સુરતઃશ્રી હરિકોટા ખાતેથી ભારત ચંદ્રયાન-2 સાથે જ અવકાશમાં પોતાનો ડંકો વગાડવા જઈ રહ્યું છે ત્યારે આ ચંદ્રયાન-2માં સુરતની હિમસન કંપનીના સિરામિક (એલ્યુમિનિયા-અણિશુદ્ધ ધાતુ)ના પાર્ટસનો ઉપયોગ કરવામાં આવ્યો છે. જે સુરત માટે ખૂબ ગૌરવપૂર્ણ બાબત હોવાનું જણાવતાં હિમસન સિરામિક ગ્રુપના નિમેશ બચકાનીવાલાએ જણાવ્યું હતુંકે, તેઓ ઈસરો સાથે 25 વર્ષથી જોડાયેલા છે. 1994થી તેઓ પાર્ટસ ઈસરોને આપી રહ્યાં છે.
રોકેટના મહત્વના પાર્ટસ
બચકાનીવાલાએ જણાવ્યું હતું કે, આ સિરામિક પાર્ટસ ખૂબ જ મહત્વના હોય છે. રોકેટના લોંચિંગ વખતે જે જ્વાળાઓ ઉઠે છે. તે જ્વાળાઓ વખતે આ પાર્ટસ ખૂબ જ ઉપયોગી થઈ રહે છે. મહત્વના આ પાર્ટસનો ઉપયોગ અગાઉ મંગળ યાન વખતે પણ કરવામાં આવ્યો હતો. દરેક લોંચિંગ વખતે આ પાર્ટસનો ઉપયોગ થતો હોવાથી વર્ષે દહાડે અલગ અલગ ડિઝાઈન અને કોન્ટીટીમાં ઈસરો તરફથી ઓર્ડર મળતાં હોવાનું તેમણે વધુમાં ઉમેર્યું હતું.
સેક્શન છૂટું પડે ત્યારે પાર્ટસ કામમાં આવે
પાર્ટસના ઉપયોગ અંગે બચકાનીવાલાએ જણાવ્યું હતું કે, આ પાર્ટસને ઈસરો સ્ક્વીપ્સ કહે છે સામાન્ય રીતે તેને એલ્યુમિના સિરામિક્સ કહેવામાં આવે છે. ઈગ્નીશિયન સિસ્ટમ અને ઈન્શ્યુલેશન વખતે આ પાર્ટનો ઉપયોગ થાય છે. ફાયર વખતે કામમાં આવે અને ફાયરબાદ 3000 ડિગ્રી ગરમી બાદ પણ આ પાર્ટસ કામ કરે છે. રોકેટ લોન્ચિંગના દરેક ક્ષેત્રે આ પાર્ટસ કામમાં આવે છે. રોકેટનું જેમ જેમ સેક્શન છૂટું પડે તેમ તેમ અવકાશમાં પણ આ પાર્ટસ કામ કરે છે.
25 વર્ષમાં એક પાર્ટસ રિજેક્ટ નથી થયો
બચકાનીવાલાએ જણાવ્યુંહતું કે, 1994થી અમે પાર્ટસ મોકલીએ છીએ. પરંતુ હજુ સુધી એક પણ પાર્ટસ રિજેક્ટ થયો નથી. સૌ પ્રથમ અમે પાર્ટસનું થર્ડ પાર્ટી ઈન્સપેક્શન કરાવીએ છીએ. બાદમાં ઈસરો પણ ચેક કરે છે.
દેશમાં જ મોટાભાગના પાર્ટસ તૈયાર થયા
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના મેક ઈન ઈન્ડિયાના સ્વપ્ન સમાન ચંદ્રયાન-2ના મોટાભાગના પાર્ટસ ભારતમાં જ તૈયાર થયા હોવાનું કહેતા બચકાનીવાલાએ ઉમેર્યું હતું કે, આ દેશ માટે એક સારી બાબત કહી શકાય. અમે લોંચિંગ વખતે અગાઉ હાજર રહેવા માટે વિનંતિ કરી હતી. જો કે, કોઈ ખાનગી વ્યક્તિને લોંચિંગ વખતે હાજર ન રાખીશ શકાય તેવા નિયમ હોવાથી એ ગૌરવ મેળવવું શક્ય બન્યું નથી.
સુરત માટે ગૌરવની ક્ષણ
સુરતની હિમસન સિરેમિકના ડાયરેક્ટર નિમેષભાઇ બચકાણીવાલાએ અંતમાં કહ્યું કે, તેઓ ઇસરોના આભારી છે કે છેલ્લા 25 વર્ષથી અવિરત પણે તેમને ભારતના સ્પેશ મિશનમાં યોગદાન આપવા માટે સંસ્થા પર અને અમારા પર વિશ્વાસ જગાડ્યો. તેમણે ઉમેર્યું કે સૌથી મોટી ખુશી એ છે કે ભારતને ગૌરવ અપાવતા સ્પેશ મિશનમાં સુરતના એક અદની સંસ્થાના પ્રતિનિધિ તરીકે યોગદાન કરવાની તક મળી છે એ અમારા માટે પણ ગૌરવવંતી બાબત છે.