શાહિદ કપૂરને શરાબી ડૉક્ટર તરીકે રજૂ કરતી ફિલ્મ કબીર સિંઘ સામે મુંબઇના એક પ્રતિષ્ઠિત ડૉક્ટરે કોર્ટમાં ધા નાખી છે કે આ ફિલ્મ ડૉક્ટરના પવિત્ર વ્યવસાયને બદનામ કરે છે માટે એના પર બૅન લાદવો જોઇએ.
મેડિકલ સ્ટુન્ટના પ્રેમમાં નિષ્ફળ જવાથી શરાબી બની ગયેલા એક ડૉક્ટરની કથા રજૂ કરતી આ ફિલ્મ મૂળ તેલુગુ હિટ ફિલ્મ અર્જુન રેડ્ડીની હિન્દી રિમેક છે. તેલુગુના ડાયરેક્ટરે જ હિન્દીમાં બનાવી છે.
કોર્ટમાં તો જ્યારે નિર્ણય થાય ત્યારે અત્યારે તો આ ફિલ્મ ૧૦૦ કરોડની કમાણી કરવા તરફ ધસી રહી છે. ઇન્ટરનેટ પર આ ફિલ્મને મિશ્ર પ્રતિભાવ મળી રહ્યા છે.
ફરિયાદી ડૉક્ટરે પોલીસ ફરિયાદ કરવા ઉપરાંત કોર્ટમાં ધા નાખી છે અને સેન્સર બોર્ડને પણ વિગતવાર પત્ર લખીને ફરિયાદ કરી છે કે આવી ફિલ્મ તમે શી રીતે પાસ કરી ? અહીં એક ડૉક્ટર શરાબી અને ડ્રગનો બંધાણી દેખાડાયો છે જે સમગ્ર દાક્તરી વ્યવસાયને બદનામ કરે છે. આ ફિલ્મને અપાયેલા સર્ટિફિકેટને રદ કરીને ફિલ્મના પ્રસારણને રોકવું જોઇએ.