છોટાઉદેપુર, તેજગઢઃ છોટાઉદેપુર પાસેના પુનિયાવાંટ વળાંક નજીક સ્વિફ્ટ કાર અને બોલેરો ગાડી સામસામે અથડાતા અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં સ્વીફટ કારના ચાલકનું તથા એક મહિલાનું ઘટના સ્થળે મોત નિપજ્યું હતું. જ્યારે અન્ય એક મહિલાનું ટૂંકી સારવાર દરમ્યાન મોત થયું હતું. અન્ય ગંભીર ઇજાગ્રસ્તોને છોટાઉદેપુર પ્રાથમિક સારવાર માટે ખસેડવામાં આવ્યા હતાં. બોલેરો ચાલક કાર મુકીને ફરાર થઇ ગયો હતો. હાઈવે વળાંક પર અકસ્માતના કારણે કલાકો સુધી ટ્રાફિક જામ જોવા મળ્યો હતો.
છોટાઉદેપુરથી 10 કિલોમીટર દૂર આવેલ પુનિયાવાટ ગામના વળાંક પાસે તા.10ના રોજ સાંજના 4:30 વાગે સ્વિફ્ટ કાર વડોદરા તરફ જતી હતી. ત્યારે સામેથી અાવતી નંબર વગરની બોલેરો જીપ અથડાતા ત્રણના મોત થયા હતાં. સાંજના 4:30 કલાકે છોટાઉદેપુરના પાંજરાપોળ વિસ્તાર પાસેથી સ્વિફ્ટ કારમાં મદીનાબીબી હબીબભાઈ ખોખર ઉં 50 વર્ષ રેહવાસી પાંજરાપોળ, જાહિરભાઈ રઝાકભાઈ ખોખર ઉં.40 રહે.કસ્બા, અને બાનુબીબી ઐયુબભાઈ ખોખર ઉં.25 વર્ષ વડોદરા જવા અર્થે નીકળ્યાં હતા.
પુનિયાવાટ વળાંક પાસે સામેથી નંબર વગરની પોલીસ લખેલી એક બોલેરો જીપ આવતા સામસામે ધડાકાભેર અથડાતા અકસ્માત સર્જાયો હતો. જેમાં મદિનાબીબી હબીબભાઈ ખોખર રહે.પાંજરાપોળ, છોટાઉદેપુર તથા જહીરભાઈ રઝાકભાઈ મેમણનું મોત થયું હતું. જ્યારે બાનુબીબી ઐયુબભાઈ ખોખરને વધુ ઇજાઓ થતા સારવાર અર્થે વડોદરા રીફર કરવામાં આવતા રસ્તામાં મોત નિપજ્યું હતું. જ્યારે સામે અથડાયેલ જીપનો ચાલક ફરાર થઇ ગયો હતો. બોલેરો કોણ ચલાવતું હતું તેમાં કેટલા લોકો સવાર હતાં, ઇજાઓ થઈ કે નહીં તેની કોઇને જાણ થઇ ન હતી. ઘટનાની જાણ થતાં કસ્બા વિસ્તારમાંથી ટોળે ટોળા જનરલ હોસ્પિટલ પાસે એકત્રિત થઈ ગયા હતાં.
અકસ્માત સર્જાતા ટ્રાફિક જામ થયો
પુનિયાવાટ વળાંક પર અકસ્માત થતા રોડ પર ટ્રાફિક જામ થઇ ગયો હતો. કલાકો સુધી ટ્રાફિક જામ સર્જાયો હતો. ગંભીર અકસ્માત થયો હોવા છતાં પોલીસે કલાકો બાદ ઘટના સ્થળે પહોંચી કાર્યવાહી હાથ ધરી હોવાના આક્ષેપ આસપાસના લોકો દ્વારા કરાઇ રહ્યાં હતા.