જંબુસર તાલુકાના કાવી ગામેથી દરિયામાં માછલી પકડવા ગયેલ માછીમાર ભાઈઓની જાળમા શિવલિંગ જેવું ફસાઈને આવતા માછીમાર ભાઈઓએ ભારે જહેમતથી આશરે એક કિવીન્ટલ વજન ધરાવતા શિવલિંગને પોતાની નાવમા મુકીને કાવી દરિયા કિનારે લાવતા ગ્રામજનો દરિયા કાંઠે શિવલિંગને નિહાળવા ઉમટી પડયા હોવાના સમાચાર પ્રાપ્ત થયા છે.
પ્રાપ્ત માહિતી અનુસાર જંબુસર તાલુકાના કાવી ગામના માછીમારીના વ્યવસાય સાથે સંકળાયેલ કાળીદાસ વાધેલા મંગળ કાળીદાસ ફકીરા સહિત 12 જેટલા માછીમાર ભાઈઓ છગનભાઈ સોમા ભાઈ વાધેલાની નાવડી લઈને દરિયામા ધનકા તીર્થ પાસે તેઓએ બાંધેલ જાળામાંથી માછલી કાઢવા ગયેલ હતા. ત્યારે જાળમાં શિવલિંગ આકારનો પથ્થર પણ ફસાઈ ગયો હતો. તેને જાળમાંથી બહાર કાઢીને સાફ કરીને જોતા શિવલિંગ હોવાનુ જણાઈ આવેલ હતુ.
આ શિવલિંગ સમો પથ્થર ભરતીના નીરમા તરતો હતો. પરંતુ ભરતીના નીર ઓસરતા તે વજનદાર હોય ઉંચકાતો પણ ન હતો. આશરે એક કિવીન્ટલ વજન ધરાવતા શિવલિંગને માછીમાર ભાઈઓએ અન્ય નાવના માછીમારોની મદદથી ભારે જહેમતથી પોતાની નાવ ઉપર ચડાવી કાવી દરિયા કિનારે લાવ્યા હતા. અને દરિયા કિનારે તેને મુકી પાણીથી સાફ-સફાઈ કરતા આ શિવલિંગ સ્ફટિકનું હોવાનુ તથા અંદર શંખ,નાની મૂર્તિઓ હોવાનું જણાઈ આવ્યુ હતુ. આ હકીકતની જાણ કાવી ગામમાં વાયુવેગે પ્રસરતા ગ્રામજનો શિવલિંગને નિહાળવા દરિયા કાંઠે ઉમટી પડયા હતા.