મુખ્યમંત્રી રૂપાણીની જાહેરાત, રાજ્ય સરકારે કોરોના વેક્સિનની સંપૂર્ણ તૈયારી કરી, કેન્દ્ર સરકારની જાહેરાત સાથે જ વેક્સિનેશન શરૂ થશે.

0
0

કોરોના મહામારીને નાથવા માટે કોવેક્સિન અને કોવિશિલ્ડને ઈમર્જન્સી યુઝ માટે મંજૂરી મળી ગઈ છે. આ સાથે દેશમાં વેક્સિનેશનનું કાઉન્ટ ડાઉન શરૂ થઈ ગયું છે ત્યારે ગુજરાતે પણ વેક્સિનેશન પ્રોગ્રામ શરૂ કરવાની તૈયારીઓ પૂર્ણ કરી લીધી છે. આ અંગેની જાહેરાત આજે રાજ્યના મુખ્યમંત્રી રૂપાણીએ કરી છે. મુખ્યમંત્રી રૂપાણીએ જણાવ્યું કે ગુજરાત કોવિડ-19 કોરોના સામેના વેક્સિનેશન અંગે સંપૂર્ણ સજ્જ છે. હવે ટૂંક સમયમાં જ આ મેઇડ ઇન ઇન્ડીયા વેક્સિન આવી જવાની છે અને રસીકરણ પણ શરૂ થવાનું છે. ગુજરાતમાં આ રસીકરણની સંપૂર્ણ તૈયારીઓ રાજ્ય સરકારે કરી લીધી છે. કોલ્ડચેઇન બની ગઇ છે, સર્વેક્ષણ કામગીરી થઇ ગઇ છે તથા રસીકરણ માટેની તાલીમ પણ કર્મીઓને અપાઇ ગઇ છે. ભારત સરકાર રસીકરણ પ્લાન જાહેર કરે કે તુરંત જ ગુજરાતમાં પણ વેક્સિનેશનની કામગીરી રાજ્ય સરકાર શરૂ કરી દેવા સુસજ્જ છે.

વેક્સિનેશન સેન્ટરમાં સેનેટાઈઝેશનની વ્યવસ્થા હશે

આ વેક્સિનેશન સેન્ટરમાં સેનેટાઈઝેશનની વ્યવસ્થા હશે. સોશિયલ ડિસ્ટન્સનું ધ્યાન રખાશે. એક સમયે રૂમમાં એક જ વ્યક્તિને હાજર રાખીને ડોઝ અપાશે. વેકિસનેશન સેન્ટર પર 5 લોકોની સ્પેશિયલ ટીમ તૈનાત રહેશે. જેમાં એક મુખ્ય મેમ્બર હશે. જેની દેખરેખમાં બીજા 4 લોકોની ટીમ હશે. જેમાં એક પોલીસકર્મી હશે. એક નર્સ હશે. એક હેલ્થ વર્કર હશે. એક વેક્સિનેટર હશે. મોટા ભાગે ફિમેલ વેક્સિનેટર રાખવામાં આવશે.

ડોર ટૂ ડોર સર્વેમાં થયેલાં રજિસ્ટ્રેશનના આધારે પ્રવેશ અપાશે

કોરોનાની રસી લેવા માટે ડોર ટૂ ડોર સર્વેમાં થયેલાં રજિસ્ટ્રેશનના આધારે પ્રવેશ અપાશે. જેમાં તમારે તમારું આધારકાર્ડ કે રજિસ્ટ્રેશન સમયે જે પુરાવો આપ્યો હોય તે સાથે રાખવાનો રહેશે. સેન્ટરમાં પ્રવેશતી વખતે તમને પહેલાં સેનેટાઈઝ કરવામાં આવશે.કોરોનાની વેક્સિન લીધાં બાદ લાભાર્થીનું સ્પેશિયલ કાઉન્સીલીંગ કરવામાં આવશે. જેમાં તેને કોરોના અંગે ખાસ જાણકારી અપાશે. રસી લીધાં બાદ કોઈ તકલીફ થાય તો શું કરવું તે અંગે જાણકારી અપાશે. એક ડોઝ પછી રસીના બીજા ડોઝ માટેની જાણકારી અપાશે. અને કોવિડની ગાઈડલાઈનના પાલન અંગે જાણકારી અપાશે.

વેક્સિનેશન સેન્ટર ક્યાં હશે?

વિવિધ જિલ્લા અને તાલુકા સ્તરે ચૂંટણીની પ્રક્રિયાની જેમ જ સ્કૂલોમાં, પંચાયતની કચેરીઓમાં, મનપાની કચેરીઓમાં, કોમ્યુનીટી હોલમાં કોવિડના વેક્સિનેશન માટેની વ્યવસ્થા ઉભી કરવામાં આવશે. અને CM ડેશ બોર્ડ પર તમામ લાભાર્થીઓની અપડેટ રાખવામાં આવશે.

રસીકરણની તૈયારી પૂર્ણ

કોરોનાની રસીકરણના મહાઅભિયાનમાં લોકોને રસી આપવા માટે ગુજરાત સરકારના આરોગ્ય વિભાગ તૈયારીઓને આખરી ઓપ આપી દીધો છે. આરોગ્ય વિભાગ સાથે સંકળાયેલાં 15 હજારથી વધારે ક્વોલિફાઈડ વેક્સિનેટરની ફોજ તૈયાર કરી દેવામાં આવી છે. કેવી રીતે આપવી તે અંગે સ્પેશિયલ ટ્રેનિંગ પણ અપાઈ છે.

રસીની આડઅસર થાય તો ?

કોરોનાની રસી લીધાં બાદ કોઈને આડઅસર થાય તો તેના માટે તેને પોતાના વિસ્તારના હેલ્થકેર વર્કરનો મોબાઈલ નંબર આપવામાં આવશે. મેડિકલ ઓફિસરનો પણ નંબર આપવામાં આવશે. તેના નંબર પર કોલ કરીને તમે તમારી તકલીફ જણાવશો તો ટીમ તમારો સંપર્ક કરશે. જરૂર જણાશે તો સરકારી ખર્ચે તમારી સંપૂર્ણ સારવાર કરવામાં આવશે. નિષ્ણાંતોનું કહેવું છેકે, કોઈપણ રસીની સામાન્ય આડઅસર થતી હોય છે. પણ એ ખુબ જ સામાન્ય બાબત છે. તેનાથી કોઈએ ડરવાની જરૂર નથી. આ રીતે બેકઅપ પ્લાન પણ સરકારે તૈયાર કર્યો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here