કોમેડિયન ભારતી અને તેના પતિના ઘરેથી ગાંજો મળ્યો : NCB એ બંનેને કસ્ટડીમાં લીધાં.

0
4

નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો, એટલે કે NCBએ જાણીતી કોમેડિયન ભારતી સિંહ અને તેના પતિ હર્ષ લિંબાચિયાના મુંબઈસ્થિત ઘરે દરોડા પાડ્યા છે. લેટેસ્ટ સમાચાર પ્રમાણે ભારતી અને હર્ષ લિંબાચિયાના ઘરેથી સેવન કરી શકાય તેટલા પ્રમાણમાં ગાંજો મળી આવ્યો છે. આથી NCBએ વધુ પૂછપરછ માટે બંનેની અટકાયત કરી છે.

ન્યૂઝ એજન્સી ANIના સમાચાર પ્રમાણે, NCBએ શનિવારે સવારે અંધેરી, લોખંડવાલા અને વર્સોવાનાં ત્રણ અલગ અલગ સ્થળોએ દરોડા પાડ્યા છે. એક ડ્રગ પેડલર સાથેની પૂછપરછ દરમિયાન આ બંનેનાં નામ સામે આવ્યાં હતાં. ત્યાર બાદ અંધેરી, લોખંડવાલા અને વર્સોવાસ્થિત ઘરમાં રેડ પાડવામાં આવી હતી. NCBના ઝોનલ ડિરેક્ટર સમીર વાનખેડેએ જણાવ્યું કે, હર્ષ અને ભારતીને અમે કસ્ટડીમાં પૂછપરછ માટે લીધાં છે. બંનેને ઝોનલ ઓફિસમાં આવીને સ્પષ્ટતા કરવાની રહેશે.

NCBએ પૂછપરછ માટે ભારતી સિંહ અને તેના પતિ હર્ષ લિંબાચિયાની અટકાયત કરી
(NCBએ પૂછપરછ માટે ભારતી સિંહ અને તેના પતિ હર્ષ લિંબાચિયાની અટકાયત કરી)

 

ઉલ્લેખનીય છે કે સુશાંત સિંહ રાજપૂતના અપમૃત્યુ પછી બહાર આવેલા બોલિવૂડ અને ગ્લેમર ઇન્ડસ્ટ્રીમાં છાનેખૂણે ચાલતા ડ્રગ્સના સેવનના અંકોડા મેળવવા માટે NCB સતત સેલિબ્રિટીઓનાં ઘરે દરોડા પાડી રહી છે. દિવાળી પહેલાં જ એક્ટર અર્જુન રામપાલને પણ પૂછપરછ માટે બોલાવવામાં આવ્યો હતો.

ભારતી સિંહે ‘ધ કપિલ શર્મા શૉ’, ‘કોમેડી સર્કસ’, ‘ઝલક દિખલા જા’, ‘નચ બલિયે’ જેવા શૉમાં એક્ટિંગ પ્લસ એન્કરિંગ કર્યું છે. ભારતી સિંહે 3 ડિસેમ્બર, 2017ના રોજ ટેલિવિઝન રાઇટર હર્ષ લિંબાચિયા સાથે લગ્ન કર્યા હતા અને આ દંપતી અત્યારે સોની ટીવી પર ‘ઇન્ડિયાઝ બેસ્ટ ડાન્સર’ નામનો શૉ હોસ્ટ કરી રહ્યું છે.