દિલ્હીમાં કૃષિ કાયદાના વિરોધમાં કિસાનો છેલ્લા 11 દિવસથી વિરોધ પ્રદર્શન કરી રહ્યાં છે. આ કડીમાં કિસાનોએ 8 ડિસેમ્બરે ભારત બંધની જાહેરાત કરી છે. કોંગ્રેસ સહિત 22 જેટલી રાજકીય પાર્ટીઓએ કિસાનોના ભારત બંધને સમર્થન આપ્યું છે. તો ગુજરાતમાં પણ ઘણા માર્કેટિંગ યાર્ડ, વેપારી એસોસિએશન, કોળી સમાજ સહિતે આ બંધને સમર્થન આપ્યું છે. તો ભારત બંધને લઈને ગુજરાત કોંગ્રેસે પણ પોતાની રણનીતિ બનાવી રહ્યા છે.
ત્યારે આ મામલે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કોંગ્રેસને આડે હાથ લેતા જણાવ્યું છે કે ખરેખરમાં આ આંદોલનમાં ખેડૂતોનું માત્ર નામ છે બાકી રાજકીય રીતે સમગ્ર આંદોલન ચાલી રહ્યું છે.
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કહ્યું કે, ખેડૂતોનું ખાલી નામ છે, મોદી સરકાર વિરૂદ્ધ કુદી પડવા માટે અસ્તિત્વને દેખાડવા માટે કોંગ્રેસથી માંડીને વિરોધ પક્ષો એક થઇને ભારત બંધમાં જોડાયા છે. ખેડૂતો આંદોલનમાં ખેડૂત નેતાઓએ પણ અગાઉ કહ્યું હતું કે, અમે કોઇપણ રાજકીય પક્ષોને પોતાના આંદોલનમાં જોડીશું નહીં, ત્યારે આ પક્ષો આંદોલનમાં કુદી પડ્યા છે, એ બતાવે છે કે ખેડૂતોનું ખાલી નામ છે. કોંગ્રેસનું અસ્તિત્વ ખતમ થઇ ચૂક્યું છે.