અમદાવાદ : ધારાસભ્ય પ્રદીપ પરમારની ઉપસ્થિતિમાં નશાબંધી સપ્તાહ ઉજવણીનો પ્રારંભ

0
55

અમદાવાદ શહેરમાં મેઘાણીનગર ખાતે આવેલ મંગળદાસ પટેલ કોમ્યુનિટી હોલમાં જિલ્લાકક્ષાના નશાબંધી સપ્તાહનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. અસારવાના ધારાસભ્ય પ્રદીપભાઈ પરમારની પ્રેરક ઉપસ્થિતિમાં નશાબંધી સપ્તાહની ઉજવણી શરૂ કરવામાં આવી હતી.

ગાંધી જયંતી નિમિત્તે 2 ઓક્ટોબરથી 8 ઓક્ટોબર એમ એક સપ્તાહ સુધી નશાબંધી સપ્તાહની ઉજવણી સમગ્ર અમદાવાદ જિલ્લામાં કરવામાં આવનાર છે. પ્રદીપભાઈ પરમારએ પ્રાસંગિક ઉદબોધનમાં કહ્યું કે ગુજરાતને નશામુક્ત બનાવવાના અભિયાનને આગળ ધપાવતા રાજ્યને નશામુક્ત બનાવવા માટે કડક કાયદાની જોગવાઇ કરવામાં આવી છે. આ કાયદાની અમલવારીમાં સરકાર અને સમાજ બંનેના સહિયારા પ્રયાસોથી જ નશાબંધીનો ચુસ્તપણે પાલન કરી શકાશે.

ગાંધીજયંતી નિમિત્તે વ્યસનમુક્ત સમાજનું નિર્માણ કરવા નશાબંધી અપનાવીને જ ગાંધીજીને શ્રેષ્ઠ શ્રદ્ધાંજલિ આપી શકાશે. ધારાસભ્ય પરમારે સત્ય, અહિંસા અને સ્વચ્છતાના પ્રખરી એવા ગાંધીજીના વિચારોને નૈતિક પણે અમલમાં મુકી વ્યસનમુક્તિ અપનાવીને વ્યસનમુક્ત સમાજનું નિર્માણ કરવાની નેમ વ્યક્ત કરી હતી.

ગાંધી અને તેમના વિચારો લોકોમાં હર હંમેશ જીવંત રહે તે માટે જ રાજ્ય સરકાર દ્વારા તેમના જન્મદિવસ નિમિત્તે નશાબંધી સપ્તાહની ઉજવણી કરવામાં આવતી હોવાનું ધારાસભ્યએ ઉમેર્યું હતું. આઝાદી બાદ ભાષાને આધારે રાજ્યનું વિભાજન કરવામાં આવ્યું તે વખતે હાલનું મહારાષ્ટ્ર અને ગુજરાત બૃહદ રાજ્ય તરીકે ઓળખાતા હતાં. તે વખતે ધી મુંબઇ નશાબંધી ધારો-૧૯૪૯ સમગ્ર બૃહદ મુંબઇ રાજ્યમાં અમલમાં હતો.તા.૦૧-૦૫-૧૯૬૦ ના રોજ ગુજરાત રાજ્યની સ્થાપના કરવામાં આવી ત્યારે મુંબઇ નશાબંધી અધિનિયમને જે તે સ્વરૂપે અપનાવવામાં આવ્યો હતો અને આ કાયદાના અમલીકરણ માટે આબકારી કચેરીનું નામ નશાબંધી આબકારી કચેરી રાખવામાં આવેલ હતું.

આમ, ગુજરાત રાજ્યની સ્થાપનાથી જ રાજ્યમાં નશાબંધીનો કડક અમલ કરી રાજ્યના યુવા ધનને નશાની ચુંગાલમાંથી બચાવવાનું કામ રાજ્યમાં કાયદાની કડક અમલવારીને કારણે થયું હોવાનું ધારાસભ્યએ કહ્યું હતું.

આજે પૂ. ગાંધી બાપૂની જન્મજ્યંતિ છે. ગાંધીજીના મૂલ્યોને અનુસરીને રાજ્યમાં દારૂબંધી અમલી છે. વ્યસનોથી સમાજને આર્થિક સાથે સામાજિક નુકશાન પણ થાય છે. નશાબંધી સપ્તાહની ઉજવણી તે રીતે ગાંધી મૂલ્યોને સાચી અંજલી છે. તંદુરસ્ત સમાજના નિર્માણ માટે તે ઉપયુક્ત બને તે માટે પ્રતિ વર્ષ રાજ્યમાં નશાબંધી સપ્તાહની ઉજવણી કરવામાં આવે છે.

નશાબંધી આબકારી વિભાગના અધિક્ષક શ્રી આર.એસ વસાવાએ ઉક્ત ઉજવણી સમગ્ર જિલ્લામાં થવા જઈ રહી છે ત્યારે સરકારી તમામ દિશાનિર્દેશોનું પાલન કરીને લોકોમાં જાગૃતિ વધશે તેમ કહ્યું હતું. આ પ્રસંગે અમદાવાદ શહેરના ડેપ્યુટી મેયર દિનેશભાઈ મકવાણા, સર્વ મ્યુનિસિપલ કાઉન્સિલ સહિત શહેરના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here