સમગ્ર ગુજરાતમાં આ વખતે પાણીજન્ય કોલેરાના કેસ વધુ પ્રકાશમાં આવી રહ્યા છે ત્યારે ગાંધીનગર કોર્પોરેશન વિસ્તાર ઉપરાંત ગાંધીનગર તાલુકાના ગ્રામ્યવિસ્તાર, દહેગામ-કલોલ શહેર તથા દહેગામના અડધા ડઝન જેટલા ગામોમાં કોલેરાના પોઝિટિવ કેસ અગાઉ મળી આવ્યા હતા.ત્યારે એક જ દિવસમાં કલોલ શહેરના પશ્ચિમ વિસ્તારમાં આવતા મહેન્દ્રમીલની ચાલી તથા ગાયોના ટેકરામાંથી એક-એક પોઝિટિવ કેસ સામે આવતા સ્થાનિક તંત્રની સાથે આરોગ્ય વિભાગ ફરી હરકતમાં આવ્યું છે.
ગાંધીનગર શહેર અને જિલ્લાના ગ્રામ્યવિસ્તારમાંથી છેલ્લા એકથી દોઢ મહિનામાં કોલેરાના કેસમાં ચિંતાજનક વધારો થયો છે. સામાન્યરીતે કોલેરાનો એક કેસ પણ બહાર આવે તો તે વિસ્તારને કોલેરાગ્રસ્ત જાહેર કરીને ત્યાં રોગચાળા નિયંત્રણ અંગેના સઘન પગલા લેવામાં આવતા હોય છે ત્યારે આ વખતે તો દહેગામના અડધો ડઝન જેટલા ગામોમાં કોલેરાએ દેખા દઇ દીધી છે. એટલુ જ નહીં, બહિયલમાં તો કોલેરાનો રોગચાળો સરકારી ચોપડે પુર્ણ થઇ ગયો તેમ છતા અહીં પાણી પિવાલાયક આવતું નથી. આવી સ્થિતિ વચ્ચે કલોલમાં ફરી પાછો કોલેરાનો રોગચાળો સામે આવ્યો છે. આરોગ્ય વિભાગના સુત્રોમાંથી મળતી માહિતી પ્રમાણે, કલોલ પશ્ચિમમાં આવેલા મહેન્દ્રમીલની ચાલીમાં રહેતા ૫૩ વર્ષિય પુરુષ તથા ગાયોના ટેકરા વિસ્તારમાં રહેતા પરિવારની સાત વર્ષિય બાળકીનો કોલેરાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. જેને લઇને નગરપાલિકા તંત્રની સાથે આરોગ્ય તંત્ર પણ દોડતું થઇ ગયું છે.ગાયોના ટેકરા વિસ્તારમાં રહેતી સાત વર્ષિય બાળકી ગાંધીનગર સિવિલમાં દાખલ છે જેને સઘન સારવાર આપવામાં આવી રહી છે. તો આરોગ્ય તંત્ર દ્વારા પણ આ વિસ્તારોને કોલેરાગ્રસ્ત જાહેર કરવા માટે તજવીજ હાથ ધરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, આ વખતે કલોલમાં જે રીતે કોલેરાના કેસ પ્રકાશમાં આવ્યા છે તેને જોતા નિષ્ણાંતોનું માનવું છે કે તે કોઇ અખાદ્ય ખોરાક ખાવાથી થયો હોવો જોઇએ.ગાંધીનગરના કલોલમાં છેલ્લા ઘણા વખતથી કોલેરા સહિતના પાણીજન્ય રોગચાળો ફેલાય છે આવી સ્થિતિ વચ્ચે ફરી એકવાર કોલેરાએ કલોલમાં દસ્તક દીધી છે જેના પગલે આરોગ્ય તંત્ર પણ દોડતું થઇ ગયું છે.તો કોલેરા ઉપરાંત મહેન્દ્ર મીલની ચાલી તથા ગાયોના ટેકરા વિસ્તારમાંથી કોલેરાના કેસ સામે આવ્યા બાદ ઝાડા ઉલ્ટીના શંકાસ્પદ કેસ પણ પ્રકાશમાં આવી રહ્યા છે. સામૂહિક આરોગ્ય કેન્દ્ર ઉપરાંત કલોલના ખાનગી હોસ્પિટલોમાં પણ બાળદર્દીઓ અને અન્ય દર્દીઓ દાખલ છે.