જડબાંનો રંગ બદલાઈ જાય અને અવાજ બદલાઈ જવો એ પણ કેન્સરનાં લક્ષણ છે : જાણો સૌથી વધારે થતાં 5 મોટાં કેન્સર અને એનાં લક્ષણો

0
29

દેશમાં 2018માં કેન્સરના 10.16 લાખ નવા કેસ નોંધાયા હતા. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનના રિપોર્ટના જણાવ્યા પ્રમાણે, દર 10માંથી એક ભારતીયને કેન્સર થવાનું જોખમ છે. દર 15માંથી એક ભારતીયનું મૃત્યુ કેન્સરથી થઈ શકે છે. આ આંકડાઓ દર્શાવે છે કે કેટલો ઝડપથી કેન્સર પોતાનો વિસ્તાર વધારી રહ્યો છે.

નિષ્ણાતોના જણાવ્યા પ્રમાણે, કેન્સરથી બચવું હોય તો એનાં લક્ષણોને અવગણશો નહીં. શરીરમાં કોઈપણ ફેરફાર દેખાય તો ડૉક્ટરની સલાહ જરૂરથી લેવી. આજે નેશનલ કેન્સર અવેરનેસ ડે છે. આ પ્રસંગે મુંબઈની જસલોક હોસ્પિટલનાં મેડિકલ ઑન્કોલોજીનાં કન્સલ્ટન્ટ ડૉ. અંજના સેનાની પાસેથી જાણો કેન્સરનાં કયાં લક્ષણો દેખાય તો સાવધાન થઈ જવું અને કઈ આદતો કેન્સરનું જોખમ વધારે છે….

1. બ્રેસ્ટ કેન્સરઃ બાળકોને બ્રેસ્ટફીડિંગ ન કરાવાથી એનું જોખમ વધી જાય છે

આ બાબતો ધ્યાનમાં રાખો

 • બ્રેસ્ટ કેન્સરના 75 ટકા કેસો મહિલાઓમાં હોર્મોન્સ પર આધારિત છે. એવી મહિલાઓ જે બાળકોને બ્રેસ્ટફીડ નથી કરાવતી, મેદસ્વિતાથી પરેશાન છે અને એક્સર્સાઈઝ નથી કરતી તેમને વધારે જોખમ રહે છે.
 • આ કેન્સરનું જોખમ ઓછું કરવા માટે તમારે ધૂમ્રપાન, આલ્કોહોલ, હોર્મોન થેરપી અને ડીડીટી જેવાં રસાયણોથી બચવાની જરૂર છે.

આ સાવધાની રાખો

20 વર્ષની ઉંમરથી તમારાં બ્રેસ્ટની તપાસ કરાવો. એમાં ગાંઠ, આકારમાં ફેરફાર અને લિક્વિડ નીકળવા જેવાં લક્ષણ દેખાય તો અલર્ટ થઈ જવું. 40 વર્ષની ઉંમર બાદ વર્ષમાં એક વખત મેમોગ્રાફી જરૂરથી કરાવો. દરરોજ 30 મિનિટ સુધી એક્સર્સાઈઝ કરવી અને ખાણીપીણીમાં ફળ-શાકભાજીની માત્રા વધારવી.

2. ઓરલ કેન્સરઃ જડબાંના રંગમાં ફેરફાર પણ કેન્સરનું લક્ષણ છે

આ બાબતો ધ્યાનમાં રાખો

 • તમાકુ સંબંધિત ઉત્પાદનો જેવાં કે બીડી, તમાકુ અને સ્મોકિંગથી દૂર રહેવું. એકથી વધારે પાર્ટનરની સાથે જાતીય સંબંધ બાંધતી વખતે હ્યુમન પેપિલોમા વાઈરસના સંક્રમણથી બચવા માટે કોન્ડોમનો ઉપયોગ કરવો.
 • મોંમાં જડબાંની લાઈનિંગમાં દુખાવો થવો અથવા એનો રંગ બદલાય જાય તો ડૉક્ટરની સલાહ લો. મોંમાંથી કોઈપણ પ્રકારના લમ્પને અવગણશો નહીં.

આ સાવધાની રાખો

લક્ષણો દેખાય તો ડેન્ટિસ્ટ, ENT (કાન, નાક, ગળાના) સર્જન અને ઓરલ સર્જન પાસે તપાસ કરાવવી. સીટીસ્કેન ઉપરાંત ગરદન અને માથાનો MRI કરાવવાથી પણ એની ઓળખ કરી શકાય છે.

3. સર્વાઇકલ કેન્સરઃ વધારે બ્લીડિંગ થાય તો એને અવગણો નહીં

આ બાબતો ધ્યાનમાં રાખો

 • સર્વાઇકલ કેન્સરનું કારણ હ્યુમન પેપિલોમા વાઇરસ છે. એક્સપર્ટ કહે છે કે એકથી વધારે પાર્ટનર સાથે અસુરક્ષિત જાતીય સંબંધ બનાવવાથી આ વાઇરસનો ચેપ લાગવાનું જોખમ રહે છે.
 • યોનિમાંથી કોઇ પ્રકારનું બ્લીડિંગ થાય, વધુ લિક્વિડ ડિસ્ચાર્જ થાય, વાસ મારવા પર અથવા સેક્સ દરમિયાન દુખાવો થાય તો અલર્ટ થઈ જાઓ.

આ સાવધાની રાખો

લક્ષણો દેખાય તો પેપ સ્મિયર, સર્વાઇકલ બાયોપ્સી, પેટનો અલ્ટ્રાસાઉન્ડ કરાવીને ટેસ્ટ કરાવી લો.

4. લંગ્સ કેન્સરઃ અવાજ બદલાઈ જવો એ પણ કેન્સર હોવાનો સંકેત
આ બાબતો ધ્યાનમાં રાખો

 • લાંબ સમયથી ઉધરસ, કફ અથવા એમાંથી લોહી આવે તો અલર્ટ થઈ જાઓ. શ્વાસની તકલીફ, છાતીમાં દુખાવો અને અવાજમાં ફેરફાર એ પણ કેન્સરની નિશાની છે.
 • આ કેન્સરથી બચવા માટે તમાકુથી દૂર રહો. જો તમને કોઈ લક્ષણો દેખાય તો પછી તબીબી સલાહ લો.

આ ટેસ્ટ કરાવી શકાય છે

લક્ષણો દેખાય તો ચેસ્ટ એક્સરે, HRCT સ્કેન, લંગ બાયોપ્સી અથવા બ્રોન્કોસ્કોપી ટેસ્ટ કરાવો.

5. કોલેરેક્ટલ કેન્સરઃ મળનો રંગ બદલાય તો ડોક્ટરની સલાહ લો

 • તેને કોલોન કેન્સર પણ કહેવામાં આવે છે. જે લોકો વૃદ્ધ છે, જો કુટુંબના કોઈ સભ્યને કોલેરેક્ટલ કેન્સર થયું હોય તો એવા લોકોમાં આ કેન્સર થવાનું જોખમ રહેલું છે.
 • ખોરાકમાં ઓછું ફાઇબર લેવું, એક જ જગ્યાએ લાંબા સમય સુધી બેસવું, ડાયાબિટીઝ, ધૂમ્રપાન અને આલ્કોહોલ આંતરડાંના કેન્સરનું જોખમ વધારે છે.
 • જો તમને લાંબા સમય સુધી કબજિયાત, ઝાડા રહેતા હોય અથવા મળનો રંગ બદલાયેલો જોવા મળે તો તબીબી સલાહ લો.

આ બાબતો ધ્યાનમાં રાખો

લક્ષણો દેખાય તો કોલોનોસ્કોપી, બાયોપ્સી, સિટી સ્કેન અથવા MRI કરાવીને ચેક કરાવો કે કેન્સર છે કે નહીં.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here