સુરત : સલાબતપુરાના કોન્સ્ટેબલ વિરુદ્ધ કોર્ટમાં દુષ્કર્મની ફરિયાદ, મહિલા પોલીસ સાથે પ્રેમ સંબંધ બંધાતાં વિધવાને તરછોડી

0
21

સુરતઃ સલાબતપુરા પોલીસ મથકના કોન્સ્ટેબલને એક વિધવા મહિલા સાથે પ્રેમ સંબંધ બંધાયા બાદ તેના જીવનમાં એક મહિલા પોલીસ કમર્ચારીનો પ્રવેશ થયો હતો. કોન્સ્ટેબલે લગ્નની લાલચે અનેકવાર વિધવા સાથે શરીર સંબંધ બાંધ્યા બાદ હવે તેને તરછોડી દેતા પોલીસમાં ફરિયાદ કરવા પહોંચી હતી પરંતુ પોલીસે ફરિયાદ ન લેતા વિધવાએ કોર્ટમાં ફરિયાદ કરી છે. જેમાં સલાબતપુરાના પીઆઈ પણ આરોપી કોન્સ્ટેબલને બચાવી રહ્યા હોવાના આક્ષેપ કરાયા છે. જેને પગલે આ ઘટના પોલીસ બેડામાં ચર્ચાનો વિષય બની છે.

આરોપીને PI દ્વારા બચાવવાનો પ્રયાસનો આરોપ

માનદરવાજા ખાતે રહેતી વિધવા પર સલાબતપુરા પોલીસ મથકના પોલીસ કોન્સ્ટેબલ દિપક ખોંડેએ બળાત્કાર ગુજાર્યો હોવા સંદર્ભની કોર્ટ ફરિયાદ થઈ છે. એડવોકેટ ઇલ્યાસ પટેલ મારફત કરવામાં આવેલી ફરિયાદમાં જણાવાયું હતું કે, લગ્નની લાલચ આપીને શરીર સંબંધ બાંધવામાં આવ્યો હતો અને બાદમાં તરછોડી દેવાઈ હતી. ફરિયાદમાં જે તે સમયના સલાબતપુરા પોલીસ મથકના પીઆઈ વિજય ચૌધરી ઉપર પણ આરોપ લગાવાયો છે કે, તેઓએ ફરિયાદી બુટલેગર હોવા સંદર્ભનો જવાબ લીધો હતો અને આરોપીને બચાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. દરમિયાન કોર્ટ ફરિયાદ બાદ સમગ્ર કેસમાં હાલ વિટનેસ ચકાસણી શરૂ થઈ છે. ત્યારબાદ આ ફરિયાદ સેશન્સમાં જશે.

મહિલા કર્મચારી સાથે સંબંધ હોવાથી ઝઘડો પણ થયો હતો

ફરિયાદમાં આરોપ લગાવાયો છે કે, કોન્સ્ટેબલ વર્ષ 2016થી નવેમ્બર-2018 સુધી અવાર-નવાર લગ્નની લાલચ આપીને શરીર સંબંધ બાંધતા હતા. દરમિયાન કોન્સ્ટેબલના અન્ય એક મહિલા પોલીસ કર્મચારી સાથે પણ સંબંધ હોવાનું સામે આવતા બંને વચ્ચે ઝઘડો થયો હતો અને પીડિતા દ્વારા પોલીસ ફરિયાદની તજવીજ હાથ ધરાઈ હતી. જોકે, પોલીસે ફરિયાદ ન લેતા આખરે કોર્ટમાં ફરિયાદ દાખલ કરાઈ હતી. આ ઘટનાને પગલે પોલીસ બેડામાં ભારે ચર્ચા ચાલી રહી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here