ચીન : હોંગકોંગમાં સળગતા વિરોધ વચ્ચે ચીનમાં કમ્યૂનિસ્ટ શાસનના 70 વર્ષની ઉજવણી

0
0

બેજીંગ:મંગળવારે ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગે ચીનમાં ક્મૂયનિસ્ટ શાસનના 70 વર્ષ પૂર્ણ થતા ઉજવણી સમારોહ શરુ કરાવ્યો હતો. તેમણે કહ્યું કે કોઇ પણ તાકાત ચીનને કમજોર નહીં કરી શકે. આ સમયે ચીનની તાકાત દેખાડવા મિલિટરી જવાનોએ પરેડ કરી હતી. તે સિવાય ચીનના ફાઇટર વિમાનોએ હવામાં ઉડીને 70નો આંકડો બનાવ્યો હતો. સ્પીચ આપ્યા બાદ શી જિનપિંગે ફરતી લિમોઝિન ગાડીમાં ઉભા રહીને ત્યાં ઉપસ્થિત ટ્રૂપ્સને નિહાળ્યા હતા.

ચીનના તિઆનામેન સ્ક્વેર ગેટ પર લોકોને સંબોધીને જિનપિંગે કહ્યું કે કોઇ તાકાત આ મહાન દેશના પાયાને હલાવી શકે તેમ નથી. આ સ્ક્વેર પર જ માઓ ઝેદાંગે ઓક્ટોબર 1949માં પિપલ્સ રિપબ્લિક ઓફ ચાઇનાની જાહેરાત કરી હતી. આ સમારોહ માટે પ્રશાસને બેજીંગમાં રસ્તાઓ બંધ કરી દીધા છે. પતંગ ઉડાડવા પર પ્રતિબંધ છે અને કબૂતરોને પાંજરામાં પૂરી દેવાનો આદેશ અપાયો છે. ચારેતરફ ચૂસ્ત સુરક્ષા બંદોબસ્ત ગોઠવી દેવાયો છે.

આ સમયે અમેરિકા પહોંચી શકે તેવી હાયપરસોનિક બેલિસ્ટિક ન્યૂક્લિયર મિસાઇલ જે એન્ટી મિસાઇલ પ્રતિરોધક સિસ્ટમને પણ વેધવામાં સક્ષમ છે તે દર્શાવવામાં આવી હતી. જોકે આ સમયે જ હોંગકોંગમારં હજુ છેલ્લા ચાર મહિનાથી પ્રદર્શનકારીઓ અને પોલીસ વચ્ચે ઘર્ષણ ચાલુ છે. દેખાવકારો કોઇ પણ પ્રકારની મચક આપવા તૈયાર નથી. પોલીસના આંસૂગેસ અને રબર બૂલેટના પ્રહારોની પણ પ્રદર્શનકારીઓ પર હવે કોઇ અસર થતી હોય તેવું લાગતું નથી. દિવસે ને દિવસે ત્યાં પોલીસ અને લોકો વચ્ચે ઘર્ષણ વધી રહ્યું છે. લોકોના ટોળા વચ્ચે ઝડપાઇ જતા પોલીસ જવાનોને ઢોરમાર પણ મારવામાં આવી રહ્યો છે. કોઇ પણ મુદ્દે મચક ન આપતું ચીન હોંગકોંગના મુદ્દે ભેરવાયું છે અને જિનપિંગ માટે એ મોટો માથાનો દુખાવો છે.

વિરોધ માટે પ્રદર્શનકારીઓએ રેલીની મંજૂરી માગી હતી પણ પોલીસે તે ફગાવી દીધી છે. તેથી સોમવારે પોલીસે કહ્યું હતું કે ખૂબજ ગંભીર હુમલો થઇ શકે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here