ગુજરાતમા સેવા સેતુ કાર્યક્રમના પાંચમા તબક્કાનો દાહોદથી સીએમ રૂપાણીએ પ્રારંભ કરાવ્યો

0
257

ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજ્યવ્યાપી ‘સેવા સેતુ’ કાર્યક્રમનો વનબંધુ વિસ્તાર દાહોદના ગ્રામીણ ક્ષેત્ર અંતેલાથી પ્રારંભ કરાવતાં સ્પષ્ટપણે જણાવ્યું કે, સેવા સેતુનો આ ઉપક્રમ સામાન્ય-નાના માણસ માટે મોટો કાર્યક્રમ બની ગયો છે. આ સંદર્ભમાં તેમણે કહ્યું કે, ગરીબ, વંચિત, પીડિત, દલિત, ગ્રામીણ, ખેડૂત જેવા સાવ સામાન્ય વર્ગોને પોતાના નાના-નાના કામો માટે વતન-ગામથી દૂર સરકારી કચેરીઓમાં ધક્કા ન ખાવા પડે તેવા સંવેદનશીલ અભિગમથી આ સેવા સેતુ દ્વારા સરકાર સ્વયં પ્રજાને દ્વાર આવી છે.

સીએમ રૂપાણીએ કહ્યું કે, સેવા સેતુના અત્યાર સુધીમાં રાજ્યમાં જે ચાર તબક્કાઓ યોજવામાં આવ્યા છે તેને પ્રચંડ સફળતા મળી છે.ચારેય તબક્કામાં મળીને ૧ કરોડ પ૩ લાખ નાગરિકો-લોકોની અરજીઓનો સુખદ નિવેડો લાવીને ૯૯ ટકા સિધ્ધિ મેળવવામાં આવી છે તેનો ગૌરવ સહ ઉલ્લેખ પણ મુખ્યમંત્રીશ્રીએ કર્યો હતો.

રાજ્ય સરકારે સંવેદનશીલ અભિગમ અપનાવી સેવા સેતુનો કાર્યક્રમ શરૂ કર્યો છે. રાશન કાર્ડ કઢાવવા, આવક-જાતિના દાખલા કઢાવવાના જેવા મહત્વના કામોનો ઘર આંગણે જ સરળતાથી નિકાલ આ સેવા સેતુથી આવે છે એમ તેમણે જણાવ્યું હતું.

તેમણે ઉમેર્યું કે, સામાન્ય કામો માટે ગરીબ અરજદારોને વચેટિયાઓનો સહારો લેવો પડતો હતો. વચેટિયાઓને ક મને પૈસા આપીને પોતાનું કામ કરાવવું પડતું હતું. તેની સામે રાજ્ય સરકારે નક્કી કર્યું કે, અરજદારને સરકારી કચેરીએ ના આવવું પડે અને સરકારી તંત્ર અરજદારના ઘરઆંગણા સુધી જાય એવી વ્યવસ્થા સેવા સેતુ કાર્યક્રમથી વિકસાવી છે.

મુખ્યમંત્રી એ જણાવ્યું કે રાજ્ય સરકારની પારદર્શી અને લોકાભિમુખ શાસનપ્રણાલીની પ્રતીતિ સેવા સેતુ કાર્યક્રમ કરાવે છે. સેવા સેતુ કાર્યક્રમમાં અરજદારનું સામાન્ય કામ તેના ઘરની નજીક, એક પણ રૂપિયો કોઇને ય આપ્યા વિના થાય છે.જિલ્લા દીઠ ૫૦-૬૦ સેજા બનાવીને સેવા સેતુ કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે. રાજ્ય સરકારની ૫૭ પ્રકારની વિવિધ સેવાઓ નાગરિકોને ઘરથી નજીક મળે છે. વિધવા સહાય, આયુષ્યમાન કાર્ડ, અમૃતમ કાર્ડ, દિવ્યાંગતા પ્રમાણપત્ર, વિવિધ પ્રકારના દાખલાઓ તો મળે જ છે, સાથે અબોલ પશુજીવોની જીવદયા સેવાભાવના સાથે પશુઓ માટે આરોગ્ય કેમ્પનું પણ આયોજન કરવામાં આવે છે તેની ભૂમિકા વિજય રૂપાણીએ આપી હતી.

રાજ્ય સરકાર દ્વારા ગૌ વંશ હત્યા વિરોધી કાયદો, નશાબંધી કાયદો, મહિલાઓ પ્રત્યેના હિંસાના કાયદા વધુ કડક બનાવવામાં આવ્યા છે તેની છણાવટ તેમણે કરી હતી. મુખ્યમંત્રીએ સેવા સેતુ કાર્યક્રમ પૂર્વે અંતેલા ગામે યોજાયેલા પશુ આરોગ્ય કેમ્પની મુલાકાત લીધી હતી અને ગૌ પૂજન પણ કર્યું હતું. પશુઓને ગંભીર બિમારીથી મુક્ત કરવાની શસ્ત્રક્રિયાનું લાઇવ નિરીક્ષણ કર્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here