વડોદરા : સયાજી હોસ્પિટલનો કોવિડ વોર્ડ બન્યો ચાચર ચોક, કોરોનાગ્રસ્તોમાં ગરબાથી ઉર્જા અને ચેતનાનો સંચારનો પ્રયોગ કરાયો

0
6

સયાજી હોસ્પિટલના કોવિડ વોર્ડમાં માં શક્તિની આરાધનાના પર્વ નવરાત્રિ અને તેની સાથે અભિન્ન રીતે સંકળાયેલા ગરબાને જોડી આજે સવારની એક્સરસાઇઝને એક નવો આયામ આપવામાં આવ્યો હતો.આજે કોવિડ વોર્ડમાં ગરબાના મોડમાં કવાયતો કરાવવામાં આવી હતી. જેના પરિણામે સારવાર હેઠળના દર્દીઓને કસરતના લાભની સાથે માં ની ભક્તિ પર્વ નવરાત્રિનો આનંદ માણવા મળ્યો હતો.દર્દીઓએ હરખભેર તેમાં જોડાઈને આ પ્રયોગને વધાવ્યો હતો. એપી અને નોડલ ઓફિસર, ફિઝીયોથેરાપીસ્ટ ડો.ચેતના સેજુએ કોવિડ સુવિધાના વહીવટી નોડલ અધિકારી ડો.બેલીમ ઓ. બી.સાથે સંકલન કરી આયોજિત કરેલી આ અનોખી નવરાત્રિથી કોવિડ વોર્ડમાં પર્વના ઉત્સાહનું નવું વાતાવરણ સર્જાયું હતું.

તબીબોએ દર્દીઓ સાથે પીપીઈ કીટ પહેરીને ગરબાની મોજ માણી હતી.
(તબીબોએ દર્દીઓ સાથે પીપીઈ કીટ પહેરીને ગરબાની મોજ માણી હતી.)

 

નિયમિત કસરતના ભાગ રૂપે ગરબા કરાયા

સયાજી હોસ્પિટલનાના કોવિડ વોર્ડના દર્દીઓને તાજગી અને સ્ફૂર્તિ આપવા તેમજ શ્વસન ક્રિયાઓના નિયમનથી ઓક્સિજન લેવલને સ્થિર રાખવા ફિઝિયોથેરાપી વિભાગ દ્વારા નિયમિત કસરતો અને યોગ કરાવવામાં આવે છે.તેની સાથે હાસ્ય અને સંગીત ચિકિત્સા પણ જોડવામાં આવી છે.આ પ્રયોગોનો આશય દર્દીઓને પ્રફુલ્લિત રાખી,એમની માનસિકતામાં સકારાત્મકતા કેળવી સાજા થવાની પ્રક્રિયાને વેગ આપવાનો છે.શરીર એકદમ રિલેક્ષ એટલે કે હળવું થઈ ગયું એવી લાગણી વ્યક્ત કરતાં સારવાર હેઠળના દર્દી પુરાણી સંજયભાઈએ ખુશખુશાલ ચહેરે જણાવ્યું કે, કસરત સાથે ગરબા કરવાની ઘણી મજા આવી.જાણે કોઈ રોગ થયો જ નથી એવી હળવાશ અનુભવાઈ રહી છે.

દર્દીઓએ પણ ગરબા બાદ સ્કૂર્તિ અને શરીર હળવું થયાની લાગણી વ્યક્ત કરી હતી.
(દર્દીઓએ પણ ગરબા બાદ સ્કૂર્તિ અને શરીર હળવું થયાની લાગણી વ્યક્ત કરી હતી.)

 

દર્દીના આનંદનું લેવલ પણ વધ્યું

નવરાત્રિ અંગેના સરકારના નિયમોનું પાલન થવું જોઈએ અને તેની સાથે અહી સારવાર લઈ રહ્યાં છે એવા દર્દીઓને માતૃ આરાધના પર્વ નવરાત્રિનો દિવ્ય આનંદ મળવો જોઈએ એવી લાગણી વ્યક્ત કરતા ડો.ચેતના એ જણાવ્યું છે કે, કવાયત અને ગરબાના આ સમન્વિત પ્રયોગ દરમિયાન દર્દીઓના ઓકસિજન લેવલ અને શારીરિક સ્થિતિની પૂરતી તકેદારી લેવામાં આવી.આ પ્રયોગ દર્દીઓના આનંદનું લેવલ વધારનારો બની રહ્યાં નો મારી ટીમને આનંદ છે.

ફેફસાને કસરત મળે છે

આ પ્રયોગના આયોજનમાં ડો.વૈશાલી મિસ્ત્રી, ડો. હેત્વી ભાવસાર અને ડો.ખુશ્બુ પરમાર નો સહયોગ મળ્યો હતો.વહીવટી નોડલ અધિકારી ડો.બેલીમ ઓ. બી. એ તમામ ગાઈડ લાઇન પાળી દર્દીઓને નવરાત્રી પર્વની આનંદ અનુભૂતિ કરાવતા આયોજન માટે ટીમને અભિનંદન આપ્યા હતાં.ડો.બેલીમએ જણાવ્યું કે કોરોનામાં ફેફસાં અને હૃદયને અસર થાય છે અને લોહી ઘટ્ટ થાય છે.ત્યારે ગરબા લોહીના પરિભ્રમણને નિયમિત કરવાની સાથે હૃદયના રિધમને નોર્મલ કરે છે. તેનાથી ફેફસાંને પણ કસરત મળે છે.

ભક્તિની અનુભૂતિ કરાવતો પ્રયોગ

સલાહકાર ડો.મીનુ પટેલ પણ આ પ્રયોગને પ્રોત્સાહક ગણાવે છે. નવરાત્રી એ શક્તિની આરાધનાનું પર્વ છે. ગરબો એ લોક નૃત્ય છે જેમાં લય,તાલ અને અંગ ભંગીમાઓનો સમન્વય થયો છે.ગરબા દ્વારા શરીરમાં દેવીની ચેતનાનો આવિર્ભાવ,સંચાર થાય છે. કોવિડ જેવી મહામારી સામેની લડતમાં ગરબાને જોડી જન દર્દીઓને સ્વાસ્થ્ય લાભ સાથે ભક્તિની અનુભૂતિ કરાવવાનો આ પ્રયોગ સાચે જ અનોખો ગણાય.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here