ક્રિકેટ : ભારતની પ્રથમ ડે-નાઈટ ટેસ્ટ પહેલા ચેતેશ્વર પુજારાએ કહ્યું- પિન્ક બોલથી રમવાનો અનુભવ મદદગાર સાબિત થશે

0
32

સ્પોર્ટ્સ ડેસ્ક: ટીમ ઇન્ડિયાના ખેલાડી ચેતેશ્વર પુજારાએ કહ્યું કે તે ભારતની પ્રથમ ડે-નાઈટ ટેસ્ટની આતુરતાથી રાહ જોઈ રહ્યો છે. તેના અનુસાર ભારતે આ મેચમાં પડકારનો સામનો કરવો પડી શકે છે અને તેને ભરોસો છે કે ટીમ શાનદાર દેખાવ કરશે. તેણે કહ્યું કે, “હું 2016/17માં પિન્ક બોલથી રમ્યો હતો. તેને ઘણો ટાઈમ થઇ ગયો છે, એટલે તેનાથી ફાયદો નહીં થાય. પરંતુ તે અનુભવ ચોક્કસ મદદગાર સાબિત થશે. તમે પિન્ક બોલથી રમ્યાં હોવ તો તમને ખબર હોય છે કે બોલ શું કરશે અને તમારે ક્યાં પ્રકારના પડકાર માટે તૈયાર રહેવાનું હોય છે.” તેમજ તેણે વધુ ઉમેરતા કહ્યું કે, મને લાગે છે કે રાત્રે બોલ જોવામાં તકલીફ પડી શકે છે. જોકે ક્રિઝ ઉપર વધુ સમય પસાર કર્યા પછી બેટિંગ કરવી સરળ રહેશે.

ભારત અને બાંગ્લાદેશ કોલકાતાના ઈડન ગાર્ડન્સ ખાતે સીરિઝની બીજી ટેસ્ટ ડે-નાઈટ ફોર્મેટમાં રમાશે. ત્રણ વર્ષ પહેલાં દુલીપ ટ્રોફીમાં પ્રથમ વાર પિન્ક બોલનો ઉપયોગ થયો હતો. તે ટૂર્નામેન્ટમાં પુજારાએ ઇન્ડિયા બ્લૂ વતી રમતાં ટૂર્નામેન્ટમાં 453 રન કર્યા હતા, જેમાં 2 સદીનો સમાવેશ થાય છે અને તેનો હાઈએસ્ટ સ્કોર 256* હતો. ભારતના નંબર ત્રણે કહ્યું કે, મને નથી લાગતું કે એકવાર પિન્ક બોલથી રમવાનું શરૂ કરીએ પછી કોઈ ખાસ ફેર પડશે. હું ક્યારેય SG પિન્ક બોલથી રમ્યો નથી, પરંતુ મારુ માનવું છે કે તે રેડ બોલ જેવો જ રહેશે.ભારતમાં SG બોલની ક્વોલિટી સુધરી છે.

અનુભવ સાથે વધુ શીખતાં રહીશુ
પુજારાએ કહ્યું કે ઇન્ટરનેશનલ મેચમાં ડે-નાઈટ ટેસ્ટ રમવી અને ફર્સ્ટ ક્લાસમાં રમવી તેમાં ઘણો ફર્ક છે. આખી ટીમ આને લઈને ઉત્સાહિત છે. પિન્ક બોલ વિશે પુજારાએ કહ્યું કે, અમે જેટલું વધારે રમીશું તે પ્રમાણે બોલનો સામનો કઈ રીતે કરવો તે શીખીશું. દરેક બોલ અલગ પડકાર લઈને આવે છે. મને નથી લાગતું કે રેડ બોલથી પિન્ક બોલમાં શિફ્ટ થતા વધારે ફેરફારની જરૂર છે. તેણે કહ્યું કે, હા ફ્લડ લાઈટમાં રમવું થોડું અલગ હોય છે. પરંતુ મને નથી લાગતું કે તેના લીધે અમારે રમવાની શૈલીમાં બદલાવ કરવો પડશે. અમે અનુભવ સાથે વધુ શીખતાં રહીશું.

ટીમના ઘણા ખેલાડીઓને પિન્ક બોલથી રમવાનો અનુભવ છે
વર્તમાન ભારતીય ટીમમાં પુજારા સિવાય મયંક અગ્રવાલ, ઋષભ પંત, કુલદીપ યાદવ, મોહમ્મદ શમી અને રિદ્ધીમાન સાહાને ઘરેલુ ક્રિકેટમાં પિન્ક બોલથી રમવાનો અનુભવ છે. પુજારાએ કહ્યું કે, અમને કોઈ તકલીફ નથી પડવાની, ટીમમાં ઘણા ખેલાડીઓ દુલીપ ટ્રોફીમાં પિન્ક બોલથી રમેલા છે. જે અત્યાર સુધી નથી રમ્યા તેમના માટે આ શીખવાની એક સારી તક છે. બોલર્સને પિચથી કેવો ફાયદો થશે તે અંગે વાત કરતાં પુજારાએ કહ્યું કે, ડે-નાઈટ ટેસ્ટમાં બોલર્સને પારંપરિક ટેસ્ટથી વિપરીત અલગ-અલગ સમયે મદદ મળી શકે છે. એકવાર અમે રમી લઇએ પછી આ અંગે વધુ જાણીશું.

રોહિત અને મયંક અમારું કામ સરળ કરી રહ્યા છે
ભારતીય ટીમને મળેલી નવી ઓપનિંગ જોડી વિશે પુજારાએ કહ્યું કે, આ અમારા માટે બોનસ જેવું છે કારણકે મયંક અને રોહિત બંને રન બનાવી રહ્યા છે. તેના લીધે અમારી બેટિંગ લાઈનઅપ વધુ મજબૂત થઇ ગઈ છે. પોતાની બેટિંગ અંગે વાત કરતાં તેણે કહ્યું કે, પોતાના પર દબાણ નાખવાની જરૂર નથી, પરંતુ તે સાથે જ દરેકે સતત પોતાની રમત પર કામ કરતું રહેવું જોઈએ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here