ચીનની નવી ચાલ : આર્થિક કોરિડોરની સુરક્ષાનું બહાનું કાઢીને ચીને ISI માટે POKમાં હેક્સાકોપ્ટર મોકલ્યા

0
5

લદાખ સેક્ટરમાં ચડસાચડસી પર ઉતરેલા ચીને પાકિસ્તાન તરફથી ભારત વિરુદ્ધ પ્રોક્સિ-વૉરમાં પાક. સૈન્યની મોટી મદદ કરી છે. સૈન્યનાં સૂત્રોએ ભાસ્કરને જણાવ્યું કે ચીને પાક.ના કબજા હેઠળના કાશ્મીરમાં તેના આર્થિક કોરિડોરની સુરક્ષાના બહાને આઈએસઆઈને મોટી સંખ્યામાં હેક્સાકોપ્ટર આપ્યાં છે. તેના દ્વારા જમ્મુ-કાશ્મીરમાં મોટી સંખ્યામાં શસ્ત્રો પાડવાનું ષડયંત્ર છે. છેલ્લા 5 દિવસમાં જ આતંકવાદગ્રસ્ત વિસ્તારોમાં સૈન્યને જે શસ્ત્રો-દારૂગોળો મળી આવ્યા છે તેમાં ચીનની ભૂમિકાના પુરાવા મળ્યા છે. તાજેતરમાં જ ચીનની નૉરિંકો કંપનીની રાઇફલો પકડાઇ છે. ચીની પીએલએના સૈનિકો આ કંપનીની જ રાઇફલો વાપરે છે. પીઓકેના આર્થિક કોરિડોર માટે પણ નૉરિંકોએ પાક. ફ્રન્ટિયર ફોર્સને મોટી સંખ્યામાં આ રાઇફલો ભેટ આપી છે.

સૈન્યના સૂત્રોએ જણાવ્યું કે સાંબા વિસ્તારમાં હેક્સાકોપ્ટરની મદદથી હથિયારોની ખેપ પાડવામાં આવી હતી. 23-24 સપ્ટે.ની રાત્રે જમ્મુથી દ.કાશ્મીર જતા બે શખસને પકડવામાં આવ્યા. તેમની કારમાંથી આ ખેપ પકડાઇ. તેમાં ચીની રાઇફલો પણ હતી. છેલ્લા 2 મહિનામાં ચાઇનીઝ બનાવટની 35થી વધુ રાઇફલો અને 100થી વધુ ગ્રેનેડ ઝડપાયા છે. કાશ્મીરમાં આતંકીઓને હથિયારો સાથે મોકલવાની રણનીતિ પાક. સૈન્યએ બદલી છે. પાક.એ એ પેટર્ન જોઇ કે ભારતીય સૈન્ય નિ:શસ્ત્ર ઘૂસણખોરો પર ગોળી નથી ચલાવતી. તેથી આતંકીઓને નિ:શસ્ત્ર મોકલીને બાદમાં હેક્સાકોપ્ટર્સ દ્વારા શસ્ત્રો પૂરા પાડવાની યોજના છે. શિયાળા પહેલાં આ રીતે મોટા પાયે ઘૂસણખોરીનું ષડયંત્ર છે.

પાક.એ એલઓસી પર શસ્ત્રવિરામનું ઉલ્લંઘન કર્યું

પાક. સૈન્યએ જમ્મુ-કાશ્મીરના રાજૌરી જિલ્લામાં શનિવારે અંકુશરેખા (એલઓસી) પર નાના હથિયારો અને મોર્ટાર વડે હુમલા કરીને ભારતીય ચોકીઓને નિશાન બનાવી. સંરક્ષણ મંત્રાલયના પ્રવક્તા કર્નલ દેવેન્દ્ર આનંદે કહ્યું કે સવારે લગભગ 11.15 વાગ્યેન નૌશેરા સેક્ટરમાં કોઇ ઉશ્કેરણી વિના અંકુશરેખા પર નાના હથિયારો વડે ગોળીબાર થયો. મોર્ટારમારા દ્વારા શસ્ત્રવિરામ ભંગ શરૂ થયો. ભારતીય સૈન્ય તેનો વળતો જવાબ આપી રહ્યું છે. પાક. આ વર્ષની શરૂઆતથી જ 3,186થી વધુ વખત શસ્ત્રવિરામનો ભંગ કરી ચૂક્યું છે, જેમાં 24 નાગરિક માર્યા ગયા છે અને 100થી વધુ ઘાયલ થયા છે.