નવી દિલ્હી: કેટલીક વાર સરકાર વિરોધી તીવ્ર શંકાના આવેગમાં વરિષ્ઠ વકીલ પણ બિનજરૂરી વિવાદ ઉભો કરતા હોય છે. આવા જ એક ઉદાહરણ સમાન કિસ્સામાં સુપ્રીમ કોર્ટમાં એક સુનાવણી દરમિયાન વરિષ્ઠ વકિલ પ્રશાંત ભૂષણે સ્વીકાર્યું કે સીબીઆઇના ઇન્ટરિમ ડાયરેક્ટર તરીકે એમ.નાગેશ્વર રાવની નિયુક્તિના મામલે તેમણે ટ્વિટ કરતા ભૂલથી ખોટું ટ્વિટ કર્યુ હતું. ભૂષણના આ નિવદેન બાદ એટર્ની જનરલ કેકે વેણુગોપાલે જણાવ્યું કે તેઓ ભૂષણને સજા અપાવવાના પક્ષમાં પહેલેથી નહોતા પણ તેઓ ભૂષણ સામેની અવમાનના અરજી પાછી ખેંચી રહ્યા છે.(મતલબ ભૂષણને તેમની ભૂલનો અહેસાસ થયો છે, ભૂલને સ્વીકારી છે તેથી હવે તેમની વિરૂદ્ધ બદનક્ષીના કેસનો મતલબ નથી)
‘સરકારે મીટિંગમાં ખોટા દસ્તાવેજો રજૂ કર્યા’: ઉલ્લેખનીય છે કે એક કેસના સદર્ભમાં સરકારે કેટલાક દસ્તાવેજો રજૂ કર્યા હતા. આ બાબતે ભૂષણને શંકા જતા તેમણે ટ્વિટ કરીને જણાવ્યું કે તેમને લાગે છે કે સીબીઆઇ નિર્દેશકની નિયુક્તિને મામલે જે ઉચ્ચ સ્તરીય બેઠકમાં ચર્ચા થઇ હતી તેની વિગતવાર અહેવાલ(મિનટસ)ની ખોટી રિપોર્ટ કોર્ટમાં રજૂ કરવામાં આવી હતી.
જો કે AG કેકે વેણુગોપાલે ભૂષણના એ નિવેદન બાદ તેમની સામે બદનક્ષીની અરજી પાછી લઇ લીધી છે. પરંતુ આ પહેલા ભૂષણે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરીને માંગણી કરી હતી કે જે બેંચ બદનક્ષીની અરજીની સુનાવણી કરે તેમાં ન્યાયમૂર્તિ અરુણ મિશ્રાને ન રાખવામાં આવે. એટલું જ નહિ તેમણે શરૂમાં આ સમગ્ર મામલે બિનશરતી માફી માંગવાનો વાત પણ ફગાવી દીધી હતી.
હવે ન્યાયમૂર્તિ અરુણ મિશ્રા અને નવીન સિન્હાની બેંચે કહ્યું છે કે આ મામલાની સુનાવણી એક મોટા પાયે કરવામાં આવશે. કોર્ટ એ જોવા માંગે છે કે જે કેસ કોર્ટમાં વિચારાધીન છે તેમાં ફક્ત લોકોનું સમર્થન મેળવવા કોઇ વ્યક્તિ તેના ઝાટકણી કેવી રીતે કરી શકે છે. આ સમગ્ર મામલાની વધુ સુનાવણી 3 એપ્રિલે થશે.