પાટણઃ ચાણસ્મા તાલુકાના ધીણોજ આસપાસના પાંચ ગામોમાં ઓએનજીસી ના માધ્યમથી ખાનગી કંપનીએ ખેતરોમાં ભૂગર્ભમાંથી ઓઇલ નું સંશોધન કરવા માટે 100 ફૂટથી વધુ ઊંડા સંખ્યાબંધ ખાડા કર્યા હતા સંશોધન પૂર્ણ થયા બાદ કંપનીના કર્મચારીઓ એ સારકુવા ખુલ્લા છોડી દીધા છે ત્યારે સ્થાનિક ખેડૂતો ને આ કૂવાઓમાં કોઈ બાળક નો ગરકાવ ન થઇ જાય તેનો ભય સતાવી રહ્યો છે. ત્યારે આ સારકુવા કોઈના મોતના કૂવા બને તે પહેલા તેને ઢાંકી દેવા માટે લોક માંગ પ્રબળ બની છે.
ચાણસ્માના કમાલપુર આંબલી પુરા સીતાપુરા ગંગાપુરા અને ધીણોજ તેમજ મહેસાણા અને બહુચરાજી તાલુકાના નજીકના કેટલાક ગામોમાં ઓએનજીસી દ્વારા ખાનગી એજન્સી મારફતે આ વિસ્તારના પેટાળમાં ઓઇલ નું સંશોધન કરવામાં આવ્યું હતુ સંશોધન માટે ડ્રિલિંગ કરીને100ફૂટ જેટલાં ઊંડા ખાડા કરવામાં આવ્યા હતા અને તેમાં બોમ્બ ધડાકા પણ કરવામાં આવ્યા હતા.
આ ડ્રીલીંગ કર્યાને છ માસ જેટલો સમય થયો પરંતુ હજુ સુધી આ ખાડા પૂરવામાં આવ્યા નથી બોરવેલમાં બાળકો ફસાઇ જવાની ઘટનાઓ અનેક વખત પ્રકાશમાં આવી છે. ત્યારે આ વિસ્તારના સ્થાનિક ખેડૂતો ને પણ આ સાર કુવાઓમાં બાળકનો ગરકાવ ના થઇ જાય તેનો ભય સતાવી રહ્યો છે. ત્યારે સત્વરે કોન્ટ્રાક્ટ કંપની દ્વારા ઉંડા ખાડાઓ પુરાણ કરવામાં આવે તે માટે પાટણ કલેકટર ને રજૂઆત કરવામાં આવશે તેવું પાટણ જિલ્લા પંચાયત સદસ્ય અને કમાલપુર ગામના આગેવાન બાબુભાઈ ચૌધરીએ જણાવ્યું હતું.
ખેડૂતોના ઊભા પાક વચ્ચે ડ્રીલીંગ કર્યું છતાં ખેડૂતોને વળતર ચૂકવાયું નથી
ઓએનજીસી ના માધ્યમથી ખાનગી કંપનીએ ખેતરોમાં ઊભા પાક વચ્ચે ડ્રિલિંગ કામ કર્યું હતું તેમજ વાહનો ની પણ અવર જવર કરવામાં આવી હોવાથી પાકને નુકશાન થયું હતું પરંતુ હજુ સુધી ખેડૂતોને તેનું વળતર ચૂકવવામાં આવ્યું નથી.