સુરત : વેલેન્ટાઈન ડેની શાળાઓમાં માતા-પિતાના પૂજનથી ઉજવણી, DEOએ પરિપત્ર બહાર પાડ્યો હતો

0
10

સુરતઃ આજે 14મી ફેબ્રુઆરીના વેલેન્ટાઇન ડેના દિવસે શહેરની શાળાઓમાં વિદ્યાર્થીઓ માતા-પિતાનું પૂજન કરીને પ્રેમનો દિવસ મનાવી રહ્યા છે. દેશભરમાં 14મી ફ્રેબ્રુઆરીએ લોકો ‘વેલેન્ટાઇન ડે’ની ઉજવણી કરતા હોય છે. તેવામાં ભારતમાં પણ લોકો મોટી સંખ્યામાં ‘વેલેન્ટાઇન ડે’ની ઉજવણી કરતા હોય છે. આમ, ભારતીય સંસ્કૃતિ ભૂલાય રહ્યા હોવાનું જણાય આવતા જિલ્લા શિક્ષણાધિકારી એચ. એચ. રાજ્યગુરૂએ શહેરની તમામ શાળાને 14મી ફેબ્રુઆરીએ માતા-પિતા પૂજન દિવસ મનાવવાનો આદેશ કર્યો હતો. જેથી શાળાઓમાં આજે માતા-પિતા પૂજનનો કાર્યક્રમ રાખી વેલેન્ટાઈન ડેની ઉજવણી કરવામાં આવી હતી.

વિદ્યાર્થીઓ અને વાલીઓએ પ્રતિજ્ઞા લીધી

જિલ્લા શિક્ષણાધિકારીના પરિપત્ર બાદ આજે વેલેન્ટાઈન ડે નિમિતે શહેરની શાળાઓમાં માતા-પિતા પૂજન કરી ઉજવણી કરવામાં આવી રહી છે. શહેરમાં આવેલી પ્રેસિડેન્સી શાળામાં માતા-પિતાનું પૂજન કરી વેલેન્ટાઈનની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં મોટી સંખ્યામાં વાલીઓ સ્કૂલે હાજર રહ્યા હતા અને ડીઈઓના પરિપત્રને સમર્થન આપ્યું હતું. આ સાથે જ વિદ્યાર્થીઓ અને વાલીઓ દ્વારા સમાજની દરેક વ્યક્તિ અને રાષ્ટ્રને પ્રેમ કરવાની પ્રતિજ્ઞા લીધી હતી. દરમિયાન બાળકો, વાલી. શિક્ષકો દ્વારા પુલવામાં શહિદ થયેલા સૈનિકોને શ્રદ્ધાંજલિ પણ અપાઈ હતી.

પરિપત્રમાં શું આદેશ કરાયો હતો?

પરિપત્રમાં લખાયું હતું કે, શાળાએ દસ વાલી દંપતીને આમંત્રણ આપવાનું રહેશે. આ સાથે શિક્ષણ સમિતિના સભ્ય, કોર્પોરેટર, શિક્ષણવિદો કે કોઈ સમાજના મુખ્યાને પણ આમંત્રણ આપવાનું રહેશે. કાર્યક્રમમાં વિદ્યાર્થીઓએ માતા-પિતાને તિલક કરી હાર પહેરાવીને પ્રદક્ષિણા કરીને મો મીઠું કરાવીને પૂજન કરવાનું રહેશે. તે સાથે વિદ્યાર્થી અને વાલીઓ સંસ્કૃતિ અને જીવનનું મહત્વ સમજાતું વ્યક્તવ્ય રજૂ કરશે. તે સાથે કાર્યક્રમના ફોટા શાળાએ જિલ્લા શિક્ષણાધિકારીને મોકલવાના રહેશે.

માતા-પિતાનું મહત્વ સમજાવવા પ્રયાસ

જિલ્લા શિક્ષણાધિકારી એચ. એચ. રાજ્યગુરૂએ જણાવ્યું હતું કે, 14મી ફેબ્રુઆરીના દિવસે ઘણા ભારતીય યુવાધન અને બાળકોમાં ભારતીય સંસ્કૃતિ ભૂલાય રહ્યા હોવાનું જણાય આવે છે. જેથી બાળકોને બાળપણથી જ ભારતીય સંસ્કૃતિ સમજતા થાય અને ભગવાન સમાન માતા-પિતાનું મહત્વ સમજે, તેમને આદર આપે, તેમને તરછોડવા કે પછી ઘરડા ઘરમાં મોકલવાની ઘટનાઓમાં ઘટાડો થાય, તેવાં શુભ આશયથી તમામ શાળાઓને પરિપત્ર કરીને માતા-પિતા પૂજન દિવસ મનાવવાનો આદેશ કર્યો હતો.