ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આવતીકાલથી બે દિવસના દિલ્હી પ્રવાસે જશે. તેઓ 27 અને 28 મેના રોજ દિલ્હીમાં રહેશે. આ દરમિયાન તેઓ નીતિ આયોગ ગવર્નિંગ કાઉન્સિલની બેઠકમાં તેમજ નવા સંસદ ભવનના લોકાર્પણ પ્રસંગે હાજરી આપશે. મુખ્યમંત્રી 29 મે સોમવારના દિવસે ગાંધીનગરમાં મુખ્યમંત્રી કાર્યાલય ખાતે આવનાર મુલાકાતીઓને રાબેતા મુજબ મળશે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી 28 મેના રોજ નવા સંસદ ભવનનું ઉદ્ઘાટન કરવા જઈ રહ્યા છે. આ પ્રસંગે 75 રૂપિયાનો નવો સિક્કો પણ બહાર પાડવામાં આવશે, જેમાં ઘણી વિશેષતાઓ હશે. નાણા મંત્રાલયે નવા સિક્કા બનાવવા અંગે નોટિફિકેશન બહાર પાડ્યું છે. નાણા મંત્રાલયની સૂચના અનુસાર, નવા સંસદ ભવનનાં ઉદ્ઘાટન પ્રસંગે 75 રૂપિયાનો સિક્કો (Rs 75 Coin) લોન્ચ કરવામાં આવશે. આ સિક્કાનું વજન 35 ગ્રામ હશે. તેમાં 50 ટકા ચાંદી અને 40 ટકા તાંબાનું મિશ્રણ હશે. 5-5 ટકા નિકલ અને ઝીંક મેટલ્સ હશે.