સ્ટેચ્યૂ ઓફ યુનિટીના પાર્કિંગ ફી સહિતના 5.24 કરોડ રૂપિયાની ઉચાપત : HDFC બેંકની કેશ કલેક્શન એજન્સી સામે કેવડિયા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ

0
7

સ્ટેચ્યૂ ઓફ યુનિટીના લોકાર્પણ બાદ 2 વર્ષના સમયગાળામાં 40 લાખથી પ્રવાસીઓ મુલાકાત લઈ ચુક્યા છે અને 80 કરોડ રૂપિયાથી વધુની આવક થઈ છે, ત્યારે તાજેતરમાં બે વર્ષના ઓડિટ દરમિયાન એક મોટી ઉચાપત સામે આવી છે. સ્ટેચ્યૂ ઓફ યુનિટીની આવકના નાણાં લઇને બેંકમાં જમા કરાવનાર એજન્સી દ્વારા 5.24 કરોડ રૂપિયા બેંકમાં જમા નહીં કરાઈ હોવાની વાત સામે આવતા ખાનગી એજન્સી સામે ગુનો નોંધાયો છે.

અગાઉ ટિકિટ બુકિંગમાં પ્રવાસીઓ સાથે છેતરપિંડી થઈ હોવાનું બહાર આવ્યું હતું

સ્ટેચ્યૂ ઓફ યુનિટી સહિત અન્ય પ્રોજેક્ટોમાં કોરોના મહામારીને લીધે હાલ ઓફલાઈન ટિકિટ બુકીંગ બંધ છે, જ્યારે ઓનલાઈન ટિકિટ બુકીંગ ચાલુ છે. અહીં રોજના હજારોની સંખ્યામાં આવતા પ્રવાસીઓના વાહન પાર્કિંગ માટે ખાનગી એજન્સીને કોન્ટ્રાકટ અપાયો છે. જેમાં નક્કી કરેલો ચાર્જ ભરીને પાર્કિંગમાં પ્રવાસીઓ પોતાના વાહનો પાર્ક કરી શકે છે. અગાઉ ટિકિટ બુકિંગમાં પ્રવાસીઓ સાથે છેતરપિંડી થઈ હોવાનું બહાર આવ્યું હતું. જોકે સ્ટેચ્યૂ ઓફ યુનિટી તંત્ર દ્વારા છેતરપિંડી કરતી ટ્રાવેલ એજન્સી સામે પોલીસ ફરિયાદ જેવી કાર્યવાહી પણ કરવામાં આવી હતી.

HDFC બેંકને તેની જ ખાનગી એજન્સીએ 5 કરોડ રૂપિયાનો ચુનો ચોપડ્યો

સ્ટેચ્યૂ ઓફ યુનિટીની ફી અને પાર્કિંગ ચાર્જમાં ખાનગી એજન્સીએ કરોડ રૂપિયાનો ભ્રષ્ટાચાર કર્યો હોવાનું બહાર આવતા ખળભળાટ મચી ગયો છે. સ્ટેચ્યૂ ઓફ યુનિટી આસપાસ થઈ રહેલા વિકાસ કામોમાં પણ ભ્રષ્ટાચારની બુમો અગાઉ ઉઠી હતી, ત્યારે આ કરોડો રૂપિયાનો બીજો ભ્રષ્ટાચાર સામે આવતા અનેક સવાલો પણ ઉભા થયા છે. વિશ્વની સૌથી ઊંચી પ્રતિમાના વહીવટીમાં ભ્રષ્ટાચાર મુદ્દે HDFC બેંકને એની જ ખાનગી એજન્સીએ 5 કરોડ રૂપિયાનો ચુનો ચોપડ્યો હોવાનું તથ્ય બહાર આવ્યું છે. આ મામલે કેવડિયા પોલીસ મથકમાં ફરિયાદ પણ નોંધાઈ છે.

એજન્સીની જવાબદારી રોજ અધિકારીઓ પાસેથી નાણાં લઈને બેંકમાં જમા કરાવવાની હતી

સ્ટેચ્યૂ ઓફ યુનિટીનું એકાઉન્ટ વડોદરાની HDFC બેંકમાં છે. હવે સ્ટેચ્યૂ ઓફ યુનિટીના રોજના કલેક્શન માટે બેંકે કલેક્શન એજન્ટ તરીકે ડોર સ્ટેપ બેંકિંગ સર્વિસ માટે “રાઈટર બિઝનેસ સર્વિસ પ્રાઈવેટ લિમિટેડની” નિમણૂક કરી હતી. “રાઈટર બિઝનેસ સર્વિસ પ્રાઈવેટ લિમિટેડ”ની રોજ સાંજ પડે કલેક્શનની રકમ સ્ટેચ્યૂ ઓફ યુનિટીના જવાબદાર અધિકારીઓ પાસેથી લઈને બેંકના ખાતામાં જમા કરાવવાની જવાબદારી હતી.

રોકડ રકમ અને તેની સ્લીપ તથા એકાઉન્ટમાં જમા થયેલી રકમ વચ્ચે ઘણો મોટો તફાવત હતો

હવે સ્ટેચ્યૂ ઓફ યુનિટી ઓફિસે આપેલી રોકડ રકમ અને તેની સ્લીપ તથા એકાઉન્ટમાં જમા થયેલી રકમ વચ્ચે ઘણો મોટો તફાવત હતો. આ મામલે સ્ટેચ્યૂ ઓફ યુનિટી તંત્રએ HDFC બેંકને જાણ કરતા બેંકે તપાસ હાથ ધરી હતી. આ તપાસ દરમિયાન નવેમ્બર-2018 થી માર્ચ-2020 સુધીના સમયગાળા દરમિયાન “રાઈટર બિઝનેસ સર્વિસ પ્રાઈવેટ લિમિટેડ”ના કર્મચારીઓએ સ્ટેચ્યૂ ઓફ યુનિટી કચેરી ખાતેથી 5,24,77,375 રૂપિયા રોકડ રકમ લઈ બેંક ખાતામાં જમા ન કરાવ્યા હોવાનું બહાર આવતા ખળભળાટ મચી ગયો હતો.

કેવડિયા DYSP વાણી દુધાત ભ્રષ્ટાચાર મામલે તપાસ કરે છે

વડોદરા HDFC બેંક દ્વારા રાઈટર બિઝનેસ સર્વિસ પ્રાઈવેટ લિમિટેડના જવાબદાર અધિકારીઓ અને કર્મચારીઓ વિરૂદ્ધ આ છેતરપિંડી મુદ્દે કાયદેસરની કાર્યવાહી કરવા કેવડિયા પોલીસ મથકમાં ફરિયાદ કરી છે. કેવડિયા DYSP વાણી દુધાત ભ્રષ્ટાચાર મામલે તપાસ કરી રહ્યા છે.

તો શું HDFC બેંક સ્ટેચ્યૂ ઓફ યુનિટીને 5 કરોડ રૂપિયા ચૂકવશે?

સ્ટેચ્યૂ ઓફ યુનિટી વહીવટદાર કચેરીએ જણાવ્યું હતું કે, સ્ટેચ્યૂ ઓફ યુનિટી પાસે અમારા તમામ નાણાકિંય વ્યવહારોનું ચાર્ટર્ડ એકાઉટન્ટ દ્વારા ઓડિટ પણ કરવામાં આવે છે. સ્ટેચ્યૂ ઓફ યુનિટીની રસીદોને આધારે HDFC બેંકને સુપ્રત થયેલી રકમ તથા HDFC બેંક દ્વારા સ્ટેચ્યૂ ઓફ યુનિટીના બેંક ખાતામાં જમા કરાવેલી રકમનું મેળવણું એ સમયાંતરે નિયમિત થતી રૂટીન પ્રક્રિયા છે. જો કોઈ તફાવત હોય, તો તે HDFC બેંકની જવાબદારી છે અને બેંક દ્વારા તેવી લેખિત બાંહેધરી પણ આપવામાં આવી છે, તો કચેરીના આ નિવેદન બાદ HDFC બેંક સ્ટેચ્યૂ ઓફ યુનિટીને 5 કરોડ રૂપિયા ચૂકવશે કે કેમ? એ પ્રશ્ન ઉપસ્થિત થાય છે. અને એટલા સમય સુધી અધિકારીઓ એ સુ જોયું સ્થાનિક અધિકારીઓની સંડોવણી હોવાની પણ શક્યતાઓ દેખાઈ રહી છે, ત્યારે સમગ્ર હકીકત પોલીસ તપાસમાં બહાર આવશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here