‘યોગ કરીશું, કોરોનાને હરાવીશું’ : મુખ્યમંત્રી વિજય રૂપાણી એ જન જાગૃતિ અભિયાનનો કર્યો પ્રારંભ

0
27
  • દેશ અને રાજ્યની પ્રતિષ્ઠીત વ્યક્તિઓ યોગાસન, ઘ્યાન અને પ્રાણાયમ વિશે ફેસબુક પેજ પરથી લાઇવ થશે
  • સતત છ દિવસ સુધી રાજ્યવ્યાપી અભિયાન ચાલશે
  • આ અભિયાનમાં બાબા રામદેવથી લઈને જાણીતા ક્રિકેટર્સ પણ જોડાશે

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આગામી 21 જૂન વિશ્વ યોગ દિવસની ઉજવણીના ભાગરૂપે આજથી ગુજરાતમાં ‘યોગ કરીશું, કોરોનાને હરાવીશું’ના મંત્ર સાથે જન જાગૃતિ અભિયાનનો રાજ્યવ્યાપી પ્રારંભ કરાવ્યો છે.મુખ્યમંત્રીએ આ અભિયાનનું મહત્વ સમજાવતા કહ્યું કે, કોરોનાના આ સંક્રમણ કાળમાં કોરોનાની હજુ કોઈ દવા શોધાઈ નથી. ત્યારે વિશ્વ આખુ રોગ પ્રતિકારક શક્તિ વધારવા ભારતીય સંસ્કૃતિની વિશ્વને અમુલ્ય ભેટ એવા યોગ-પ્રાણાયમ તરળ વળ્યું છે. આ સંદર્ભમાં કોરોના સામેની લડાઈમાં યોગએ ખુબજ શક્તિશાળી અમોધ શસ્ત્ર સાબિત થશે એવો વિશ્વાસ તેમણે વ્યકત કર્યો છે.

આયુષ મંત્રાલયે આ વર્ષની યોગ દિવસ ની થીમ ‘યોગ એટ હોમ’, ‘યોગ વિથ ફેમીલી’ નક્કી કરી છે. ત્યારે સૌએ ઘર જેવી સુરક્ષિત જગ્યાએ યોગ કરી આપની સાથે-સાથે પરિવારના સ્વાસ્થ્યને પણ મજબૂત બનાવવું જોઇએ તેવી અપીલ સૌને મુખ્યમંત્રીશ્રીએ  કરી હતી. મુખ્યમંત્રીએ ઉમેર્યું કે, ભારતની આ મૂડી અને સાંસ્કૃતિક ધરોહરને આપણાં વડાપ્રધાન શ્રી નરેન્દ્ર ભાઈ મોદીએ વિશ્વ ફલક પર પહોચાડી છે. યુનાઈટેડ નેશન્સમાં પણ યોગનો સમાવેશ કરવામાં આવ્યો છે. યોગની લોકપ્રિયતા આપણા દેશમાં જ નહીં પરંતુ વિશ્વના ઘણા બધા દેશો  જર્મની, ઓસ્ટ્રેલીયા, સાઉદી અરેબિયા અને અમેરિકામાં પણ ખૂબ જ ઝડપથી પ્રસરી છે.

ગુજરાતની સાડા 6 કરોડ જનતાને મુખ્યમંત્રીએ અપિલ કરતા જણાવ્યું કે, ગુજરાત અને ગુજરાતીઓ સમગ્ર વિશ્વમાં બધા જ ક્ષેત્રમાં આગળ છે. ગુજરાતીઓ ગમે તેવી મુસીબત હોય તેનો સામનો કરીને તેમાંથી ઝડપથી બહાર નીકળી ફરીથી ગતિમાન બને છે. આ કોરોનાની મહામારીમાંથી બહાર આવી ફરીથી વેગ પકડવા માટે યોગ એ મહત્વનો ફાળો આપશે. કોરોનાથી બચવા માટે આપણે સૌ સપરિવાર યોગ કરી આ અભિયાનમાં જોડાવું જોઇએ એવો મત તેમણે દર્શાવ્યો હતો.

રૂપાણીએ જણાવ્યું કે, યોગની વાત પ્રત્યેક ગુજરાતીઓ સુધી પહોચાડવા દરેક એફ.એમ.સ્ટેશનના એક-એક આર.જે.ને ‘યોગ એમ્બેસેડર’ તરીકે આપણે ઘોષિત કર્યા છે. તેઓ દરરોજ યોગના અગણિત ફાયદા અને માહિતી અવનવી શૈલીમાં ગુજરાતનાં સાડા છ કરોડ ગુજરાતીઓ સુધી પોતાના રેડિયો પ્રસારણ મારફતે પહોચાડશે. આ અભિયાન સતત છ દિવસ સુધી ચાલશે. ભારતની અને ગુજરાતની પ્રતિષ્ઠીત વ્યક્તિઓ યોગાસન, ઘ્યાન અને પ્રાણાયમ વિશે ફેસબુક પેજ પરથી લાઇવ થશે.આ અભિયાનમાં યોગ ગુરુ સ્વામિ રામદેવ, રવિશંકરજી, સદગુરુ જેવા મહાનુભાવો આપણને યોગ પ્રાણાયમ અને ઘ્યાન ઉપર માર્ગદર્શન આપશે.

ગુજરાતમાંથી ફીટનેસ એક્સપર્ટ સપના વ્યાસ પટેલ, યુવા ઉદ્યોગકાર પ્રણવભાઇ અદાણી, ક્રિકેટર રવિન્દ્ર જાડેજા, ચૈતેશ્વર પૂજારા, ગુજરાતના યુવા સીને કલાકાર રોનક કામદાર અને એશા કંસારા પણ આ અભિયાનમાં ભાગ લેશે એમ મુખ્યમંત્રીએ જણાવ્યું હતું. ‘યોગ કરીશું, કોરોનાને હરાવીશું’ અભિયાનમાં બે ટાસ્ક પણ રાખવામા આવ્યા છે.  જેમાં 16 મી જૂન એટલે કે મંગળવારના દિવસે આપને યોગ શા માટે પસંદ છે તે પ્લે કાર્ડ પર લખી તેનો ફોટો સોશિયલ મીડિયા પર #DoYogaBeatCorona સાથે સૌએ પોસ્ટ કરવાનો રહેશે. 19 મી જૂન શુક્રવારના દિવસે કોઈ પણ વ્યક્તિ પોતાની ફેવરિટ યોગ મુદ્રા સાથેનો ફોટો સોશિયલ મીડિયા પર #DoYogaBeatCorona સાથે પોસ્ટ કરી આ કેમ્પઇનને વધુ બળ આપે તેવી અપેક્ષા તેમણે વ્યક્ત કરી હતી.

રૂપાણીએ લોકોને અપિલ કરતા જણાવ્યું કે, ગુજરાતનાં તમામ લોકોએ #DoYogaBeatCorona સાથે સોશિયલ મીડિયા પર યોગ વિશેની તમામ જાણકારી, ફાયદાઓ, આસનો વગેરે પોસ્ટ કરીને એક ઇન્ફોર્મેશન બેન્કનું નિર્માણ કરવું જોઇએ. જેનાથી દુનિયાના બહુધા લોકોને તેનો લાભ થાય અને ગુજરાત એક યુગ પ્રદેશની સાથે એક યોગ પ્રદેશ તરીકે પણ ઓળખાય  તે આપણા સૌ માટે એક ગર્વની વાત બનશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here