ચીટર પ્રિન્સિપાલ : મોડાસાના પ્રિન્સિપાલે LLBની પરીક્ષા પટાવાળા પાસે અપાવી

0
0

હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટી સંલગ્ન મોડાસા કોલેજના પ્રિન્સિપાલ જ તેમની એલ.એલ.બીની ઓનલાઇન પરીક્ષા પોતાના પટ્ટાવાળા પાસે અપાવતા હોવાનો બેનામી અરજીથી ઘટસ્ફોટ થતાં ખળભળાટ મચ્યો હતો. પરીક્ષા વિભાગને અરજી મળતાં અનુસંધાને તપાસ માટે યુનિવર્સિટીએ ઇસી સભ્યની ટિમ સોમવારે કોલેજમાં મોકલતાં ટીમ દ્વારા તપાસ કરી રિપોર્ટ તૈયાર કરવામાં આવ્યો છે. જે આગામી ઇસી બેઠકમાં મુકાશે.

યુનિવર્સિટી દ્વારા તાજેતરમાં લેવામાં આવેલ ઓનલાઇન પરીક્ષાઓમાં LLB સેમ-1ની પરીક્ષા યોજાઈ હતી. ત્યારે મોડાસાની એક કોલેજના એક પ્રિન્સિપાલ પણ એલ.એલ.બીમાં અભ્યાસ કરતા હોઈ તેમણે ઓનલાઇન પરીક્ષા આપી હતી. જે દરમીયાન કેટલાક પેપરમાં તેમને પોતાના બદલે તેમની પરીક્ષા આપવા માટે પોતાના પટ્ટાવાળાને બેસાડી પરીક્ષા અપાવવામાં આવી છે. તેવી એક બેનામી અરજી પરીક્ષા વિભાગને મળી હતી.

યુનિવર્સિટીને ધ્યાનમાં મુકતાં યુનિવર્સિટી દ્વારા ગંભીર બાબત હોઈ તપાસ માટે ઇસી સભ્ય હરેશ ચૌધરી સહીત સભ્યોની ટિમ બનાવી તપાસ માટે સોમવારે મોડાસા ખાતેની આ પ્રિન્સિપાલની કોલેજમાં મોકલવામાં આવી હતી. ટિમ દ્વારા પ્રિન્સિપાલનાં નિવેદન લઇ તપાસ કરી રિપોર્ટ તૈયાર કરવામાં આવ્યો હતો. ગંભીર બાબત હોઈ આ બાબતે યુનિવર્સિટીના સત્તાધીશો દ્વારા વિગતો જાહેર કરવાનું ટાળતા જોવા મળ્યા હતા.

પરીક્ષાર્થીના પડેલા ફોટો પરથી પોલ ખૂલી
ખાનગી સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ અરજ આધારે તપાસ કરતાં પ્રિન્સિપાલે પરીક્ષામાં શરૂઆતમાં એક-બે પેપર એમને આપ્યા હતા. અને અન્ય પેપર તેમના પટ્ટાવાળા પાસે અપાવ્યા હતા. ત્યારે પરીક્ષા દરમ્યાન સોફ્ટવેરમાં પરીક્ષાર્થીનો ફોટો પડતો હોઈ તમામ પેપરના પરીક્ષાર્થીના ફોટો ચેક કરતાં બન્ને અલગ અલગ જોવા મળતાં પ્રાથમિક દ્રષ્ટિએ ગેરરીતિ કરી પરીક્ષા આપી હોવાનું જોવા મળ્યું હતું.

ટીમે કોલેજમાં જઈ રિપોર્ટ તૈયાર કર્યો, ઇસીમાં મુકાશે
કુલપતિ ર્ડા.જે.જે વોરાએ જણાવ્યું હતું કે તપાસ માટે હરેશભાઈ ચૌધરીને મોકલેલ છે જે પૂછપરછ કરશે. રિપોર્ટ જમા ન થયો હોઈ રિપોર્ટ આવ્યા બાદ આ બાબતે હકીકત બહાર આવશે. પરીક્ષા નિયામક મિતુલ દેલિયાને આ બાબતે પૂછતાં તેમને અરજી મળી હોઈ આ બાબતે ફાઈલ બનાવી યુનિવર્સિટી સમક્ષ મુકવામાં આવી છે. નિર્ણય યુનિવર્સિટી લેશે તેવું જણાવ્યું હતું. તપાસ કરનારા ઇસી સભ્ય હરેશ ચૌધરીને પૂછતાં તેમણે જણાવ્યું હતું કે તપાસમાં ગયા હતા. હાલમાં તપાસ ચાલુ હોઈ આ બાબતે રિપોર્ટ તૈયાર કરી ઇસી બેઠકમાં મુકવામાં આવશે અન્ય કંઈ પણ કહેવાનું ટાળ્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here