74માં સ્વાતંત્ર્ય પર્વે CM રૂપાણીનો પ્રજાજોગ સંદેશ : ‘જીતશે ગુજરાત – હારશે કોરોના…’

0
4

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આઝાદીના પર્વ નિમિત્તે પ્રજાજોગ સંદેશો આપતા જણાવ્યું હતું કે, સંપૂર્ણ દેશ 74મું આઝાદી પર્વ ઉજવી રહ્યો છે. એ આઝાદીના મૂળિયા જેમણે સીંચ્યા છે એવા આઝાદીના તમામ લડવૈયાઓ, ક્રાંતિકારીઓ, અનેક નામી-અનામી એવા સૌ કોઈને આજના દિવસે પુણ્ય સ્મરણ કરીને, એ સૌને આજે વંદન કરીએ છીએ.

સીએમએ જણાવ્યું, વર્ષોનાં વર્ષો અવિરત સંઘર્ષ કરીને, બ્રિટિશરોની લાઠીઓ ખાઈ-ખાઈને, ગોળીઓ ઝીલી-ઝીલીને ફાંસીના તખ્તા ઉપર ચઢીને આ મહામૂલી આઝાદી અપાવી છે. ખુદીરામ બોઝ, ભગતસિંહ, સુખદેવ, રાજગુરુ, વીર સાવરકર, મહાત્મા ગાંધી, લોકમાન્ય તિલક, સુભાષચંદ્ર બોઝ, સરદાર વલ્લભભાઈ પટેલ-એવા અનેક લોકોએ આઝાદીની લડતનું નેતૃત્વ કરીને બ્રિટિશરો સામે લડતાં-લડતાં આપણને આ આઝાદી અપાવી છે.

વધુમાં મુખ્યમંત્રીએ જણાવ્યું, દેશ માટે મરી ફીટનાર, જાન કુરબાન કરનાર, સૌ કોઈને નમન કરવાનો- યાદ કરવાનો આ અવસર છે. આઝાદી સંગ્રામવેળાએ પૂજ્ય મહાત્મા ગાંધીના નેતૃત્વમાં અંગ્રેજો સામે દેશવ્યાપી અહિંસક ચળવળ-સત્યાગ્રહનો જુવાળ જાગેલો. આજે કોરોનાની મહામારી સામે પ્રધાનમંત્રીના નેતૃત્વમાં દેશવ્યાપી ચળવળ જાગી છે, જનજાગૃતિની અને સારી આદતોની, સ્વચ્છાગ્રહની આ ચળવળ જાગી છે. આપણે સૌ એક બની-નેક બની સારી આદતો કેળવીએ અને આ સંક્રમણને રોકવા માસ્કનો ઉપયોગ કરવો, સોશિયલ ડિસ્ટન્સ જાળવવું, હાથને વારંવાર સેનિટાઇઝ કરવા- અને કોરોના સામેનો પણ સંગ્રામ જીતવાનો છે.

વધુમાં એમ પણ કહ્યું કે, સ્વાભાવિક છે કે, આઝાદીના આ પર્વની ઉજવણીનો આનંદ-હરખ આપણને સૌને ખૂબ જ હોય. પરંતુ આ વર્ષે કોરોનાની મહામારીને કારણે સ્થિતિ થોડી અલગ છે. ભીડ એકત્રિત ન થાય, મેળાવડો કે ઉત્સવો કરી નથી શકતા. તો કોરોનાના સંક્રમણની શકયતાઓ ભીડને કારણે વધી જાય અને વધુ લોકોના જાન જોખમમાં આવી જાય. એટલા માટે, આ વખતે ૭૪મું સ્વાતંત્ર્ય પર્વ મર્યાદિત સંખ્યામાં મર્યાદિત કાર્યક્રમ કરીને સોશિયલ ડિસ્ટન્સ સાથે ઉજવવાનું નક્કી કર્યુ છે. સામાજિક અંતર-સોશિયલ ડિસ્ટન્સ જરૂર છે, પરંતુ દેશ આખો અંબાજીથી આસનસોલ, દ્વારકાથી દીબ્રૂગઢ, કચ્છથી ગુવાહાટી, કાશ્મીરથી કન્યાકુમારી સુધી સ્વતંત્રતાનું આ પર્વ સામાજિક એકતાની તાકાતથી ઉજવી રહ્યો છે.

સીએમ રૂપાણીએ કહ્યું, કોરોનાના સંક્રમણને કારણે આપણી વિકાસયાત્રા જરૂર ધીમી થોડીક પડી હશે, પરંતુ ‘ન રુકના હૈ… ન ઝૂકના હૈ… વિકાસ કી ઔર આગે હી આગે બઢના હૈ…’આપણો મંત્ર છે. ભૂકંપની વિપદા હોય, પૂરનો પ્રકોપ હોય, અતિવૃષ્ટિ હોય કે અનાવૃષ્ટિ હોય- એવે વખતે ગુજરાત અને ગુજરાતીઓનું ખમીર, એને હંમેશાં આપત્તિને અવસરમાં પલટાવી છે. પડકારોને તકમાં પરિવર્તિત કર્યા છે. કૃષિ હોય-ઉદ્યોગો હોય, સર્વિસ સેક્ટર હોય, આરોગ્ય હોય, શિક્ષણ હોય.. હોલિસ્ટિક ડેવલપમેન્ટ- સર્વગ્રાહી અને સર્વાંગી વિકાસની પરિભાષા ગુજરાતે હંમેશાં દેશ અને દુનિયાને દેખાડી છે.

મુખ્યમંત્રીએ કહ્યું, કૃષિક્ષેત્રે હંમેશાં અગ્રેસર ગુજરાત રહ્યું છે. ગુજરાતમાં ખેડૂતોને સરકારે જગતના તાત ગણીને હંમેશાં એમના હિતને પ્રાધાન્ય આપેલું છે. 55 લાખથી વધુ કિસાનોને તાજેતરમાં જ મુખ્યમંત્રી કિસાન સહાય યોજના દ્વારા તમામ પાકોને આવરી લઇને ખેડૂતોને સંરક્ષિત કર્યા છે અને ખરીફ ઋતુના પાક કોઈ પણ કારણોસર નિષ્ફળ જાય તો સરકાર સહાય આપશે. અતિવૃષ્ટિ, અનાવૃષ્ટિ, કમોસમી વરસાદથી નુકસાન થશે, તો સરકાર ભલે આપણે આ વખતે પ્રિમિયમનો વીમા કંપનીને એક પૈસો નથી ભર્યો, પરંતુ સરકાર આ બધા ખેડૂતોની ચિંતા કરીને વળતર આપશે.

ખેડૂતભાઈઓ રાત્રે ઉજાગરા કરીને ખેતરમાં પાણી વાળવા જવું ન પડે, એટલા માટે એમને દિવસ દરમિયાન વીજળી આપવા દિનકર યોજનાની પણ અમલવારી ગુજરાતમાં આપણે શરૂ કરી દીધી છે. રાજ્યનો પિયત વિસ્તાર 38 લાખ હેક્ટરથી વધારીને 68 લાખ હેક્ટર થયો છે. પ્રત્યક્ષ અને પરોક્ષ સિંચાઈમાં 31 ટકા જે હતો વિસ્તાર, તે વધારીને ૫૫ ટકા ઉપર પહોંચ્યો છે. છેલ્લાં ચાર વર્ષમાં ૧૫ હજાર કરોડથી વધુ રકમની ખેતપેદાશોની ટેકાના ભાવથી ખરીદી કરીને, ખેડૂતને ઝીરો ટકે ધિરાણ આપીને, સમયસર ખાતર, બિયારણ અને વીજળી પૂરા પાડ્યા છે.