રાજકોટ : ચીટર ગેંગે પોતાની જ RTO કચેરી ઊભી કરી દંડની રકમ ખાઈ વાહનો છોડાવ્યા,

0
0

રાજકોટ:પોલીસ ઈન્સ્પેક્ટર આર.વાય. રાવલના જણાવ્યા અનુસાર છ માસ પહેલા પોલીસને બાતમી મળી હતી કે અમુક શખ્સો મેમો આવ્યો હોય તેમાં લખેલી દંડની રકમ કરતા ઓછી રકમમાં વાહનો છોડાવી દે છે. આ માહિતી મળતા વોચ ગોઠવી હતી અને લોકો પાસેથી દંડની રકમ ઓછી કરાવવાનું કહેતા શખ્સનો પીછો કરી આજી ડેમ ચોકડી પાસે આવેલા માનસરોવર પાર્કમાં જય બાલાજી એન્ટરપ્રાઈઝ નામની ઓફિસે રેડ કરતા ઈ-પહોંચ તેમજ મેમા અને આરટીઓના ફોરવર્ડિંગ લેટર તેમજ સિક્કા મળી આવ્યા હતા. આ સાથે હાર્દિક ભાવસિંગ જાદવ(ઉ.વ.24) અને મનીષ ઉર્ફે સાગર ઘનશ્યામ મહેતા(ઉ.વ.36)ની ધરપકડ કરી હતી અને પૂછપરછ કરતા વધુ લોકો પણ સંડોવાયેલા હોવાનું ખૂલતા રાત્રે અન્ય 4ની પણ અટકાયત કરી છે.

અલગ અલગ સ્થળોએ રેડ કરી મુદ્દામાલ જપ્ત કર્યો
આ લોકો આરટીઓના ફોરવર્ડિંગ લેટર તેમજ પહોંચ આબેહૂબ બનાવી આપતા હતા. જે પહોંચ પોલીસને આપતા પોલીસ વાહન આપી દેતા હતા અને નોંધ કરતા જેથી ચોપડે દંડ ભરાઈ ગયાનું લખાઈ જતું. આ રીતે જે દંડની રકમ પોતે લઈ લેતા અને સરકારી ચોપડે દંડ ભરાઈ ગયાની નોંધ કરાવી આરટીઓ તંત્ર સાથે મોટી છેતરપિંડી આચરી રહ્યા હતા. પોલીસે આ અંગે અલગ અલગ સ્થળોએ રેડ કરી બોગસ પહોંચ, લેપટોપ, પ્રિન્ટર, સિક્કા, પોલીસે આપેલા મેમા સહિતનું સાહિત્ય જપ્ત કરી અત્યાર સુધીમાં કેટલા દંડની રકમ ખવાઈ ગઇ તેની તપાસ હાથ ધરી છે.

આ રીતે ભેજાબાજો દંડની રકમમાં સરકારને ચૂનો લગાવતા
ઈ-મેમોની પ્રણાલી વધતા તેમજ સંયુક્ત ડ્રાઈવમાં વાહનો જપ્ત થતા લોકોને આરટીઓમાં દંડ ભરવાનો રહે છે. ઘણા વાહનોમાં દંડની રકમ 2થી 25 હજાર કે તેથી વધુ હોય છે. ભેજાબાજોના ટાઉટ આરટીઓ કચેરીએ જ આંટાફેરા મારતા અને જો કોઇની પાસે વધુ દંડની પહોંચ જૂએ તો તેમની પાસે જઈ 2000નો દંડ હોય તો 1500માં કરી દેવાનું કહેતા. પોતાની ઓળખ આરટીઓ એજન્ટ તરીકે આપતા લોકો ભરોસો કરી મેમો અને પૈસા એડવાન્સમાં આપી દેતા. પૈસા મળતા ટાઉટ એક કલાક પછી પહોંચ આપશે તેમ કહેતો. આ દરમિયાન તે ઓફિસે આવતો અને અહીં વાહન નંબર, ચાલકનું નામ, દંડની રકમ બધુ મેમોમાં જોઇને લેપટોપમાં ફોરવર્ડિંગ લેટર અને પહોંચના અગાઉથી તૈયાર કરેલા ફોર્મેટમાં નાખી પ્રિન્ટ કાઢી લેતા અને લેટરમાં સિક્કો પણ મારી દેતા. આ પહોંચ સાથે વાહનચાલક પોલીસ પાસે વાહન લેવા જાય ત્યારે ફરજ પરના અધિકારી પહોંચ મેળવી ચોપડે નોંધ કરતા જેથી પોલીસે જે દંડ કર્યો તે જમા થયાનું પ્રસ્થાપિત થઈ જતા ઓનલાઈન પણ વાહનચાલકનો મેમો બાકી ન હોવાનું અપડેટ થતું. ભેજાબાજોએ પહોંચમાં QR કોડ બનાવવા સુધીની ચિવટ રાખી હતી. બોગસ પહોંચનો QR કોડ સ્કેન કરવામાં આવતા જે-તે વ્યક્તિને વાહનનું જ નામ અને નંબર બતાવવામાં આવતો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here