આંધ્રપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અને તેલુગુ દેશમ પાર્ટી (ટીડીપી)ના અધ્યક્ષ ચંદ્રાબાબૂ નાયડૂએ બનાવેલી બિલ્ડિંગ પ્રજા વેદિકાને તોડવામાં આવી રહી છે. આ બિલ્ડિંગમાં ચંદ્રાબાબૂ નાયડુ અધિકારીઓ અને પાર્ટી નેતાઓ સાથે મીટિંગ કરવાની સાથે સાથે જનતા દરબાર પણ ભરતા હતા. વિદેશ યાત્રાથી પરત આવ્યા પછી ચંદ્રાબાબૂ નાયડૂ પ્રજા વેદિકાની બાજુમાં આવેલા તેમના ઘરમાં અત્યારે હાજર જ છે. ઘટના સ્થળ પર ઘણાં ટીડીપીના કાર્યકર્તાઓ ભેગા થયા છે. વિરોધોની વચ્ચે એક જેસીબી, 6 ટ્રક અને 30 મજૂર બિલ્ડિંગને તોડી રહ્યા છે.
પ્રજા વેદિકા ચંદ્રાબાબૂ નાયડુના બંગલાની બાજુમાં જ આવેલી હતી. આ બિલ્ડિંગનો ચંદ્રાબાબૂ તેમના મુખ્યમંત્રી કાર્યકાળ દરમિયાન કાર્યાલય તરીકે ઉપયોગ કરતા હતા અને જનતા સાથે મુલાકાત પણ કરતા હતા. આ બિલ્ડિંગ અમરાવતી કેપિટલ ડેવલપમેન્ટ ઓથોરિટીએ બનાવ્યું હતું અને હવે જગનમોહન રેડ્ડી સરકારે તેને તોડવાનો નિર્ણય કર્યો છે. કારણ કે આ બિલ્ડિંગ નદીના તટ પર ‘ગ્રીન’ નિયમો વિરુદ્ધ કરવામાં આવ્યું છે.
જગને નાયડૂની માંગ નકારી દીધી હતી: મુખ્યમંત્રી વાય.એસ જગન મોહન રેડ્ડીએ પ્રજા વેદિકા તોડવાનો આદેશ આપ્યો હતો. જે વિશે પ્રશાસને મંગળવારે મોડી રાતથી કાર્યવાહી શરૂ કરી દીધી હતી. આજે પણ બિલ્ડિંગ તોડવાનું કામ ચાલી રહ્યું છે. આ પહેલા ચંદ્રાબાબૂએ પ્રજા વેદિકાને વિપક્ષના નેતાનું સરકારી ક્વાર્ટર જાહેર કરવાની માંગણી કરી હતી પરંતુ સીએમ જગન મોહન રેડ્ડીએ આ માંગ નકારી દીધી હતી.
મુખ્યમંત્રી આવાસ તરીકે બન્યું હતું પ્રજા વેદિકા: પ્રજા વેદિકાનું નિર્માણ સરકારે આંધ્રપ્રદેશ કેપિટલ ડેવલપમેન્ટ ઓથોરિટી દ્વારા તે સમયે મુખ્યમંત્રી આવાસ કર્યું હતું. રૂ. પાંચ કરોડમાં બનાવવામાં આવેલા આ બિલ્ડિંગનો ઉપયોગ નાયડૂ અધિકારીઓ સાથે મુલાકાત અને પાર્ટી મીટિંગ માટે કરતાં હતા.
વિપક્ષનો આરોપ, નાયડૂનો સામાન ફેંકવામાં આવ્યો_ સીએમ જગન મોહન રેડ્ડીના બિલ્ડિંગ તોડવાના આદેશ પછી વિપક્ષે સરકાર પર ઘણાં આરોપ લગાવ્યા છે. ટીડીપી નેતા અને વિધાન પરિષદના સભ્ય અશોક બાબૂએ કહ્યું છે કે, સરકારી કર્મચારીઓએ નાયડુનો અંગત સામાન બહાર ફેંકી દીધો હતો. તેમણે આરોપ લગાવ્યો છે કે, પરિસરને કબજામાં લેવાના સરકારના નિર્ણય વિશે પાર્ટીને જાણ પણ કરવામાં આવી નહતી.