કોરોના અપડેટ ગુજરાત : ગુજરાતમાંથી તબ્લિક જમાતના કાર્યક્રમમાં ગયેલા 68 ગાયબ, સેન્ટ્રલ એજન્સીની મદદ લેવાઈ

0
9
  • રાજ્યમાં કોરોના પોઝિટિવના વધુ સાત કેસ નોંધાયા, તમામ અમદાવાદના
  • રાજ્યમાં કોરોનાના 95 દર્દી અને 8ના મોત
  • હજુ 20 દિવસ ચેતજો : 31 પોઝિટિવના સંપર્કના 686 લોકો ક્વોરન્ટીનમાં છે
  • વિદેશથી આવેલા 5219 લોકો પૈકી 4084નો ક્વોરન્ટીન હેઠળના 14 દિવસ પૂર્ણ થયા

ગુજરાત. કોરોના પોઝિટિવના આજે વધુ 7 કેસ નોઁધાયા છે,  આ તમામ કેસ કોરોનાનાના હોટસ્પોટ બનેલા અમદાવાદના છે. રાજ્યમાં કોરોના પોઝિટિવ કેસોની સંખ્યા 95 પર પહોંચી ગઈ છે. જ્યારે અત્યાર સુધીમાં 8ના મોત થઈ ગયા છે. દિલ્હીમાં નિઝામુદ્દીનમાં તબ્લિક જમાતના કાર્યક્રમમાં રાજ્યમાંથી ગયેલા 68 લોકોની હજી સુધી ભાળ મળી નથી. અત્યાર સુધી રાજ્યમાં 82 લોકોની ઓળખ કરી તેમને ક્વોરન્ટીન કરવામાં આવ્યા છે. જ્યારે અન્ય લોકોની હજી તપાસ ગુજરાત ATS અને ક્રાઈમ બ્રાન્ચ કરી રહી છે. ગુમ 68 લોકોને શોધવા માટે કેન્દ્રની સુરક્ષા એજન્સીઓની પણ મદદ લેવાઈ રહી છે.

આજે એકનું મોત
આજે પંચમહાલ જિલ્લામાં ગોધરામાં એક કેસ નોંધાયો હતો, તે દર્દીનું મોત થયું છે. 1944 લોકોના ટેસ્ટ કરવામાં આવ્યા છે. 16015 લોકો ક્વોરન્ટીનમાં છે.

ગુજરાતમાં કુલ 95 પોઝિટિવ કેસ, 8ના મોત

શહેર પોઝિટિવ કેસ મોત
અમદાવાદ 38 03
સુરત 12 01
ગાંધીનગર 11 00
રાજકોટ 10 00
વડોદરા 09 01
ભાવનગર 07 02
પોરબંદર 03 00
ગીર-સોમનાથ 02 00
કચ્છ 01 00
મહેસાણા 01 00
પંચમહાલ 01 01
કુલ આંકડો 95 08

વિદેશથી આવેલા લોકોના ઈન્ક્યુબેશન પીરિયડ બે દિવસમાં પૂરો થશે

અમદાવાદમાં વિદેશથી આવેલા કુલ 5219 લોકોને ક્વોરન્ટીનમાં રાખવામાં આવ્યા હતા. આમાંથી 4084 લોકોનો ક્વોરન્ટીન હેઠળના 14 દિવસ પૂર્ણ થઈ ગયા છે. જ્યારે હજુ 1135 જેટલા લોકો ક્વોરન્ટીનમાં છે. ગાઈડલાઈન્સ મુજબ 14 દિવસનો ઈન્ક્યુબેશન પીરિયડ હોય છે. એરપોર્ટ પર છેલ્લી ફ્લાઈટ 22મીએ આવી હતી. જેમાં આવેલા લોકોના ઈન્ક્યુબેશન પીરિયડ પણ બે દિવસમાં પૂરો થશે. પરંતુ શહેરમાં 31 લોકો પોઝિટિવ આવ્યા છે. જેમના સંપર્કમાં આવેલા 650 લોકોને પણ ક્વોરન્ટીનમાં મૂકી દેવામાં આવ્યા છે. જેથી તેમના 14 દિવસનો સમય પૂરો થતાં 20 એપ્રિલ સુધીનો સમય લાગી શકે તેમ છે. જેથી હજુ પણ અમદાવાદ શહેર માટે આગામી 20થી 25 દિવસ ખૂબ જ મહત્ત્વના છે. આ સમય દરમિયાન સંક્રમણ વધુ ફેલાય નહીં તે માટે તકેદારી રાખવી જરૂરી હોવાનું માનવામાં આવે છે.

તંદુરસ્ત વ્યક્તિ માસ્ક ન પહેરે તેવું કહેનારી સરકારનો યુ ટર્ન, માસ્ક પહેરવો જ જોઈએ

અગાઉ કોરોનાના કેસ નોંધાયા ત્યારે લોકોએ બજારોમાંથી માસ્ક ખાલી થાય ત્યાં સુધી ખરીદે રાખ્યાં, ત્યારે સરકારે એવું જાહેર કર્યું કે, સ્વસ્થ લોકો માસ્ક ન પહેરે, પરંતુ હવે સરકાર જ કહે છે કે, માસ્ક પહેરેલો રાખો. સરકારે માસ્ક મામલે હવે પંદર દિવસે યુ ટર્ન લીધો છે. અગાઉ બજારોમાં માસ્ક ખૂટી પડતાં લોકોને એવી સલાહ અપાઈ હતી કે, માસ્ક માત્ર કોરોના લાગુ પડ્યો હોય તેવા દર્દી અને તેમની સારવાર કરતાં તબીબી સ્ટાફ માટે જ જરૂરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here