અમદાવાદી અલ્પાબેને બનાવ્યા ચોકલેટના ગણપતિ, જાણો કઈ 2 ચીજથી બન્યા છે આ વિધ્નહર્તા

0
100

(રિપોર્ટર : રવિકુમાર કાયસ્થ)

ગણેશ ચતુર્થી આવે એટલે દરેક ભક્ત પોતાની રીતે ગણેશજીને પ્રસન્ન કરવાના પ્રયાસ કરવા લાગે છે. વિઘ્નહર્તા ગણેશજીને પ્રસન્ન કરવા માટે લોકો જાતજાતના ઉપાયો કરી લે છે. કોઈ કેકના ગણેશજી બનાવે છે, કોઈ 3ડી ગણેશજી બનાવે છે તો કોઈ ચોકલેટના ગણેશજી બનાવીને તેમની આરાધના કરે છે.

આજે આપણે મળીશું અમદાવાદમાં સેટેલાઈટમાં રહેતા અલ્પાબેન મજમૂદારને. જે છેલ્લા 3 વર્ષથી જાતે જ ચોકલેટના ગણેશજી બનાવે છે અને તેમની સ્થાપના કરે છે. ઈચ્છાનુસાર નક્કી કરેલા દિવસો સુધી તેમની સેવા કરીને તેમને વિસર્જિત કરી દે છે. આ વર્ષે તેઓએ 2 દિવસના ગણપતિ રાખ્યા છે. મેં આ વર્ષે વ્હાઈટ ચોકલેટના ગણેશજી બનાવ્યા છે. આ પહેલાં 3ડી કેકના ગણેશજી પણ બનાવ્યા હતા.

અલ્પાબેન જણાવે છે કે હું કંઈ વિચાર્યા વિના જ ગણેશજી બનાવું છું. મારા ગણેશજીની સાઈઝ દર વર્ષે મોટી જ થતી જાય છે. ગયા વર્ષે મેં 6 ઇંચના ગણેશજી બનાવ્યા હતા અને આ વર્ષે તેમની સાઈઝ 8 ઇંચ જેટલી થઈ છે. હું બનાવું ને જે પ્રકારના ગણેશજી બને તે જ મારી ઈચ્છા અને સેવા. ગણેશજી બનાવવામાં કોઈ ચોક્કસ સમય લાગે તેવું હોતું નથી. છતાં કહી શકાય કે 8 ઇંચ જેટલા ચોકલેટના ગણેશજી બનાવવામાં તમને 15 કલાકથી વધારેનો સમય લાગી શકે છે.

ચોકલેટના ગણેશજીને સાચવવામાં રાખો આ ધ્યાન
આ ગણપતિને સાચવવામાં ખૂબ કાળજી રાખવી પડે છે. ચોકલેટ 32 ડિગ્રીના તાપમાન પછી પીગળવા લાગે છે. માટે આ ગણેશજીને તમારે 32 ડિગ્રીથી નીચેના તાપમાને રાખવા પડે છે. તેમને જ્યાં બિરાજમાન કરો તે જગ્યાનું ટેમ્પ્રેચર જળવાઈ રહે તે જરૂરી છે. હું તો એમ જ કહીશ કે તમારે ગણેશ સ્થાપનાના 1-2 દિવસ પહેલાં જ ચોકલેટના ગણેશજીની પ્રતિમા બનાવવી જોઈએ. જેથી તમે તેને સારી રીતે રાખી શકો. જ્યારે તમારા ગણેશજી બની જાય ત્યારે તેને ટ્રાન્સપરન્ટ પ્લાસ્ટિકની થેલીથી ઢાંકી દો. જેથી તેની પર કોઈ ડસ્ટ લાગી શકે નહીં. સાથે જ તે ખરાબ ન થાય.

આ રીતે બનાવે છે ચોકલેટના ગણેશજી

હું ફક્ત 2 ચીજથી ચોકલેટના ગણેશજી બનાવું છું. તેના માટે તમારે બ્લેક કે વ્હાઈટ (તમારી ઈચ્છા પ્રમાણેના)ચોકલેટના સ્લેબ તૈયાર મળે છે તે લાવવાના રહે છે. સાથે જ અન્ય ચીજમાં લિક્વિડ ગ્લૂકોઝ કે કોર્ન સીરપ વાપરવાનો રહે છે. ડેકોરેશન માટે એડિબલ કલર્સ અને અન્ય ડેકોરેશનની ચીજોનો ઉપયોગ કરી શકો છો. 8 ઇંચના ગણેશજી બનાવવા માટે અંદાજે 2 કિલોના ચોકલેટ સ્લેબ અને 500 ગ્રામ જેટલો ગ્લૂકોઝ કે કોર્ન સીરપ વપરાતો હોય છે. ગણેશજી બનાવવા માટે આ બે ચીજ લઈ આવ્યા બાદ ચોકલેટના સ્લેબને એક પેનમાં રાખીને તેને ધીમા ગેસ પર મેલ્ટ કરી લો. ચોકલેટ મેલ્ટ થઈ જાય પછી તેને થોડું ઠંડું થવા દો. હવે તેમાં ગ્લૂકોઝ કે કોર્ન સીરપ મિક્સ કરી લો. હવે બંને ચીજને હલાવી લો. આ ચીજોને એરટાઈટ કંટેનરમાં 6-7 કલાક રાખી દો. હવે આ મિશ્રણ ગણેશજી બનાવવા માટે તૈયાર થઈ જશે. તેની મદદથી તમે તમારી કલ્પનાના આધારે કે પછી કોઈ પિક્ચરની મદદથી પણ ગણેશજીને તૈયાર કરી શકો છો. ગણેશજી તૈયાર થાય પછી તમે તેમારી ક્ષમતા અનુસાર તેમને ડેકોરેટ કરી લો. તૈયાર છે તમારા ચોકલેટના ગણેશજી.

આ રીતે કરે છે ચોકલેટના ગણેશજીનું વિસર્જન
પહેલાં તો થોડું ગરમ પાણી લઈને ગણેશજી પર પધરાવીએ છીએ. જેથી 3-4 દિવસમાં જો કોઈ જમ્સ તેમની પર લાગ્યા હોય તો તે જતા રહે. તે પાણી અમે ક્યારામાં પધરાવી દઈએ છીએ. ત્યારપછી લગભગ 3-4 લિટર દૂધ લઈને ગણેશજી પર પધરાવીને તેમને મેલ્ટ કરીએ છીએ. પછી આ દૂધ સગા સંબંધીને કે આસપાસના રહીશોમાં પ્રસાદ રૂપે વહેંચી દઈએ છીએ. જો વધી જાય તો ગરીબોમાં પણ દાન કરી દઈએ છીએ.

ટિપ્સ
એક વાતનું ખાસ ધ્યાન રાખો કે ચોકલેટના ગણેશજી બનાવો ત્યારે પૂજામાં કંકુ કે અન્ય કોઈ પાવડર વાળી સામગ્રી પૂજામાં ન વાપરો. ફૂલની પૂજા કરો તે સારું રહે છે. કારણ તમે જ્યારે વિસર્જન સમયે તેને પીગળાવશો ત્યારે તે કલર કે કંકુ તેમાં ભળે છે અને નુકસાન કરે છે. જો લગભગ 8 ઇંચના ગણેશજી હોય તો તેમને પીગળાવવા માટે તમારે 4 લિટર જેટલું દૂધ વિસર્જન સમયે જોઈએ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here