ક્રાઇમ બ્રાન્ચના નામે યુવકને ઉઠાવી 30 હજારનો તોડ કરનાર બે સામે ફરિયાદ

0
12

ક્રાઇમ બ્રાન્ચના નામે યુવકને ઉઠાવી 30 હજારનો તોડ કરનાર બે સામે નરોડા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ છે. જેમાં યુવતીને લઇ ગેસ્ટ હાઉસમાં કેમ ગયો તેમ કહી યુવકને નરોડા જીઆઇડીસીમાંથી ઉપાડ્યો હતો અને એક મોબાઇલની દુકાનમાં લઇ ગયા હતા.જ્યાં ઓનલાઇન 30,900 ટ્રાન્સફર કર્યા હતા. જેમાંથી 900 દુકાનદારે લીધા હતા. જ્યારે 30 હજાર બે શખસો લઇ ગયા હતા. દસ મહિના બાદ યુવકને તોડ થયાનો ખ્યાલ આવતા આ મામલે નરોડા પોલીસ મથકમાં ફરિયાદ થતા પોલીસે તપાસ આદરી છે.

શહેરના મેઘાણીનગરમાં રહેતો મનોજ પટણી નરોડા જીઆઇડીસીમાં નોકરી કરી પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે. ગત ફેબ્રુઆરી માસમાં મનોજ બપોરે નરોડા સુતરના ચાર રસ્તા પાસે એક પાનના ગલ્લા પર પોતાની બાઇક લઇને ઉભો હતો. તે વખતે એક સ્પોર્ટ બાઈક પર બે શખ્સો આવ્યા હતા અને તેઓ ક્રાઈમ બ્રાન્ચ પોલીસમાં છે તેવી ઓળખ આપી હતી. આ બંને શખ્સોએ મનોજભાઇને કહ્યું કે થોડીવાર પહેલા એક છોકરી સાથે ઓઢવ ખાતે આવેલી શિવકુંજ હોટલમાં ગયો હતો. જેથી તેની પર કેસ થયો છે અને તેઓને ઓઢવ પોલીસ સ્ટેશન આવવું પડશે તેમ કહી આ બંને શખશો મનોજને લઈને નીકળ્યા હતા.

બાદમાં નરોડા સુતરના કારખાના ચાર રસ્તા થઇને નરોડા રેલવે ક્રોસિંગ તરફથી નાનાચિલોડા રીંગરોડ તરફ જવા માટે નીકળ્યા હતા. જ્યાં બંને શખ્સોએ બાઈક ઉભી રાખી હતી. પછી બંને શખશો અંદરો અંદર વાત કરતા હતા કે અમિતભાઈ નાગર સાહેબ આ ભાઈ સારા છે જેથી તેમની પાસેથી ખર્ચા ના પૈસા લઈને જવા દો. આ વખતે અમિત નાગરે જણાવ્યું કે યૂનુસ ભાઈ તમારી વાત સાચી છે આ પ્રકારની અંદર અંદર વાત કરતા હતા, જેથી આ બંને શખશોમાંથી એક અમિત નાગર અને બીજો યુનુસ નામનો શખ્સ હોવાની ભોગ બનાર મનોજભાઈને શંકા ગઈ હતી.

બાદમાં આ બંને શખ્સોએ જણાવ્યું કે તમારે જેલમાં ના જવું હોય તો અમને ખર્ચના પૈસા આપી દો. જેથી મનોજભાઈ ડરી ગયા હતા. પરંતુ પોતાની પાસે રોકડ રકમ ન હોવાથી તેમણે નાના ચિલોડા પાસે આવેલી એક મોબાઇલ દુકાનમાં ગયા હતા. જ્યાં દુકાનદારના ખાતામાં તેઓએ 30 હજાર રૂપિયા તથા ચાર્જના 900 રૂપિયા એમ કુલ 30,900 રૂપિયા ટ્રાન્સફર કર્યા હતા અને તેની સામે રોકડ 30 હજાર રૂપિયા દુકાનદાર પાસેથી લઈને નકલી પોલીસ બનીને આવેલા બે શખ્સો ને આપ્યા હતા.

જોકે તે સમયે મનોજભાઈએ કોઈ પોલીસ ફરિયાદ કરી ન હતી. તેઓ કામ અર્થે બહાર ગયા હોવાથી તેમણે પોલીસ ફરિયાદ કરી ન હતી. બાદમાં હવે તેઓએ નરોડા પોલીસને જાણ કરતાં નરોડા પોલીસે આ મામલે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here