કોરોના મહામારી : કોરોનિલ દવા અંગે બાબા રામદેવ અને આચાર્ય બાલકૃષ્ણ વિરુદ્ધ જયપુરમાં ફરિયાદ દાખલ

0
4

જયપુર. રાજસ્થાનની રાજધાની જયપુરમાં એક વકીલે બાબા રામદેવ, આચાર્ય બાલકૃષ્ણ અને અન્ય લોકો વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી છે. જયપુરના એસીપી અશોક ગુપ્તાએ આ જાણકારી આપી હતી. તેમણે કહ્યું- કોઇ પણ પ્રકારના પરિક્ષણ વિના કોરોના વાયરસનો દાવો કરવા અંગે અમને ફરિયાદો મળી હતી. અગાઉ 26 જૂને રાજસ્થાનના સ્વાસ્થ્ય વિભાગે પતંજલિની દવા કોરોનિલ અંગે જયપુરની એનઆઇએમએસ હોસ્પિટલને એક નોટિસ મોકલી હતી. અધિકારીઓએ શુક્રવારે જણાવ્યું કે આ નોટિસમાં હોસ્પિટલના વહીવટીતંત્રને કોરોના દર્દીઓ પર પતંજલિની દવાની ટ્રાયલ કરવા અંગે સ્પષ્ટીકરણ માંગવામા આવ્યું છે.

જયપુરના મુખ્ય ચિકિત્સા તથા સ્વાસ્થ્ય અધિકારી ડો. નરોત્તમ શર્માએ જણાવ્યું કે અમે બુધવારે હોસ્પિટલને નોટિસ જાહેર કરી હતી જેમાં ત્રણ દિવસની અંદર સ્પષ્ટીકરણ આપવાનું કહેવાયું છે. હોસ્પિટલે આ મામલે કોઇ ટ્રાયલની જાણકારી પણ આપી ન હતી તેમજ મંજૂરી પણ લીધી ન હતી. નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ તરફથી જવાબની રાહ જોઇ રહ્યા છીએ. રાજસ્થાન સરકારે સ્પષ્ટ કર્યું છે કે જ્યાં સુધી કોરોનિલને આયુષ મંત્રાલયની મંજૂરી નહીં મળી જાય, તેને દવા તરીકે ઉપયોગમાં નહી લેવામા આવે.

પતંજલિએ એનઆઇએમએસ વિશ્વવિદ્યાલય સાથે મળીને આ દવા વિકસિત કરી છે. મંગળવારે દવા લોન્ચ કરતી વખતે કંપનીએ દાવો કર્યો હતો કે કોરોના કેસમાં તે ત્રણ દિવસમાં 69 ટકા અને સાત દિવસમાં 100 ટકા સકારાત્મક પરિણામ આપે છે.