રાજયભરમાં વ્યાજખોરો વિરૂધ્ધ પોલીસે ઝુંબેશ શરૂ કરી છે. જેના ભાગરૂપે રાજકોટમાં લોક દરબાર યોજાયો હતો. તેમાં પોલીસને મળેલી અરજીઓનો તાત્કાલીક નિકાલ કરવાની પોલીસ કમિશનરની સુચના બાદ હવે ગુના દાખલ કરવાનું શરૂ કરાયું છે. જેના પગલે છેલ્લા ર૪ કલાકમાં વ્યાજખોરીની ત્રણ ફરિયાદો નોંધાઈ છે. લોકદરબાર બાદ વધુ અરજીઓ પોલીસને મળી છે. પરિણામે આગામી દિવસોમાં વધુ ગુના નોંધાય તેવી શકયતા નકારાતી નથી.
ભગવતીપરામાં નવીન ટાવરમાં રહેતાં રિક્ષા ચાલક ગોપાલ હિમતભાઈ વાઘવા (ઉ.વ.૩૧)એ રામ રજપુત (રહે. શિવનગર સોસાયટી, ગ્રીનલેન્ડ ચોકડી પાસે) સામે વ્યાજખોરી અંગે બી-ડિવીઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. જેમાં જણાવ્યું કે તેણે પોતાની મુકબધીર બહેન કવીતાબેનને લોહી ઉડી જવાની બીમારી હોવાથી સારવારના ખર્ચ માટે બાઈક ગીરવે મુકી આરોપી પાસેથી રૂા.રપ હજાર વ્યાજે લીધા હતા. જે તેણે વ્યાજ સહિત રૂા.ર૮,પ૦૦ પંદર દિવસમાં ચુકવી દીધા હતા. એકાદ માસ બાદ ફરી જરૂરીયાત ઉભી થતાં આરોપી પાસેથી ૪૦ હજાર વ્યાજે લીધા હતા. જેમાંથી તેણે ૬ હજાર વ્યાજના કાપી ૩૪ હજાર આપ્યા હતા. આ સમયે તેણે તેના ભાઈની ઓટો રિક્ષાની આર.સી. બુક ગીરવે મુકી હતી. એટલું જ નહી આરોપીએ તેની પાસે રિક્ષા વેચાણના રૂા.૧ લાખનો કરાર કરાવ્યો હતો. એટલું જ નહી રૂા.૬ હજાર દર મહિને વ્યાજના અને રૂા.૩૦૦માં ઓટો રિક્ષા ભાડા પેટે આપવાનો કરાર કર્યો હતો. જે રૂા.૩૦૦ લેખે તેણે રૂા.ર૧૦૦ આરોપીને રિક્ષા ભાડા પેટે ચુકવી દીધા હતા. આરોપી તેને ફોન કર રિક્ષા ભાડા બાબતે ધમકાવતો તેમજ તેના ઘરે જઈ તેની પત્ની સાથે વ્યાજના મુદ્દે બોલાચાલી કરી ધમકી આપી હતી. બીજા બનાવમાં સહકાર મેઈન રોડ પર સહકાર સોસાયટીમાં રહેતાં દિપેશભાઈ જગદીશભાઈ બારભાયા (ઉ.વ.૩૬)એ લોકડાઉનના સમયમાં ઘરખર્ચ અને પુત્રની સ્કુલ ફી ભરવા રૂપીયાની જરૂરીયાત ઉભી થતા તેના માતાના રૂા.૧.પપ લાખના ઘરેણા ગીરવે મુકી જતીન મેઘાણી (રહે. આહીર ચોક નજીક) પાસેથી કટકે-કટકે રૂા.૯૦ હજાર માસીક ૭ ટકાના વ્યાજે લીધા હતા. જેની સામે રૂા.ર.ર૮ લાખ ચુકવી દઈ ગીરવે મુકેલા દાગીના પરત માંગતા જતીને જૂના ત્રણ મહિનાના વ્યાજ ચડતના રૂા.૧૮ હજાર બાકી છે તે ચુકવ્યા બાદ દાગીના આપું તેમ કહી દીધુ હતું. ગઈ તા.ર૩-૩ના તેને જતીને રાષ્ટ્રીય શાળા પાસે મળવા બોલાવી વ્યાજના રૂપીયાનું શું કરવાું છે ? કહી તમાચા ઝીંકી મારકૂટ કરી હતી. તેમજ તેના મિત્રએ ડોક પકડી રાખી ગાળો દેતા ભક્તિનગર પોલીસમાં ફરિયાદ નોંધાઈ હતી.