પૂર્વ સુરક્ષા અધિકારીઓની ચિંતા વધી : ડોનાલ્ડ ટ્રમ્પ ગુપ્ત માહિતી જાહેર કરી શકે છે અને વેચી પણ શકે છે

0
5

અમેરિકામાં જો બાઈડેને ચૂંટાયેલા પ્રમુખ તરીકે દેશને ભલે સંબોધિત કરી દીધો, પરંતુ સત્તાનું સસ્પેન્સ હજુયે વધવાનું છે. ચૂંટણીમાં હારી ગયા તો પણ ડોનાલ્ડ ટ્રમ્પ વ્હાઈટ હાઉસ છોડવા તૈયાર નથી. ઊલટાની સ્થિતિ એવી સર્જાઈ છે કે, પૂર્વ સુરક્ષા અધિકારીઓની ચિંતા વધી ગઈ છે. તેમને ડર છે કે, વ્હાઈટ હાઉસ છોડતા પહેલા ટ્રમ્પ ગુપ્ત માહિતી જાહેર ના કરી દે અથવા તો બિઝનેસમાં લાભ માટે કોઈને વેચી ના દે!

ટ્રમ્પ પૂર્વ પ્રમુખ હોવાના નાતે ઘણી ગુપ્ત માહિતી જાણે છે. તેમાં પરમાણુ શસ્ત્રોનું લૉન્ચિંગ, ગુપ્ત માહિતી ભેગી કરવાની ક્ષમતા અને બીજા દેશોમાં અમેરિકાના વ્યૂહાત્મક ઠેકાણાને લગતી માહિતી અને અત્યાધુનિક શસ્ત્રોનો ટેક્નોલોજિકલ વિકાસ વગેરે સામેલ છે. સુરક્ષા અધિકારીઓના મતે, આ પ્રકારની ગુપ્ત અને સંવેદનશીલ માહિતી પ્રત્યે ટ્રમ્પનું વલણ ખૂબ જ બેજવાબદાર રહ્યું છે. સીઆઈએના પૂર્વ અધિકારી ડેવિડ પ્રિએસ કહે છે કે, ‘કોઈ પણ પ્રમુખ આટલા બધા નારાજ, અસંતુષ્ટ કે વ્યથિત હોય ત્યારે જોખમ વધી જાય છે. તેઓ ગુપ્ત માહિતી જાહેર કરી શકે છે. તેમના પર કરોડો ડૉલરનું દેવું છે, જેના કારણે પણ દબાણમાં છે. આ કારણસર તેઓ આર્થિક ફાયદા માટે ગમે તે કરી શકે છે.’

પૂર્વ સુરક્ષા અધિકારી લેરી ફાઈઝર અને સીઆઈએના ડિરેક્ટર જનરલના સ્ટાફમાં રહી ચૂકેલા માઈક હેડન પણ કહે છે કે, ‘સુરક્ષા અને જાસૂસી વિભાગના ઉચ્ચ અધિકારીઓ માટે પ્રમુખ સહિતના ઉચ્ચ હોદ્દે બેઠેલા લોકો હંમેશા ચિંતાનો વિષય હોય છે, જેમના પર વધારે દેવું હોય છે. આવી અનેક ઘટનાઓ પણ બની છે, જે ચિંતાજનક સંકેત આપે છે.’ ટ્રમ્પ બીજા પણ જોખમી સંકેત આપી ચૂક્યા છે. જેમ કે, સામાન્ય રીતે ચૂંટણી હાર્યા પછી પ્રમુખની વ્યસ્તતા પહેલા કરતા ઘટી જાય છે, પરંતુ ટ્રમ્પ વધારે વ્યસ્ત છે. તેમણે એક જ અઠવાડિયામાં અમેરિકન સેનાના હેડ ક્વાર્ટર પેન્ટાગોનમાં અનેક મોટા અધિકારીઓને હટાવીને વફાદારોને બેસાડી દીધા છે. ત્યાં સુધી કે સંરક્ષણ મંત્રી પણ બદલી નાંખ્યા છે. આ રીતે તેઓ વહીવટી તંત્ર પર પકડ મજબૂત કરી રહ્યા છે. એટલે આગામી દિવસોમાં સત્તા માટે એક અનોખો સંઘર્ષ શરૂ થઈ શકે છે.

ટ્રમ્પ બીજા કાર્યકાળ તરફ આગળ વધી રહ્યા છે: પોમ્પિયો

ટ્રમ્પે ફરી દાવો કર્યો છે કે, ‘જીતીશું તો અમે જ. બાઈડેન ચૂંટણી જીતવાના ખોટા પ્રયાસ કરી રહ્યા છે. અમે એવું નહીં થવા દઈએ.’ બીજી તરફ, અમેરિકન વિદેશ મંત્રી માઈક પોમ્પિયોએ પણ ટ્રમ્પનું સમર્થન કરતા કહ્યું છે કે, અમે સરળતાથી સત્તા હસ્તાંતરણ કરીશું. ટ્રમ્પ બીજા કાર્યકાળ તરફ આગળ વધી રહ્યા છે.

સરવે: 79% અમેરિકન ઈચ્છે છે કે, ટ્રમ્પ હાર સ્વીકારી લે

રોયટર્સ અને ઈસ્પસૉસના એક સરવેમાં 79% અમેરિકનોએ કહ્યું છે કે, ટ્રમ્પે હાર સ્વીકારીને સન્માનજનક રીતે વ્હાઈટ હાઉસ છોડી દેવું જોઈએ. આ સરવેમાં 13% લોકોએ કહ્યું છે કે, હજુ આ ચૂંટણીની હાર-જીત નક્કી નથી થઈ, જ્યારે ફક્ત 3%ના મતે ટ્રમ્પની જીત થઈ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here