Thursday, March 28, 2024
Homeટોપ ન્યૂઝકેન્દ્ર સરકારનો નિર્ણય : કોરોનાથી થયેલા મૃત્યુ પર પરિવારને 50 હજાર રૂપિયાનું...

કેન્દ્ર સરકારનો નિર્ણય : કોરોનાથી થયેલા મૃત્યુ પર પરિવારને 50 હજાર રૂપિયાનું વળતર મળશે

- Advertisement -

 

કોરોના વાઇરસને કારણે મૃત્યુ પામેલા લોકોના પરિવારને વળતર આપવાનો કેન્દ્ર સરકારે મોટો નિર્ણય લીધો છે. કેન્દ્રએ બુધવારે સુપ્રીમ કોર્ટમાં કહ્યું હતું કે કોરોનાથી થયેલા મૃત્યુ પર પરિવારને રૂ. 50,000નું વળતર આપવામાં આવશે. આ માટે કોરોનાથી મૃત્યુનું પ્રમાણપત્ર બતાવવું ફરજિયાત રહેશે.

વળતર ઉપરાંત કેન્દ્ર સરકારે કોર્ટને એમ પણ કહ્યું હતું કે કોરોનાને કારણે થયેલા મૃત્યુ અંગેની ફરિયાદોના નિરાકરણ માટે એક સમિતિની પણ રચના કરવામાં આવશે. આ સમિતિ જિલ્લાકક્ષાએ કામ કરશે. એમાં તે લોકો પણ સામેલ છે, જેઓ કોરોનાના રાહત-બચાવ કાર્યમાં સામેલ હતા.

સુપ્રીમ કોર્ટે NDMAને આપ્યા હતા નિર્દેશ
સુપ્રીમ કોર્ટે નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી (NDMA)ને જૂનમાં આદેશ આપવામાં આવ્યો હતો કે કોરોનાને કારણે મૃત્યુ પામેલા લોકોના પરિવારને વળતરની ચુકવણી માટે માર્ગદર્શિકા બનાવે. સુપ્રીમ કોર્ટે આ માટે NDMAને 6 અઠવાડિયાંનો સમય આપ્યો હતો. વળતરની રકમ પણ NDMA દ્વારા જ નક્કી કરવાની હતી.

કોર્ટે ડેથ સર્ટિફિકેટ સંબંધિત સૂચનાઓ પણ આપી હતી
સુપ્રીમ કોર્ટમાં અન્ય એક અરજીમાં એવી માગણી કરવામાં આવી હતી કે કોરોનાથી મૃત્યુ પામેલા લોકોના પરિવારજન પાસે આના કોઈ પુરાવા નથી. તેથી જ મૃત્યુ પ્રમાણપત્રમાં કોરોનાથી મૃત્યુનો સમાવેશ કરવામાં આવે. કોર્ટે આના પર કહ્યું હતું કે કોરોનાથી મૃત્યુ પામેલા લોકોના મૃત્યુ પ્રમાણપત્રમાં મૃત્યુની તારીખ અને કારણ સામેલ હોવાં જોઈએ તેમજ જો પરિવાર સંતુષ્ટ ન હોય તો એનું નિવારણ કરવા માટે અલગ વ્યવસ્થા પણ હોવી જોઈએ.

આત્મહત્યા કરનારા લોકોને પણ મળે લાભ
કોર્ટે કેન્દ્ર સરકારને આપેલા નિર્દેશોમાં એમ પણ કહ્યું હતું કે કોરોનાને કારણે થયેલા મૃત્યુના વળતરમાં તે લોકોને પણ સામેલ કરવા જોઈએ, જે લોકો મહામારીથી પીડિત હતા અને આ સમય દરમિયાન તેમણે આત્મહત્યા કરી હતી.

30 દિવસમાં DDMA વળતર વિતરણ કરશે
NDMA દ્વારા જારી કરવામાં આવેલી સૂચનાઓમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે વળતરનું વિતરણ ડિસ્ટ્રિક્ટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી (DDMA) મારફત કરવામાં આવશે. મૃતકના પરિવાર તરફથી અરજી મળ્યાના 30 દિવસની અંદર DDMA એનું સમાધાન કરશે. આધાર લિંક્ડ ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર (DBT) પ્રક્રિયા દ્વારા વળતર આપવામાં આવશે.

અરજદારે શું કહ્યું હતું?
સુપ્રીમ કોર્ટમાં બે વકીલ ગૌરવ કુમાર બંસલ અને રિપક કંસલ વતી અરજી દાખલ કરવામાં આવી હતી. બંનેએ કહ્યું હતું કે નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટની કલમ 12 હેઠળ આપત્તિમાં મૃત્યુ પામેલા લોકો માટે સરકારી વળતરની જોગવાઈ છે.

ગયા વર્ષે કેન્દ્રએ તમામ રાજ્યોને કોરોનાથી મૃત્યુ પામેલા લોકોને વળતર તરીકે 4 લાખ રૂપિયા આપવાનું કહ્યું હતું. આ વર્ષે તેવું કરવામાં આવ્યું નથી. તેના જવાબમાં કેન્દ્રએ કહ્યું હતું કે કોરોનાને કારણે રાજ્યોને પહેલેથી જ ઘણો ખર્ચ કરવો પડી રહ્યો છે. તેમના પર વળતરનો બોજ નાખવો યોગ્ય રહેશે નહીં.

આ રીતે અરજી કરવી પડશે
વળતર માટે મૃતકના પરિવારે જિલ્લાની ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓફિસમાં અરજી કરવાની રહેશે. એની અરજી સાથે કોરોનાને કારણે મૃત્યુનો પુરાવો, એટલે કે મેડિકલ સર્ટિફિકેટ આપવું પડશે. એવું પણ કહેવામાં આવ્યું છે કે કોવિડ-19 મહામારી દરમિયાન કોરોનાને કારણે મૃત્યુના સંદર્ભમાં વળતરની પ્રક્રિયા ચાલુ રાખવામાં આવશે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular