LIVE : કોર્ટમાં CBIએ કહ્યું- અમારી પાસે પૂરતા પુરાવા, ચિદમ્બરમે પદનો દૂરઉપયોગ કર્યો છે; 5 દિવસના રિમાન્ડની માંગણી

0
0

નવી દિલ્હી: પૂર્વ નાણાપ્રધાન પી.ચિદમ્બરમને સીબીઆઈની સ્પેશિયલ કોર્ટમાં હાજર કરવામાં આવ્યા છે. અહીં તેમના વકીલ અભિષેક મનુ સિંઘવી સાથે ચિદમ્બરમના પત્ની નલીની અને દીકરો કાર્તિ પણ હાજર છે. અહીં કોર્ટમાં સુનાવણી દરમિયાન સીબીઆઈ ટીમે ચીદમ્બરમની પાંચ દિવસની જ્યુડિશિયલ કસ્ટડીની માંગણી કરી છે. રાઉઝ એવન્યુ કોર્ટમાં સુનાવણી અંગે ચિદમ્બરમને હાજર કરાયા એ સાથે તેમણે સાંકડી કોર્ટ અંગે ટિપ્પણી કરતાં કહ્યું હતું કે, ‘જે પ્રકારે મારી ધરપકડમાં ઉત્સાહ દર્શાવાયો હતો એ જોતાં મને હતું કે મોટી અદાલતમાં કાર્યવાહી થશે’

સીબીઆઈએ બુધવારે સાંજે ચીદમ્બરમની ધરપકડ કરી હતી. INX મીડિયા કેસમાં સેન્ટ્રલ બ્યુરોન્વેસ્ટિગેશન (CBI) અને એન્ફોર્સમેન્ટ ડિરેક્ટરેટ (ED) તેમને શોધી રહી હતી. આ તપાસ અંદાજે 30 કલાક પછી પૂરી થઈ હતી. સૂત્રોના જણાવ્યા પ્રમાણે સીબીઆઈ હેડ ક્વાર્ટરમાં આખી રાત ચીદમ્બરમની પૂછપરછ કરવામાં આવી હતી અને ગુરુવારે તેમને કોર્ટમાં રજૂ કરવામાં આવશે. આ મુદ્દે આજે કોંગ્રેસ પાર્ટીએ પ્રેસ કોન્ફરન્સ પણ કરી હતી.

અદાલતની કાર્યવાહી પહેલાં ચિદમ્બરમે પોતાના વકીલો સાથે વાત કરીને CBIની ટીમ દ્વારા થયેલ પૂછપરછ અંગે માહિતી આપી હતી.

પી. ચિદમ્બરમ તરફથી અભિષેક મનુ સિંઘવી કરી રહ્યા છે વકીલાત
સીબીઆઈ ટીમ આજે બપોરે 2થી 4 વાગ્યાની વચ્ચે ચીદમ્બરમને રાઉઝ રેવન્યુ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા છે. કોર્ટની બહાર કડક સુરક્ષા વ્યવસ્થા રાખવામાં આવી છે. દિલ્હી પોલીસ, સ્પેશિયલ બ્રાન્ચના અધિકારી આ દરમિયાન સાદા યૂનિફોર્મમાં કોર્ટની આસપાસ હાજર રહેશે. સ્પેશિયલ બ્રાન્ચના સૂત્રોના જણાવ્યા પ્રમાણે પી. ચીદમ્બરમ તરફથી અભિષેક મનુ સિંઘવી કોર્ટમાં દલીલો રજૂ કરશે અને સીબીઆઈ તરફથી અટૉર્ની જનરલ તેમનો પક્ષ મુકશે.

પૂછપરછમાં સહયોગ નથી આપી રહ્યા ચિદમ્બરમ…

આજ સવારથી સીબીઆઈએ ફરી ચિદમ્બરની પૂછપરછ શરૂ કરી છે. સીબીઆઈ સૂત્રોના જણાવ્યા પ્રમાણે, પી ચિદમ્બરમ પૂછપરછમાં સીબીઆઈને સહયોગ નથી કરી રહ્યા અને મોટા ભાગના સવાલોના જવાબ ટાળવામાં આવી રહ્યા છે. ઓફિસરોના મતે આ તેમની કસ્ટડીનું કારણ બની શકે છે. પૂછપરછ દરમિયાન ચિદમ્બરમે મોટા ભાગના સવાલોના જવાબ આપવાનો ઈનકાર કર્યો છે. તે ઉપરાંત તેમણે એવું પણ કહ્યું છે કે, તેઓ તેમના દીકરાના બિઝનેસમાં કોઈ પણ પ્રકારની દખલગીરી નથી કરતાં. આ દરમિયાન જ્યારે ઓફિસરોએ ઈન્દ્રાણી અને પીટર મુખરજી સાથેની મુલાકાત વિશે પૂછ્યું તો ચિદમ્બરમે કહ્યું કે, તેમને આની કોઈ મુલાકાત વિશે યાદ નથી.

આઇએનએક્સ મીડિયા કેસમાં મારા પુત્રએ કોઇ ગુનો કર્યો નથી-પી. ચિદમ્બરમ
આ અગાઉ દિવસ દરમિયાન સુપ્રીમકોર્ટમાં 12 વરિષ્ઠ વકીલોની ફોજ મોકલવા છતાં ચિદમ્બરમ ધરપકડથી વચગાળાની રાહત મેળવી શક્યા નહોતા. અંદાજે 30 કલાક અન્ડરગ્રાઉન્ડ રહ્યા બાદ તેઓ બુધવારે રાત્રે 8.10 વાગ્યે એકાએક કોંગ્રેસ વડામથકે પ્રેસ કોન્ફરન્સ કરવા પહોંચી ગયા. તેમણે દાવો કર્યો કે આઇએનએક્સ મીડિયા કેસમાં તેમણે અને તેમના પુત્રએ કોઇ ગુનો કર્યો નથી. તેમની સામે કોઇ આરોપ નથી. ચિદમ્બરમ કોંગ્રેસ વડામથકે દસેક મિનિટ સુધી રહ્યા. સીબીઆઇ અને ઇડીની ટીમો ત્યાં પહોંચે તે પહેલાં તેઓ ઘેર જવા નીકળી ગયા. તે પછી સીબીઆઇ અને ઇડીની ટીમો તેમના ઘરે પહોંચી. ત્યાં લગભગ બે કલાકના ડ્રામા બાદ તેમની ધરપકડ કરાઇ.

ચિદમ્બરમ સામે લુકઆઉટ નોટિસ પણ જારી કરી હતી
આ દરમિયાન ઘરની બહાર ચિદમ્બરમના સમર્થકો નારાબાજી કરતા રહ્યા. ચિદમ્બરમને આખી રાત સીબીઆઇ હેડક્વાર્ટર ખાતે રખાયા બાદ ગુરુવારે સવારે સીબીઆઇ કોર્ટમાં રજૂ કરીને રિમાન્ડ માગવામાં આવશે. અગાઉ ચિદમ્બરમને વિદેશ ભાગતા રોકવા સીબીઆઇ અને ઇડીએ તેમની વિરુદ્ધ લુકઆઉટ નોટિસ પણ જારી કરી હતી. નોંધનીય છે કે આઇએનએક્સ મીડિયા કેસમાં દિલ્હી હાઇકોર્ટે મંગળવારે ચિદમ્બરમની આગોતરા જામીન અરજી ફગાવતાં કહ્યું હતું કે તેમને કસ્ટડીમાં લઇને પૂછપરછ જરૂરી છે. સીબીઆઇ અને ઇડીની ટીમો તેમની ધરપકડ કરવા પહોંચી હતી તો તેઓ ઘરમાં નહોતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here