું જોખમ વધે છે. કોશિકાઓ કન્ટ્રોલ બહાર જતી રહે છે અને પોતાની સંખ્યા વધારવા લાગે છે.

કોલોન કેન્સર

તેને કોલોરેક્ટલ કેન્સર અને મોટાં આંતરડાંનું કેન્સર પણ કહેવાય છે. આ કેન્સર મોટાં આંતરડાં (કોલોન) અથવા રેક્ટમ (ગેસ્ટ્રો ઈન્ટસ્ટાઈનલના અંતિમ ભાગ)માં થાય છે. આ કેન્સરમાં ઈરિટેબલ બાઉલ સિન્ડ્રોમ અને કબજિયાત જેવી પેટ સંબંધિત સમસ્યા થાય છે.

આ લક્ષણો જણાય તો અલર્ટ થઈ જાઓ
કેન્સર ઈન્ડિયાના જણાવ્યા પ્રમાણે, જો તમને નીચે જણાવેલા કોઈ પણ લક્ષણો હોય તો તમારે તરત ડૉક્ટરનો સંપર્ક કરવો જોઈએ.

  • સતત કબજિયાત અને ડાયેરિયા, પેટ સાફ ન રહેતું હોય અથવા મળનો આકાર બદલવા સહિત બાઉલ હેબિટ્સમાં ફેરફાર થવો.
  • રેક્ટલ એરિયામાંથી લોહી નીકળવું અથવા મળમાં અથવા મળની ઉપર લોહી જામી જવું.
  • પેટમાં સોજો અથવા ગેસ અથવા દુખાવો રહેતો હોય.
  • કારણ વગર થાક લાગવો, નબળાઈ, ભૂખ ઓછી લાગવી અથવા વજન ઘટી જવું.
  • પેલ્વિક એરિયામાં દુખાવો થવો. આ દુખાવો બીમારીના છેલ્લા સ્ટેજમાં થાય છે.

50 વર્ષથી વધારે ઉંમરના લોકોને જોખમ
અમેરિકાની સંસ્થા સેન્ટર ફોર ડિસીઝ કંટ્રોલ એન્ડ પ્રિવેન્સનના જણાવ્યા પ્રમાણે, આ કેન્સર મહિલાઓ અને પુરુષો બંનેને અસર કરે છે. સામાન્ય રીતે 50 વર્ષ અથવા તેનાથી વધુ ઉંમરના લોકોમાં આ કેન્સર જોવા મળે છે.

અમેરિકાની કેન્સર સોસાયટીના જણાવ્યા પ્રમાણે, કોલોરેક્ટલ કેન્સરને રોકવાની સૌથી સારી રીત રેગ્યુલર સ્ક્રીનિંગ છે. સ્ક્રીનિંગ પ્રક્રિયા અંતર્ગત લોકોમાં લક્ષણો ન દેખાતા હોય તો પણ કેન્સરની જાણકારી મેળવી શકાય છે.

સામાન્ય રીતે સ્ક્રીનિંગ શરૂઆતમાં કોલોરેક્ટલ કેન્સરને ઓળખી કાઢે છે. એક પોલીપને કેન્સરને બનવામાં 10થી 15 વર્ષનો સમય લાગે છે. સ્ક્રીનિંગ દ્વારા ડોક્ટર પોલીપ્સ કેન્સરમાં ફેરવાય અને વધે તે પહેલાં તેને શોધીને શરીરમાંથી કાઢી શકે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here