રાજ્યસભાની ચૂંટણીમાં ભાજપના બન્ને ઉમેદવારોને વિજેતા જાહેર કરી દેવામાં આવ્યા છે. વિદેશ મંત્રી એસ. જંયશંકર અને જૂગલજી ઠાકોરની જીત થઈ છે. કોંગ્રેસના ઉમેદવાર ગૌરવ પંડ્યા અને ચંદ્રિકાબેન ચુડાસમાની હાર પહેલેથી જ નિશ્વિત માનવામાં આવતી હતી.ત્યારે અનુમાન પ્રમાણેનું જ પરિણામ સામે આવ્યુ છે. બીટીપીના બે મત અને એનસીપીનો 1 મત પણ ભાજપને મળ્યો છે. જ્યારે કોંગ્રેસના પણ બે બળવાખોર ધારાસભ્યોના મત ભાજપને મળ્યા છે. ભાજપના બન્ને ઉમેદવારોની જીત થતા કોંગ્રેસના નેતાઓએ પણ અભિનંદન આપ્યા હતા. તો વિપક્ષના નેતા પરેશ ધાનાણીએ વિજેતા ઉમેદવારો અને ભાજપના નેતાઓ સાથે હસ્તધનુન કરીને અભિનંદન કર્યું હતું.
મુખ્યમંત્રી રૂપાણીનું નિવેદન
રાજ્યસભાની પેટાચૂંટણીમાં વિજય બનેલા બંને ઉમેદવારોનુ સન્માન કરાયું છે. ભાજપના બંને ઉમેદવારોનો વિજય થયો છે ત્યારે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કહ્યું કે, ભાજપના બન્ને ઉમેદવારો જંગી બહુમતીથી જીત થઈ છે. સંપૂર્ણ બહુમતી સાથે જીત થઈ છે. રાજ્યસભાની ચૂંટણી મામલે કોંગ્રેસ હાઇકોર્ટ અને સુપ્રીમ કોર્ટમાં ગઇ છે. કોંગ્રેસ અંદરથી કેટલી ખોખલી છે તે આ પરિણામથી જોવા મળી રહ્યું છે.
વિપક્ષ નેતા પરેશ ધાનાણીનું નિવેદન
રાજ્યસભામાં ચૂંટણી પરિણામો બાદ પરેશ ધાનાણીએ નિવેદન આપ્યું હતું. વિપક્ષ નેતા પરેશ ધાનાણીએ કોંગ્રેસના ધારાસભ્યોનો આભાર માન્યો હતો. તેમણે કહ્યું કે, પેટાચૂંટણીના પરિણામો ક્ષણિક છે. ભાજપે બહુમતીના જોરે ગેરબંધારણીય જાહેરનામું બહાર પડાવ્યું છે. સંઘર્ષનું એક ચરણ પૂર્ણ, બીજું ચરણ ન્યાયપાલિકાથી યથાવત છે.
શંકરસિંહ વાઘેલા પર પરેશ ધાનાણીએ આક્ષેપ કરતા જણાવ્યું હતું કે, ગુજરાત NCPના અધ્યક્ષના માર્ગદર્શન હેઠળ NCP ધારાસભ્યએ મતદાન કર્યુ છે. ભાજપ સામે સંવિધાનિક સંઘર્ષમાં NCPના ધારાસભ્યએ ભાજપને મત આપ્યો છે. અમે NCPનો સાથ માંગ્યો હતો. વધુમાં તેમણે કહ્યું કે BTPએ પણ ભાજપને મત આપ્યો એ મતગણતરી પરથી ફલિત છે.
જીતુ વાઘાણીનું નિવેદન
પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીએ પણ નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું કે, ગુજરાત ભાજપ તરફથી બન્ને ઉમેદવારને અભિનંદન પાઠવું છું. UPA સાથે છે તેવી પાર્ટીના ધારાસભ્યએ ભાજપને મત આપ્યા છે. કોંગ્રેસના ધારાસભ્યના મત પણ મળ્યા છે.
એસ.જયશંકરનું નિવેદન
રાજ્યસભામાં જીતેલા ઉમેદવાર એસ.જયશંકરે પણ નિવેદન આપ્યું હતું કે, હું પ્રધાનમંત્રી, રાષ્ટ્રીય અધ્યક્ષ અને રાજ્યના નેતાનો આભાર માનું છું. ગુજરાત સૌથી વધુ ગ્લોબલ લોકો છે. એવો કોઈ દેશ નથી જ્યાં ગુજરાતી ન હોય. ભારતના નવા નિર્માણમા ગુજરાતનું યોગદાન છે. જ્યાં પણ ભારતના નાગરિક સંકટમાં હશે તેની મદદ કરવા માટે તૈયાર છું. વિદેશમાં મારાથી જે થશે તે હું કરવા માટે તૈયાર છું. ગુજરાત પ્રગતિશીલ રાજ્ય છે. હું આશ્વાસન આપું છું કે આપણા સબંધો આજે વધારે સ્પેશિયલ બન્યા છે.
જુગલ ઠાકોરનું નિવેદન
જ્યારે જુગલ ઠાકોરે નિવેદન આપ્યું હતું કે, મુખ્યમંત્રી વિજય રૂપાણીનો આભાર માનું છું. સાથે નીતિન પટેલ, જીતુ વાઘણીનો આભાર માનું છું.