ચીન ભારતને હલકી ગુણવત્તાવાળા ઓક્સિજન કોન્સન્ટ્રેટર પધરાવી રહ્યુ છે

0
6

ભારતમાં કોરોનાના સંક્રમણના કારણે મોટા પાયે મેડિકલ ઈક્વિપમેન્ટની દેશમાં જરુર પડી રહી છે. જેના પગલે ભારતે બીજા દેશો પાસેથી મદદ માંગવી પડી છે. જેમાં ચીનનો પણ સમાવેશ થાય છે.

ચીન પાસેથી ભારતે મોટી સંખ્યામાં ઓક્સિજન કોન્સન્ટ્રેટર મંગાવ્યા છે. જોકે હવે ચીને ભારતની મજબૂરીનો ગેરલાભ ઉઠાવવાનુ શરુ કરી દીધુ છે. ભારતને મદદ કરવાની જગ્યાએ હવે ચીન પરિસ્થિતિનો ખોટી રીતે ફાયદો લઈ રહ્યુ છે. ચીનની કંપનીઓએ મેડિકલ ઈક્વિપમેન્ટના ભાવ તો વધારી જ દીધા છે પણ તેની ગુણવત્તાને લઈને પણ શંકાઓ ઉભી થઈ રહી છે.

એક મીડિયા રિપોર્ટમાં કહેવામાં આવ્યુ છે કે, ચીનમાંથી ભારત આવી રહેલા ઓક્સિજન કોન્સન્ટ્રેટર હલકી ગુણવત્તાવાળા છે. ચીનની કંપનીઓએ તેના ભાવ તો વધારી જ દીધા છે પણ સાથે સાથે તેમાં વપરાતા પાર્ટસમાં પણ બદલાવ કરી દીધો છે. જેના કારણે તેની ગુણવત્તા પર અસર પડી રહી છે. આવા કોન્સન્ટ્રેટરના કારણે લોકોના જીવ સામે પણ જોખમ સર્જાઈ શકે છે.

આશ્ચર્યની વાત એ છે કે, ચીનની કંપનીઓએ પાંચ લીટર અને દસ લીટરની ક્ષમતા ધરાવતા કોન્સન્ટ્રેટરના ભાવ પણ અલગ અલગ રાખ્યા છે. છેલ્લા કેટલાક સપ્તાહમાં તેની કિંમતમાં પણ અચાનક વધારો થયો છે. બીજી તરફ ચીન દુનિયાને એવુ બતાવી રહ્યુ છે કે, ભારતને તે માનવીય સહાય પહોંચાડી રહ્યુ છે. ભારત સ્થિત ચીનના રાજદૂત છાશવારે ચીન દ્વારા મોકલવામાં આવતા ઈક્વિપમેન્ટ અંગે ટ્વિટ કરીને જાણકારી આપે છે. જેથી ચીનની દરિયાદીલ ઈમેજ પ્રોજેક્ટ કરી શકાય.

ચીનના રાજદૂત વી ડોંગે આવા એક ટ્વિટમાં કહ્યુ હતુ કે, ચીનની કંપનીઓ માનવતાને પ્રાથમિકતા આપી રહી છે. તે ભારતમાં લોકોની જીંદગી બચાવવા પર ધ્યાન કેન્દ્રીત કરી રહી છે અને ભારતના લોકોની જરુરિયાતો પૂરી કરવા માટે કાર્યરત છે.

જોકે આ મિડિયા રિપોર્ટમાં કહેવામાં આવ્યુ છે કે, 30 એપ્રિલ પહેલા ભારતને ચીનની યુવેલ નામની કંપની ઓક્સિજન કોન્સન્ટ્રેટરનો એક પીસ 340 ડોલરમાં આપતી હતી અને હવે એક સપ્તાહ પછી આ ભાવ વધીને 460 ડોલર થઈ ગયો છે. દરમિયાન ચીન પાસેથી સામાન ખરીદનાર ઘણા ભારતીય વ્યવસાયીઓનુ કહેવુ છે કે, નવા સપ્લાયમાં કવોલિટીને લઈને સવાલો ઉભા થઈ રહ્યા છે. કેટલાક વ્યવસાયીઓએ પોતાના ઓર્ડર એટલા માટે રદ કર્યા છે કે, ઓક્સિજન કોન્સન્ટ્રેટરમાં જે પાર્ટસ વપરાઈ રહ્યા છે તે અગાઉ વપરાતા પાર્ટસના સસ્તા વિકલ્પ છે. સામાનની ક્વોલિટીની પણ કોઈ ચકાસણી થતી નથી.

ચીની કંપનીઓએ વધારેલા ભાવ પર ભારતે વિરોધ પણ નોંધાવ્યો છે. ભારતીય રાજદૂત પ્રિયંકા ચૌહાણે ચીનની સરકાર સમક્ષ આ મુદ્દો ઉઠાવ્યો છે અને આશા વ્યક્ત કરી છે કે, ચીન કોરોનાના સંક્રમણ વચ્ચે ભાવમાં ઘટાડો કરશે અને સપ્લાય ચેન પણ ખુલ્લી રાખશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here