અમરાવતી: અમરાવતી હવે આંધ્ર પ્રદેશની એકમાત્ર રાજધાની હશે. ચંદ્રબાબૂ નાયડૂએ તેની ઘોષણા કરી દીધી છે. મુખ્યમંત્રી તરીકે શપથ લેવાના એક દિવસ પહેલા ટીડીપી સુપ્રીમોએ મંગળવારે કહ્યું કે, અમરાવતી રાજ્યની એકમાત્ર રાજધાની હશે.
નાયડૂએ ટીડીપી, ભાજપ અને જનસેના ધારાસભ્યોની એક સંયુક્ત બેઠકને સંબોધન કરતા આ ઘોષણા કરી, જ્યાં તેમણે સર્વસમ્મતિથી આંધ્ર પ્રદેશ વિધાનસભામાં એનડીએ નેતા ચૂંટવામાં આવ્યા હતા. તેમણે કહ્યું કે, અમારી સરકારમાં ત્રણ રાજધાનીની આડમાં કોઈ ખેલ નહીં થાય. અમારી રાજધાની અમરાવતી છે. અમરાવતી રાજધાની છે.
અહીં ઉલ્લેખનિય છે કે, ચંદ્રબાબૂએ 2014 અને 2019ની વચ્ચે વિભાજિત આંધ્ર પ્રદેશના પ્રથમ મુખ્યમંત્રી તરીકે અમરાવતીને રાજધાની બનાવવાનો વિચાર રજૂ કર્યો હતો. જો કે તેમની આ યોજના 2019માં ઝટકો લાગ્યો, જ્યારે ટીડીપીને સત્તા ખોવાનો વારો આવ્યો અને વાઈ એસ જગન મોહન રેડ્ડીના નેતૃત્વવાળી વાઈએસઆરસીપીને ભારે બહુમતથી જીત મેળવી.
જગન મોહન રેડ્ડીએ નાયડૂના અમરાવતીને રાજધાની બનાવવાના વિચાર પર પાણી ફેરવી દીધું અને ત્રણ રાજધાનીનો એક નવો સિદ્ધાંત સામે લઈને આવ્યા. જે અનુસાર વિશાખાપટ્ટનમને પ્રશાસનિક, અમરાવતીને વિધાયી અને કુરનૂલને ન્યાયિક રાજધાની બનાવવાનો નિર્ણય લીધો હતો. તેને લઈને કાનૂની અડચણો પણ સામે આવી હતી.