સુશાંત કેસમાં CBI એ શરૂ કરી તપાસ, બિહાર પોલીસના અધિકારીઓને ક્વોરેન્ટાઇન કરવા અયોગ્ય: સુપ્રીમની ટકોર

0
6

અભિનેતા સુશાંત સિંહના આપઘાત કેસ મુદ્દે થયેલી અરજીના સંદર્ભમાં સુપ્રીમ કોર્ટે તાકીદ કરી હતી કે સુશાંતના અકળ મોતનું રહસ્ય બહાર લાવવું જ જોઈએ. સુશાંતે મહારાષ્ટ્ર પોલીસની ટીકા કરતા કહ્યું હતું કે બિહાર પોલીસને તપાસમાં સહકાર ન આપવાનું વલણ યોગ્ય નથી. વળી, તપાસ અધિકારીને ક્વોરન્ટાઈન કરાયા તે નિર્ણય પણ ભૂલભરેલો હતો.

સુપ્રીમ કોર્ટમાં રિયા ચક્રવર્તી દ્વારા દાખલ થયેલી અરજીની સુનાવણી થઈ હતી. સુશાંતના પિતાએ બિહારમાં ફરિયાદ દાખલ કરી તેની સામે રિયાએ સુપ્રીમમાં અરજી કરી હતી. એની સુનાવણી કરતા સુપ્રીમે કહ્યું હતું કે સુશાંતના અકળ મોતની તપાસ થવી જરૂરી છે. સુપ્રીમ કોર્ટે આ મુદ્દે પોલીસને ત્રણ દિવસનો સમય આપ્યો હતો અને ત્રણ દિવસમાં સુશાંતના પિતાની તપાસનો જવાબ આપવાનું કહ્યું હતું. આવતા સપ્તાહે ફરીથી આ કેસની સુનાવણી હાથ ધરાશે.

સુપ્રીમ કોર્ટે બિહારના તપાસ અધિકારીને ક્વોરન્ટાઈન કરવાના નિર્ણયને ભૂલ ભરેલો ગણાવ્યો હતો. કોર્ટે કહ્યું હતું કે આ ઘટના યોગ્ય નથી. તેનાથી જુદો મેસેજ જાય છે. મહારાષ્ટ્ર પોલીસે તપાસમાં સહકાર ન આપ્યો એવી બિહારની ફરિયાદના સંદર્ભમાં કોર્ટે કહ્યું હતું કે મહારાષ્ટ્ર પોલીસનું વલણ બરાબર નથી.

બીજી તરફ બિહાર સરકારે સુશાંત કેસની સીબીઆઈ તપાસની ભલામણ કરી હતી. તેને કેન્દ્ર સરકારે લીલી ઝંડી આપી દીધી હતી. કેન્દ્ર સરકારે બિહાર સરકારની ભલામણ સ્વીકારી લીધી હોવાથી સુશાંત કેસની સીબીઆઈ તપાસ શરૂ થઈ છે.

અભિનેત્રી રિયા ચક્રવર્તીને ઈડીએ 7મી ઓગસ્ટે મુંબઈ ઓફિસે હાજર થવાનું ફરમાન જારી કર્યું છે. સુશાંતના પિતાએ સુશાંતના ગર્લફ્રેન્ડ રિયાચક્રવર્તી પર આરોપ લગાવ્યો હતો કે તેણે સુશાંત સાથે આર્થિક છેતરપીંડી કરી છે. બિહાર પોલીસની ફરિયાદના આધારે ઈડીએ અભિનેત્રીને આ સમન્સ પાઠવ્યું છે. સુશાંતના બેંક એકાઉન્ટમાંથી રિયાએ રકમ ખર્ચ કરી હોવાના આરોપ અંગે ઈડી રિયાની પૂછપરછ કરશે.

મુંબઈના ડેપ્યુટી કમિશ્નર પરમજીત સિંહ દહિયાએ દાવો કર્યો હતો કે સુશાંતના બનેવીએ રિયાને પોલીસ સ્ટેશને બોલાવીને ધમકાવવા માટે દબાણ કર્યું હતું. મુંબઈ પોલીસના આ ઉચ્ચ અધિકારીના કહેવા પ્રમાણે હરિયાણા પોલીસના આઈપીએસ અધિકારી અને સુશાંતના બનેવી ઓ.પી. સિંહે ફેબ્રુઆરીમાં તેના ઉપર દબાણ કર્યું હતું કે તે રિયાને પોલીસ સ્ટેશને બોલાવીને ધમકાવે. મુંબઈ પોલીસના અધિકારીના કહેવા પ્રમાણે સુશાંતના પરિવારને શંકા હતી કે રિયા સુશાંત ઉપર કંટ્રોલ કરે છે અને તેને પરિવારથી દૂર રાખે છે.પરમજીત સિંહે કહ્યું હતું કે તેણે એ વખતે સુશાંતના બનેવી અને હરિયાણાના આઈપીએસ અધિકારીને નમ્રતાથી આવું કાયદાની વિરૂદ્ધનું પગલું ન ભરવાનું જણાવ્યું હતું. પોલીસ અધિકારીના કહેવા પ્રમાણે પોલીસ ફરિયાદ વગર કોઈને પોલીસે સ્ટેશને બોલાવીને કાયદાનો ભંગ ન કરી શકાય. એ માટે આઈપીએસ અધિકારીએ દબાણ કર્યું એ પણ યોગ્ય નથી.

શિવસેનાના નેતા સંજય રાઉતે કહ્યું હતું કે અભિનેતા સુશાંત સિંહ રાજપુતના કેસમાં આદિત્ય ઠાકરેને સંડોવવાનું યોગ્ય નથી. વિપક્ષો સુશાંતના કેસમાં આદિત્યનું નામ ઉછાળી રહ્યા છે, પરંતુ આ મુદ્દે રાજકારણ થાય તે બિલકુલ યોગ્ય નથી. સંજય રાઉતે કહ્યું હતું કે વિપક્ષોથી એ સહન થતું નથી કે રાજ્યમાં શિવસેનાના નેતૃત્વથી સરકાર ચાલી રહી છે. એમાં કશું ચાલતું ન હોવાથી વિપક્ષો મહારાષ્ટ્ર સરકારના મંત્રી અને યુવાસેના પ્રમુખ આદિત્ય ઠાકરેને આમાં સંડોવી રહ્યા છે. તે મુદ્દે હોબાળો કરીને આધારહિન આરોપ લગાવી રહ્યા છે. એ પહેલાં આદિત્ય ઠાકરેએ પણ આ બાબતે સ્પષ્ટતા કરતા કહ્યું હતું કે ઘણાં લોકો છડકછાપ રાજનીતિ કરીને મને અને મારા પરિવારને બદનામ કરવા માટે આવું કૃત્ય કરી રહ્યા છે. જે લોકો ચૂંટણીમાં હારી ગયા છે તે જ આ બધું કરી રહ્યાં છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here