ગુજરાતનો પ્રથમ કિસ્સો : સુરતના 47 વર્ષના ચિંતેશભાઈનાં ફેફસાં 90% ડેમેજ હતાં છતાં 119 દિવસ પછી કોરોનાને હરાવ્યો, પરિવારના 30 સભ્યો રોજ ભેગા થઈ વિડિયો-કોલથી હસાવતા

0
0

ચિંતેશભાઈને પરિવારે વિડિયો-કોલિંગ કરી બર્થ-ડે પર શુભકામના આપી હતી.
  • પ્રેરણા એ મોટી દવા, ઘરના સભ્યોના સંવાદોને ટ્રીટમેન્ટનો ભાગ બનાવ્યો

સુરતના બેગમપુરાની દુધાળા શેરીમાં રહેતા 47 વર્ષના બિઝનેસમેન ચિંતેશ કણિયાવાલાએ કિરણ હોસ્પિટલમાં 119 દિવસની સારવાર બાદ કોરોનાને હરાવ્યો છે. દાખલ કર્યા પછી તેમની તબિયત બગડી રહી હતી. ડોક્ટરે પરિવારને કહ્યું, અમે સારવાર કરીશું, તમે મોટિવેશન આપો. ત્યાર બાદ પરિવારના 30 સભ્યો રોજ સવાર અને સાંજે એક જગ્યા પર ભેગા મળીને વિડિયો-કોલથી તેમને હસાવવાનું શરૂ કર્યું. સતત 60 દિવસ સુધી વિડિયો-કોલથી તેમને મોટિવેશન આપ્યું. આ ઉપરાંત પરિવારે નક્કી કર્યું કે એક દિવસ છોડીને એક દિવસે પરિવારના એક સભ્ય પીપીઈ કિટ પહેરીને તેમને રૂબરૂ મળવા માટે હોસ્પિટલમાં જશે. સભ્યો 40 વખત તેમને રૂબરૂ મળવા માટે ગયા. એના માટે એક સમયે પરિવારે જથ્થાબંધ પીપીઈ કિટ પણ વસાવી લીધી હતી.

શ્વાસ લેવા બધી જ તાકાત કામે લગાડતો, પરિવારના મોટિવેશને જ મને જિવાડ્યો
119 દિવસ પછી સાજા થનાર ચિંતેશ કણિયાવાલાએ કહ્યું- મને કોરોના થયો ત્યારે એમ હતું કે હું 10 દિવસ પછી તો ઘરે આવી જઈશ, પરંતુ હોસ્પિટલમાં જેમ જેમ દિવસો પસાર કરતો ગયો તેમ તેમ મને એમ લાગતું હતું કે હવે હું ક્યારેય ઘરે જઈ શકીશ નહીં. મારે શ્વાસ લેવા માટે ઝઝૂમવું પડતું હતું. શ્વાસ લેવા માટે હું તરફડી રહ્યો હતો. એક વખત શ્વાસ લેવા માટે મારી બધી તાકાત કામે લગાવી દેવી પડતી હતી, તેમ છતાં હું શ્વાસ લઈ શકતો ન હતો. દરેક સેકન્ડ પછી મને એમ થતું હતું કે હવે આ મારી જિંદગીની છેલ્લી સેકન્ડ છે. 20 દિવસ સુધી તો હું હોસ્પિટલમાં બેહોશ રહ્યો હતો. હોશમાં આવ્યો ત્યારે પણ મનમાં સતત એવા જ વિચારો આવતા હતા કે હું જીવી શકીશ કે નહીં ? પરંતુ મારા પરિવારના મોટિવેશન અને ડોક્ટરોની મદદથી હું ઘરે પહોંચ્યો છું. કદાચ પરિવારનું મોટિવેશન ન મળ્યું હોત તો હું મૃત્યુ પામ્યો હોત. હવે ઘરે આવી ગયો છું. મારું વજન 20 કિલો ઓછું થઈ ગયું છે.

PPE કિટ હોલસેલમાં ખરીદી
પરેશ કણિયાવાલા, મોટા ભાઈ (કાકાના દીકરા)એ કહ્યું- અમારા પરિવારમાં 30 લોકો છે. અમે વારફરતી તેમને રૂબરૂમાં મળવા જવાનું ટાઈમટેબલ બનાવ્યું. એક દિવસ મૂકીને એક દિવસ પરિવારના સભ્યો પીપીઈ કિટ પહેરીને તેમને હોસ્પિટલમાં મળવા માટે જતા હતા. વારાફરતી મળવા જવાનું હોવાથી એક સમયે તો અમે એકસાથે હોલસેલમાં 35 પીપીઈ કિટ ખરીદી લીધી હતી. તેમને મળવા જવાનું હોય ત્યારે માત્ર પ્રેરણા આપતી વાતો કરતા. કોરોના વિશે પૂછવાનું પણ નહીં. 60 દિવસ સુધી આ કાર્યક્રમ સતત ચાલતો રહ્યો હતો. ચિંતેશભાઈનો જન્મ દિવસ હતો ત્યારે હોસ્પિટલમાં અમુક સભ્યો કેક લઈ ગયા હતા અને ત્યાં જ સેલિબ્રેટ કર્યો હતો. તેમની ચિંતામાં પરિવારના મોટા ભાગના સભ્યોનું 5 કિલો જેટલું વજન પણ ઓછું થઈ ગયું છે. મળવા જવાનું અને વિડિયો-કોલને ટ્રીટમેન્ટનો ભાગ બનાવ્યો, એટલે તેમનું ઈમ્પ્રૂવમેન્ટ આવ્યું છે.

50 દિવસ સુધી 100% ઓક્સિજન આપ્યું હતું
કિરણ હોસ્પિટલ, ચેસ્ટ અને ક્રિટિકલ કેર સ્પેશિયાલિસ્ટના​​​​​​ ડો.હાર્દિપ મણિયારે જણાવ્યું, જ્યારે ચિંતેશભાઈને એડમિટ કર્યા ત્યારે તેમનાં ફેફસાંમાં 90 ટકા સુધી કોરોના પ્રસરી ગયો હતો. ત્રીજા દિવસે તેમનું લોહી જાડું થઈ ગયું હતું, એટલે લોહી પાતળું કરવાની દવા આપી તો યુરિનમાં લોહી આવવા માંડ્યું હતું. તેની અમે સારવાર કરી રહ્યા હતા તો તેમની ઓક્સિજનની ડિમાન્ડ વધી. 50 દિવસ સુધી તેમને 100 ટકા ઓક્સિજન આપવો પડ્યો હતો. 80મા દિવસે તેમને ઓક્સિજન પરથી હટાવી લેવામાં આવ્યા હતા. ત્યાર બાદ અલગ અલગ દવા આપીને તેમની સારવાર કરવામાં આવી હતી. અમે સારવાર કરી અને પરિવારે હિંમત આપી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here